6 પ્રધાનો હારતાં બીજેપી અને સેના માટે આત્મમંથનનો સમય

25 October, 2019 01:50 PM IST  |  મુંબઈ | રાજેન્દ્ર બી. અકલેકર

6 પ્રધાનો હારતાં બીજેપી અને સેના માટે આત્મમંથનનો સમય

દેવેન્દ્ર ફડણવીસ

૬ પ્રધાનો વિધાનસભા ચૂંટણીમાં તેમની બેઠક હારી જતાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે અને આ વાત ફક્ત ભારતીય જનતા પાર્ટી સુધી મર્યાદિત ન રહેતાં શિવસેનાના પ્રધાનોને પણ મતદારોએ દરવાજો દેખાડી દીધો છે.
બીજેપીના નેતા ગોપીનાથ મુંડેનાં પુત્રી પંકજા હારી જતાં સૌથી મોટો ફટકો પડ્યો હતો જેઓ આશરે ૩૦,૦૦૦ મતોથી હાર્યાં હતાં. ત્યાર બાદ સૌથી વધુ કારમા પરાજયનો સામનો કરવામાં ડૉ. અનિલ બોન્ડેનો ક્રમ આવે છે જેઓ ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં અમરાવતીમાં બહોળા માર્જિનથી જીત્યા હતા.

પરિણામો વિશે વાત કરતાં મુખ્ય પ્રધાન ફડણવીસ અને સેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમને પરિણામોનું વિશ્લેષણ કરવું પડશે અને બેઠકો ગુમાવવા પાછળનાં કારણો જાણવાં પડશે.

પંકજા મુંડે

બીજેપી નેતા અને ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડે તેમના પિતરાઈ ભાઈ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના ઉમેદવાર ધનંજય મુંડે સામે પારલી વિધાનસભા બેઠક હારી ગયાં હતાં. ‘મેં મતવિસ્તાર માટે કામ કર્યું હતું. હું સરકારમાં હોવા છતાં મારા મતવિસ્તાર માટેનો તથા લોકો માટેનો મારો સંઘર્ષ ચાલુ રહ્યો હતો. હું આ પરાજયની જવાબદારી મારા શિરે લઉં છું’ એમ મુંડેએ જણાવ્યું હતું.

ડૉ. અનિલ બોન્ડે

દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં કૃષિ પ્રધાન તરીકેની કામગીરી સંભાળી ચૂકેલા બોન્ડેએ ૮૬,૩૬૧ મતો મેળવ્યા હતા, જ્યારે સ્વાભિમાની પક્ષના દેવેન્દ્ર ભુયરે ૯૬,૧૫૨ મતો સાથે બેઠક પર જીત મેળવી હતી.

રામ શિંદે

પ્રોફેસર શિંદેએ ૯૧,૯૬૭ મતો મેળ્યા હતા, તો તેમના પ્રતિસ્પર્ધી એનસીપીના રોહિત પવારે ૧,૩૪,૬૩૯ મતો સાથે જીત હાંસલ કરી હતી.

આ પણ વાંચો : મુંબઈમાં બે દાયકા બાદ ચાર ગુજરાતીઓનો વિજય

અર્જુન ખોતકર

ચાર વખતના ધારાસભ્ય શિવસેનાના નેતા અર્જુન પંડિતરાવ ખોતકર તેમના કૉન્ગ્રેસી પ્રતિસ્પર્ધી ગોરંત્યાલ કૈલાસ કિસાનરાવ સામે હારી ગયા હતા.

આ ઉપરાંત વિજય શિવતારે અને બાલા ભેગડે જેવા નેતાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

mumbai news Election 2019 maharashtra devendra fadnavis bharatiya janata party rajendra aklekar