મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના વિશેનું હજી સસ્પેન્સ

19 November, 2019 09:25 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના વિશેનું હજી સસ્પેન્સ

શરદ પવાર

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના વિશેનું સસ્પેન્સ હજી ખૂલ્યું નથી. શિવસેના એક બાજુ પોતાનો જ મુખ્ય પ્રધાન બનશે એવું ગાઈવગાડીને કહે છે, તો બીજી તરફ કૉન્ગ્રેસનાં નેતા સોનિયા ગાંધીને મળ્યા બાદ એનસીપીના સુપ્રીમો શરદ પવારે મગનું નામ મરી પાડ્યું નથી અને સોનિયા ગાંધી સાથેની બેઠકમાં મહારાષ્ટ્રમાં યુતિ સરકાર વિશે કોઈ ચર્ચા જ થઈ નથી એમ કહીને રહસ્યને વધુ ઘેરું બનાવીને અટકળોને વેગ આપવાનું કામ કર્યું છે.

બીજી તરફ કૉન્ગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલેએ ટ્વીટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રના મામલે બે-ત્રણ દિવસમાં વધુ એક બેઠક યોજાશે. બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉત એનસીપીના સુપ્રીમો શરદ પવારને તેમની સોનિયા ગાંધી સાથેની બેઠક પછી મળ્યા હતા. આ બેઠક વિશે પુછાતાં તેમણે કહ્યું હતું કે બે મોટા નેતા વચ્ચે શું ચર્ચા થઈ એ હું કઈ રીતે પૂછી શકું?

આ આખા ડ્રામામાં વધુ એક ટ્વિસ્ટ હોય એમ બીજેપીના સાથીપક્ષ આરપીઆઇના નેતા રામદાસ આઠવલેએ ગઈ કાલે કહ્યું હતું કે મેં શિવસેના-બીજેપી વચ્ચે સમાધાન કરાવવાના ભાગરૂપે નવી ફૉર્મ્યુલા રજૂ કરી છે અને એ મુજબ બીજેપીનો મુખ્ય પ્રધાન ત્રણ વર્ષ માટે અને શિવસેનાનો સીએમ બે વર્ષ માટે રહેશે. આ વિશે શિવસેના તૈયાર હોય એવું લાગે છે, પણ એણે કહ્યું કે પહેલાં બીજેપીને તો પૂછી જુઓ.

નવી દિલ્હીમાં ૧૦, જનપથ ખાતે સોનિયા ગાંધીને મળ્યા બાદ શરદ પવારે પત્રકાર-પરિષદમાં એમ પણ કહ્યું કે કૉન્ગ્રેસ અને એનસીપીના નેતાઓ મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સરકાર ક્યારે બનશે તે વિશે તેમણે અધ્યાહર રાખવાનું પસંદ કર્યું છે.

રાજ્યસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય નિયમો પાળવામાં એનસીપીનાં કરેલાં વખાણ અને બીજેપીએ પણ એમાંથી શીખવું જોઈએ એ વિશે પત્રકારોએ પવારનું ધ્યાન દોર્યું ત્યારે તેમણે તરત જ જવાબ આપ્યો કે બીજેપીએ શું કરવું જોઈએ એ તેમનો પ્રશ્ન છે. એટલું કહીને આ સંદર્ભે તેમણે વધુ કોઈ વાતચીત ન કરતાં મહારાષ્ટ્રમાં હવે કોની સરકાર બનશે, ક્યારે બનશે, કેવી બનશે જેવા તમામ સવાલના જવાબ ભાવિ ગર્ભમાં છુપાયેલા છે જે આવનારા સમયમાં બહાર આવી શકે એવું કહ્યું હતું.

આ પણ વાંચો : રાજેશ મારુના પરિવારને બે દિવસમાં દસ લાખ ચૂકવી દો: બૉમ્બે હાઈ કોર્ટનો બીએમસીને ઑર્ડર

દરમ્યાન કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સાથેની તેમની બેઠક પૂર્વે મરાઠાકિંગ પવારે એમ કહીને સૌને ચોંકાવી દીધા હતા કે ‘મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો દાવો કરવા માગતા તમામ રાજકીય પક્ષોએ પોતાનો રસ્તો પસંદ કરવો પડશે. બીજેપી અને શિવસેના સાથે લડ્યા, અમે (એનસીપી) અને કૉન્ગ્રેસ સાથે લડ્યા. તેઓએ તેમનો માર્ગ પસંદ કરવો પડશે, અમે અમારી રાજનીતિ કરીશું.’
તેમના આ નિવેદનના અનેક અર્થ થઈ રહ્યા છે તો રાજ્યસભામાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારની પાર્ટી એનસીપીનાં ભરપૂર વખાણ કરતાં ગઠબંધન સરકાર સામે નવેસરથી સવાલ મુકાયા હતા.

sharad pawar sonia gandhi maharashtra nationalist congress party congress mumbai news