NCP-સેના વચ્ચે 50-50ની સમજૂતી શક્ય

12 November, 2019 08:33 AM IST  |  Mumbai | Mayur Jani

NCP-સેના વચ્ચે 50-50ની સમજૂતી શક્ય

શરદ પવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ૪૮ કલાકમાં જે પ્રકારનાં ટ્વીટ્સ અને ટર્ન આવી રહ્યાં છે એ દેશના રાજકારણની ખરી તાસીર પ્રસ્તુત કરે છે. તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે આધારભૂત સૂત્રોનું કહેવું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાના નવા સમીકરણ રચાવાની પૂરી સંભાવના છે. જે ફૉર્મ્યુલાને લઈને શિવસેનાએ બીજેપી સાથેનો વર્ષોજૂનો સંબંધ એકઝાટકે તોડી નાખ્યો એ જ ફૉર્મ્યુલા એટલે કે સત્તામાં પ૦-૫૦ ટકાની ભાગીદારી જો એનસીપી સ્વીકારવા તૈયાર થાય તો સેનાનો સાથ લઈને એનસીપી આજ સાંજ સુધીમાં સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સમક્ષ કરી શકે છે. જો એનસીપી સરકાર રચે તો કૉન્ગ્રેસને બહારથી ટેકો આપવામાં પણ કોઈ સૈદ્ધાંતિક વિરોધ નડશે નહીં એમ સૂત્રોનું કહેવું છે.

બીજેપી દ્વારા સરકાર રચવા વિશેની ક્ષમતા ન હોવાનું જણાવાયા બાદ જ્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની મનષા છેવટે પૂરી થશે. પવાર અને સોનિયા ગાંધી સમર્થન આપશે એની ખાતરી જાણે તાંબાના પતરા પર લખાઈને મળી ગઈ હોય એમ શિવસેનાએ કેન્દ્રની એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો, વિનોદ સાવંત પાસે કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું અપાવી દીધું, પરંતુ સોમવારે સાંજે સાડાસાત વાગ્યા પછી સેનાની જે સ્થિતિ થઈ એ અત્યંત હાસ્યાસ્પદ હતી. ગુજરાતી ભાષાની અનેક કહેવતો એકસાથે લાગુ કરી શકાય એવી સિદ્ધિ શિવસેનાએ પ્રાપ્ત કરી લીધી. ઉદાહરણ જોવાં હોય તો ન ઘરના ન ઘાટના, મોઢા સુધી આવેલો કોળિયો અટકી ગયો, ગોળો ને ગોફણ બન્ને ગયા, બાવાનાં બેઉ બગડ્યાં વગેરે. હવે રાજ્યપાલે સરકાર બનાવવાની ઑફર એનસીપીને કરીને ગેમ ઑન કરી દીધી છે ત્યારે સવાલ એ થાય છે કે ‘હવે શું થશે?’

આ પણ વાંચો : અમે ગવર્નરને 48 કલાકનો સમય માંગ્યો પણ તેમણે રીજેક્ટ કર્યો : આદિત્ય ઠાકરે

જવાબ એ છે, ‘એ જ થશે જે શરદ પવાર ઇચ્છશે.’ શરદ પવારે ફરી એક વાર એ સાબતિ કરી દીધું કે દેશના રાજકારણમાં આજે પણ તેમનો કોઈ જોટો નથી. અત્યંત આધારભૂત સૂત્રોનું કહેવું છે કે આ આખી ગેમ સેટ કરનાર શરદ પવાર છે.

ખેલ ખુરસીનો...  સાપ મરે અને લાઠી પણ ન તૂટે

જે જાણકારી મળી રહી છે એ મુજબ ખુરશીના આ ખેલમાં આજે જે થવાનું છે એ છે કે સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે. જો શિવસેના સરકાર બનાવવા સક્ષમ થાય તો સ્વાભાવિક રીતે એનસીપી અને કૉન્ગ્રેસે ટેકો આપવો પડે અને મુખ્ય પ્રધાનપદ પાંચ વર્ષ સુધી ‌શિવસેના પાસે રહે જે એનસીપી અને કૉન્ગ્રેસ માટે ખોટનો સોદો ગણાય. બીજું એ કે બીજેપી સાથે રહીને છેલ્લાં ૨૫ વર્ષથી સેનાએ કૉન્ગ્રેસ વિરુદ્ધ ભારે ઝેર ઓક્યું છે એ જોતાં સેનાને સરકાર બનાવવા માટે ટેકો આપવો કૉન્ગ્રેસ માટે શક્ય ન બને, પરંતુ જો એનસીપી સરકાર બનાવવા ઇચ્છે તો કૉન્ગ્રેસ પાસે એ વિશે છોછ કરવાનું કોઈ કારણ ન રહે. બીજી તરફ એનસીપી જો સરકાર રચવા માટે શિવસેનાનો સાથ માગે તો સેના ફિફ્ટી-ફિફ્ટીની ફૉર્મ્યુલાની શરત સાથે એનસીપીને ટેકો આપી શકે. એનસીપીને આ ફૉર્મ્યુલા સામે વાંધો ન હોવાનું સૂત્રોનું કહેવું છે. બીજી તરફ કૉન્ગ્રેસ એ આરોપથી પણ બચી જાય કે એણે સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા પક્ષને સરકાર બનાવવા માટે ટેકો આપ્યો છે, કારણ કે સરકાર એનસીપી બનાવશે અને એ પણ શિવસેનાનો ટેકો લઈને, જેની સાથે કૉન્ગ્રેસને સીધી રીતે કોઈ લેવા-દેવા ન હોઈ શકે. આમ સાપ મરે અને લાઠી પણ ન તૂટે એવો ખેલ પવારે રચ્યો છે.

nationalist congress party sharad pawar shiv sena congress mumbai news