મુલુંડ સ્ટેશન પર ટ્રેન સામે ઝંપલાવીને ૧૫ વર્ષની કિશોરીએ કરી આત્મહત્યા

01 August, 2024 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આત્મહત્યા પાછળનું મૂળ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

મુલુંડ સ્ટેશન પર મંગળવારે રાત્રે સાડાઆઠ વાગ્યે બે નંબરના પ્લૅટફૉર્મ પરથી ૧૫ વર્ષની દિવ્યા ગોસાવી નામની કિશોરીએ ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કુર્લા રેલવે પોલીસે પ્રાથમિક માહિતી અનુસાર એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને દિવ્યાએ શા માટે આત્મહત્યા કરી એની તપાસ શરૂ કરી છે.

મુલુંડ-ઈસ્ટમાં પિતા અને ત્રણ ભાઈ-બહેનો સાથે રહેતી દિવ્યાએ મંગળવારે રાતે આઠ વાગ્યે મુલુંડ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે પર આવીને એકાએક ટ્રેન સામે ઝંપલાવી દીધું હતું એમ જણાવતાં કુર્લા રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSTM) જતી ૮.૨૦ વાગ્યાની ટ્રેન મુલુંડ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે પર પ્રવેશી ત્યારે દિવ્યાએ ટ્રેનની સામે ઝંપલાવ્યું હોવાનું સ્ટેશન પરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં દેખાઈ આવ્યું છે. દિવ્યાના પિતા મનોજનું પ્રાથમિક સ્ટેટમેન્ટ લેતાં એવું જાણવા મળ્યું હતું કે તેની પત્ની ચાર દિવસ પહેલાં પોતાના ગામમાં ગઈ હતી જેને કારણે દિવ્યા ડિપ્રેસ્ડ થઈ ગઈ હતી. જોકે આત્મહત્યા પાછળનું મૂળ કારણ જાણવા અમે વધુ તપાસ શરૂ કરી છે.’

mumbai news mumbai mulund suicide mumbai police