15 October, 2025 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ની ડાયમન્ડ માર્કેટના ૪૩ વર્ષના ગુજરાતી વેપારી સાથે છેતરપિંડી થઈ છે. પુણેના રવિવાર પેઠ વિસ્તારમાં જ્વેલરીની દુકાન ધરાવતો ઉદય ચૌગુલે ૬૭ લાખ રૂપિયાના ડાયમન્ડ લઈને રફુચક્કર થઈ ગયો હોવાની ફરિયાદ સોમવારે ગુજરાતી વેપારીએ BKC પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.
ઑગસ્ટના અંતમાં ડાયમન્ડ ખરીદવા માટે મોટો ગ્રાહક હોવાનો દાવો કરીને ઉદય BKCમાં ડાયમન્ડના વેપારીની ઑફિસે આવ્યો હતો. ૨૩૦.૩૯ કૅરૅટના વાઇટ રાઉન્ડ કટ ડાયમન્ડ તે ૧૫ દિવસમાં હિસાબ પૂરો કરીશ કહીને લઈ ગયો હતો. એ દરમ્યાન દોઢેક મહિના સુધી ડાયમન્ડ કે પૈસા ન મળતાં વેપારીએ ઉદયનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેનો નંબર સ્વિચ્ડ-ઑફ હતો.
આરોપી પહેલાં વિશ્વાસ જીત્યો
BKCના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષની શરૂઆતથી આરોપી ઉદયે BKCના ડાયમન્ડના અનેક વેપારી સાથે વેપાર કર્યો હતો અને એનો હિસાબ પણ સમયસર પૂરો કરતો હતો. એ ઉપરાંત ફરિયાદી સાથે શરૂઆતમાં તેણે કરેલા વેપારના હિસાબ પણ તેણે યોગ્ય રીતે પૂરા કર્યા હતા. એ દરમ્યાન ઑગસ્ટના અંતમાં ઉદયે ફરિયાદી પાસેથી જે ડાયમન્ડ લીધા હતા એનો હિસાબ ૧૫ દિવસમાં પૂરો કરશે એવો વાયદો કર્યો હતો. પુણેમાં તપાસ કરાવતાં ઉદય ત્યાં પણ નહોતો મળ્યો’