મુંબઈની આ ગુજરાતી રનર બની ગોલ્ડન ગર્લ

14 April, 2026 07:27 AM IST  |  Mumbai | Varsha Chitaliya

તાજેતરમાં ભુવનેશ્વરના કલિંગા ઇનડોર ઍથ્લેટિક સ્ટેડિયમ ખાતે ભારતની પ્રથમ નૅશનલ ઇનડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી

હરિતા ભદ્રા

ઘાટકોપરની બાવીસ વર્ષની હરિતા ભદ્રા ભુવનેશ્વરમાં યોજાયેલી ભારતની પ્રથમ નૅશનલ ઇનડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ૭.૩૨ સેકન્ડમાં ૬૦ મીટર દોડ લગાવીને ગોલ્ડ મેડલ જીતી છે. દુતી ચંદનો નૅશનલ રેકૉર્ડ જરાક માટે ચૂકી ગઈ. હવે તેનું લક્ષ્ય એશિયન ગેમ્સ છે

તાજેતરમાં ભુવનેશ્વરના કલિંગા ઇનડોર ઍથ્લેટિક સ્ટેડિયમ ખાતે ભારતની પ્રથમ નૅશનલ ઇનડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં ઘાટકોપરની બાવીસ વર્ષની ગુજરાતી ગર્લ હરિતા ભદ્રાએ ગોલ્ડ જીતીને આ ઇવેન્ટમાં દેશની સૌથી ઝડપી મહિલા દોડવીર હોવાનો ખિતાબ મેળવ્યો છે. ૬૦ મીટરની દોડ તેણે ૭.૩૨ સેકન્ડમાં પૂરી કરી હતી. આ સ્પર્ધામાં તેણે રિલાયન્સ ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ યંગ ગર્લનું આગામી લક્ષ્ય એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાનું છે. સ્પર્ધા વિશે જણાવતાં હરિતા ‘મિડ-ડે’ને કહે છે, ‘આપણી પાસે ઇનડોર સ્ટેડિયમની સુવિધા નહોતી આથી અત્યાર સુધી ઓપનમાં જ સ્પર્ધાઓ થતી હતી. આ વર્ષે ઓડિશાના ભુવનેશ્વરમાં ભારતનું પ્રથમ ઇનડોર સ્ટેડિયમ ખુલ્લું મુકાયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતું આ સ્ટેડિયમ દક્ષિણ એશિયાનું સૌથી મોટું ઇનડોર ઍથ્લેટિક સ્ટેડિયમ છે. ૨૪-૨૫ માર્ચે અહીં દેશની પ્રથમ નૅશનલ ઇનડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં મહિલા ઍથ્લીટ્સ કૅટેગરીમાં મને ગોલ્ડ મળ્યો છે. ૬૦ મીટરની દોડ ૭.૩૨ સેકન્ડમાં પૂરી કરી હતી. જોકે દુતી ચંદ દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય રેકૉર્ડ (૭.૨૮ સેકન્ડ)ને માત્ર ૦.૦૪ સેકન્ડથી તોડવામાં હું ચૂકી ગઈ હતી. આ સ્પર્ધામાં મેં રિલાયન્સ ફાઉન્ડેશનને ​િરપ્રેઝન્ટ કર્યું હતું. બન્ને નૅશનલ રિલેમાં પણ અમારી ટીમ ગોલ્ડ જીતી હતી. ૪ લોકોની મિક્સ્ડ ટીમમાં ૧૦૦ મીટરની દોડ ૪૨.૩ સેકન્ડમાં પૂરી કરવાનો નૅશનલ રેકૉર્ડ બન્યો હતો. મહિલા ટીમ રિલેમાં ૧૦૦ મીટરની દોડ ૪૫ સેકન્ડમાં પૂરી કરી હતી. ઇનડોર ઇવેન્ટ વધુ લાઉડ અને લાઇવલી લાગે છે. આ પ્રકારની સ્પર્ધા ઍથ્લીટ્સનો જુસ્સો વધારે છે. આ સ્ટેડિયમમાં હવે પછી ૨૦૨૮માં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા થવાની છે. એમાં ભાગ લેવાનું તેમ જ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું લક્ષ્ય છે.’

સ્પોર્ટ્‍સમાં આગળ વધવું છે એથી ડિગ્રી પણ એમાં જ જોઈતી હતી એમ જણાવતાં હરિતા કહે છે, ‘રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે ૨૦૨૨-’૨૫માં ઇંગ્લૅન્ડ ગઈ. લંડનની લોફબરો યુનિવર્સિટીથી સ્પોર્ટ્‍સ સાયન્સ, કોચિંગ અને ફિઝિકલ એજ્યુકેશનમાં BSc (ઑનર્સ)ની ડિગ્રી લીધી. લંડનમાં પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. વિશ્વકક્ષાએ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાની ચાહ મને વતન પાછી લઈ આવી.’

કચ્છી ભાનુશાલી સમાજની હરિતા ગયા વર્ષે ઑગસ્ટમાં મુંબઈ પાછી આવી. ત્યાર બાદ નવી મુંબઈના ઉલવેમાં આવેલા રિલાયન્સ ફાઉન્ડેશનમાં તાલીમ શરૂ કરી. દરરોજ ત્રણ કલાકની પ્રૅક્ટિસ અને ડાયટને ફોકસમાં રાખીને તેણે દોડવાની ઝડપ વધારી. હવે તે મે-જૂનમાં યોજાનારી કેટલીક દોડસ્પર્ધામાં ભાગ લેવાની છે. તેનું મુખ્ય લક્ષ્ય એશિયન ગેમ્સ છે. હરિતા દૃઢપણે માને છે કે ભુવનેશ્વરમાં મળેલી જીત વૈશ્વિક મંચ પર વધુ મોટી સફળતા તરફનું એક પગથિયું છે. તેના પરિવારમાં દાદા-દાદી, માતા-પિતા અને મોટી બહેન છે. 

mumbai news mumbai bhubaneswar gujarati community news gujaratis of mumbai sports news sports exclusive