મેયરોની ચૂંટણીઓમાં શિવસેના અને બીજેપીની હુંસાતુંસી હવે ઉગ્ર બનશે?

21 November, 2019 12:11 PM IST  |  Mumbai

મેયરોની ચૂંટણીઓમાં શિવસેના અને બીજેપીની હુંસાતુંસી હવે ઉગ્ર બનશે?

મહારાષ્ટ્રની અનેક નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના મેયરોની ચૂંટણીઓ આ મહિનામાં યોજાઈ રહી છે. કેટલીક સુધરાઈઓના મેયરની ચૂંટણીઓ બાવીસમીએ યોજાશે. એ ચૂંટણીઓમાં પણ શિવસેના અને બીજેપી વચ્ચે સત્તાની હુંસાતુંસી વધારે ઉગ્ર રૂપે જોવા મળે એવી સંભાવના છે. હાલના શિવસેના-બીજેપી તથા કૉન્ગ્રેસ-એનસીપીના સંબંધો અને સમીકરણોના પડઘા વિવિધ સુધરાઈઓના નગરપતિઓની ચૂંટણીઓમાં જોવા મળશે. શિવસેનાના સ્થાનિક આગેવાનો કૉન્ગ્રેસ અને એનસીપીની મદદથી બીજેપીના ઉમેદવારોને નિષ્ફળ બનાવવાના પ્રયત્નો કરે એવી પૂરેપૂરી શક્યતા છે.

બાવીસમી નવેમ્બરે બીજેપી જ્યાં બહુમતીની દૃષ્ટિએ સારી સ્થિતિમાં છે, એવી નાગપુર, પુણે, પિંપરી-ચિંચવડ, લાતુર, સાંગલી-મિરજ-કુપવડ, ધુળે, નવી મુંબઈ અને નાશિકની મહાનગરપાલિકાઓમાં પોતાના ઉમેદવારોને મેયરની ખુરશી પર બેસાડી શકશે. મંગળવારે કોલ્હાપુર મહાનગરપાલિકામાં એનસીપીનાં સુરમંજિરી લાટકર મેયરપદે અને કૉન્ગ્રેસના સંજય મોહિતે નાયબ મેયરપદે ચૂંટાયાં એ મતદાન વેળા શિવસેનાના ચાર નગરસેવકો ગેરહાજર રહ્યા હતા.

નાશિક મહાનગરપાલિકાની ૧૨૨ બેઠકોમાં બીજેપીના ૬૫, શિવસેનાના ૩૪, એનસીપીના ૬, કૉન્ગ્રેસના ૬, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ૫, અપક્ષ-૩ અને રિપબ્લિકન પાર્ટી(આઠવલે)ના ૧ નગરસેવક છે. બે નગરસેવકો વિધાનસભામાં ચૂંટાતાં એનું વાસ્તવિક સંખ્યાબળ ૧૨૦ નગરસેવકોનું છે. ત્યાં પક્ષાંતરની સોદાબાજી-હોર્સ ટ્રેડિંગ રોકવા માટે તમામ પક્ષોએ એમના નગરસેવકોને શહેરની બહાર મોકલી દીધા છે. નાશિકમાં કૉન્ગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવીને બીજેપી પાસેથી મેયરનો હોદ્દો છિનવી લેવાનો પ્રયાસ શિવસેના કરે એવી શક્યતા છે.

૧૧૩ બેઠકો ધરાવતી ઔરંગાબાદ મહાનગરપાલિકામાં મેયરનો હોદ્દો શિવસેના હસ્તક છે. ત્યાં શિવસેનાના ૨૯, બીજેપીના ૨૨, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન(એઆઇએમઆઇએમ)ના ૨૫, કૉન્ગ્રેસના ૮ તથા અન્ય પક્ષો અને અપક્ષોના ૨૪ નગરસેવકો છે.

૧૨૨ બેઠકો ધરાવતી કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં શિવસેનાના ૫૩ અને બીજેપીના ૪૩ નગરસેવકો છે. ત્યાં એનસીપી અને કૉન્ગ્રેસના મળીને ૬ નગરસેવકો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના ૯, અપક્ષ ૯ તથા અન્ય પક્ષો-અપક્ષોના ૨ નગરસેવકો છે. આ મહાનગરપાલિકામાં અન્ય પક્ષોની મદદ વગર શિવસેના મેયરપદ જાળવી નહીં શકે. ૯૦ બેઠકો ધરાવતી ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં ૪૭ સભ્યો સાથે કૉન્ગ્રેસનું સંતોષકારક સંખ્યાબળ છે, ત્યાં કૉન્ગ્રેસને મેયરનો હોદ્દો જાળવી રાખવામાં મુશ્કેલી પડે એમ નથી.

નાશિકમાં મેયરના હોદ્દા માટે ૧૩ અને ડેપ્યુટી મેયર માટે ૧૧ નામાંકન નોંધાયાં

ગત મહિનાની વિધાનસભાની ચૂંટણીઓમાં બદલાતાં રાજકીય સમીકરણોના સાક્ષી બનનારા મહારાષ્ટ્રના બીજેપીશાસિત નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશન (એનએમસી)ના મેયરના હોદ્દા માટે ૧૩ નામાંકનો નોંધાવવામાં આવ્યાં છે. ડેપ્યુટી મેયરના હોદ્દા માટે ૧૧ નામાંકન પ્રાપ્ત થયાં હતાં.

આ બંને હોદ્દાઓ માટેની ચૂંટણી ૨૨ નવેમ્બરના રોજ યોજાશે અને નામાંકન ભરવા માટે બુધવાર છેલ્લો દિવસ હતો. નામાંકનનાં ફોર્મની ચકાસણી મતદાનના દિવસે જ થશે અને ઉમેદવારોને તે જ દિવસે સ્પર્ધામાંથી હટી જવાનો સમય આપવામાં આવશે, તેમ એનએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું. આગામી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવા માટે કૉર્પોરેટર મતદાનમાં ભાગ લેશે. મેયરના હોદ્દા માટેનાં સૌથી વધુ સંખ્યામાં નામાંકન બીજેપી (૮)માંથી આવ્યાં છે, તે પછીના ક્રમે શિવસેના (૪) અને કૉન્ગ્રેસ (૧) આવે છે. તે જ રીતે ડેપ્યુટી મેયરના હોદ્દા માટે પણ સૌથી વધુ નામાંકનો બીજેપી (૭)નાં છે અને ત્યાર પછીના ક્રમે કૉન્ગ્રેસ (૨), એનસીપી (૧) અને સેના (૧) આવે છે. મેયરના હોદ્દા માટેના ઉમેદવારોમાં કમલેશ બોડકે, ગણેશ ગીતે, ભીખુભાઈ બાગુલ, દિનકર આધવ, શશિકાંત જાધવ અને સતીશ કુલકર્ણી (તમામ બીજેપી), અજય બોરસ્તે, સુધાકર બડગુજર, વિલાસ શિંદે અને સત્યભામા ગાડેકર (તમામ શિવસેના) અને રાહુલ દીવે (કૉન્ગ્રેસ)નો સમાવેશ થાય છે.
બીજેપીના આધવ અને જાધવે બે નામાંકન નોંધાવ્યાં છે.

જ્યારે, ડેપ્યુટી મેયર માટેના ઉમેદવારો આ પ્રમાણે છેઃ કમલેશ બોડકે, ગણેશ ગીતે, સુનિતા પીંગલે, અરુણ પવાર, અલ્કા આહિરે અને ભીખુભાઈ બાગુલ (તમામ બીજેપી), શશુ ખેઇરે અને હેમલતા પાટીલ (કૉન્ગ્રેસ), સુફિયાન જીન (એનસીપી) અને વિલાસ શિંદે (શિવસેના).

બીજેપીના આહિરેએ બે નામાંકન ભર્યાં છે

૬૫ બેઠકો સાથે બીજેપી ૧૨૦ સભ્યોની મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી ધરાવે છે, પણ રાજ્યમાં બદલાતાં રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખતાં આ બે હોદ્દા માટેની ચૂંટણી ઘણી મહત્ત્વની બની રહી છે.

mumbai mumbai news shiv sena bharatiya janata party congress nationalist congress party