હાઉસિંગ સોસાયટીને 4.91 લાખ રૂપિયાના બાકી ચૂકવણામાં કોર્ટ તરફથી રાહત

09 May, 2019 11:25 AM IST  |  મુંબઈ | વિનોદકુમાર મેનન

હાઉસિંગ સોસાયટીને 4.91 લાખ રૂપિયાના બાકી ચૂકવણામાં કોર્ટ તરફથી રાહત

રોહન અને ગીતા

કે-ઈસ્ટ વૉર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફ કો-ઑપરેટિવ સોસાયટીઝે ૪.૯૧ લાખ રૂપિયાના હાઉસિંગ સોસાયટીને બાકી ચૂકવણાના કેસમાં રિકવરી પ્રોસીડિંગ્સ રોકવાનો આદેશ તાજેતરમાં આપ્યો હતો. રજિસ્ટ્રારે આદેશ આપતી વેળા જણાવ્યું હતું કે ‘સોસાયટીએ ફ્લૅટના માલિકને શૅર સર્ટિફિકેટ આપ્યું નહોતું. એ ઉપરાંત સોસાયટીએ ઓપનિંગ બૅલૅન્સ વિશે કોઈ પણ સ્પષ્ટતા વગરનાં ગોટાળા-ગોલમાલ કરેલાં ખોટાં-બનાવટી સ્ટેટમેન્ટ્સ ફ્લૅટના માલિકને આપ્યાં હતાં.’

ડેપ્યુટી રજિસ્ટ્રારે ઉપરોક્ત કારણ દર્શાવીને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટની કલમ ૧૦૧ હેઠળ સોસાયટી તરફથી ફ્લૅટના માલિક પાસે લેણી રકમની રિકવરી પ્રોસીડિંગ્સ રોકવાનો હુકમ કર્યો હતો.

અંધેરી (પૂર્વ)ની એમ્પાયર રેસિડેન્સી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારોએ સોસાયટીના સભ્ય અને ફ્લૅટ-નંબર ૩૦૧ના માલિક રોહન કદમ અને તેમની માતા ગીતા પાસે ફેબ્રુઆરી ૨૦૧૮થી લેણી નીકળતી રકમની વસૂલાત માટે કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઝના ડેપ્યુટી રજિસ્ટ્રાર સમક્ષ અરજી કરી હતી.

ડેપ્યુટી રજિસ્ટ્રાર પી. બી. સાતપુતેએ માર્ચ ૨૦૧૮થી ૨૪ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં તમામ પક્ષોની રજૂઆત સાંભળ્યા પછી જણાવ્યું હતું કે ‘સૂચિત સભ્ય સોસાયટીના મેઇન્ટેનન્સ તથા અન્ય રકમો ચૂકવ્યાં વગર લિફ્ટ, પાર્કિંગ વગેરે સગવડોનો ઉપયોગ કરતો હતો. એ બધી રકમો નહીં ચૂકવવાને કારણે સોસાયટીના તે સભ્ય પાસે ૪.૯૧ લાખ રૂપિયા લેણાં નીકળે છે.’

સોસાયટીના દાવાનો વિરોધ કરતાં રોહન કદમે જણાવ્યું હતું કે ‘મે ૨૦૧૨માં ઓછામાં ઓછા ૧૦ સભ્યોના નિયમની વિરુદ્ધ માત્ર સાત સભ્યોની અરજી સાથે કોઈ પણ પ્રકારના વેરીફિકેશન વિના જ સોસાયટીનું ગઠન કરવામાં આવ્યું હતું. સોસાયટીના કેટલાક સભ્યો કાયદા દ્વારા નિર્દેશ કરાયેલી ચૂંટણીની પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ સોસાયટીના પદાધિકારીઓ બની બેઠા હતા.’

આ ઉપરાંત કદમે એવો પણ દાવો કર્યો હતો કે ‘સોસાયટી બન્યા બાદ હજી સુધી તેમને અને તેમની માતાને ૧૦૫૦ ચોરસ ફુટ (કાર્પેટ)ના તેમના ઘરના શૅર સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યાં નથી.’

આ પણ વાંચો : કચરાના વજનથી દબાઈને છાપરું તૂટી પડતાં એકનું મૃત્યુ

મે. એમ્પાયર રેસિડેન્સી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ચૅરમૅન હરભજન ભુરજીએ સોસાયટીના પદાધિકારીઓ સામેના કદમના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કે/ઈ વૉર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલો આદેશ ઘણો જ ખેદજનક છે. અમે નવો વકીલ કરીને આ આદેશને નિર્દિષ્ટ બે મહિનાની મુદતમાં પડકારવાનો નિર્ણય લીધો છે.’

andheri mumbai mumbai news vinod kumar menon