Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં બે દાયકા બાદ ચાર ગુજરાતીઓનો વિજય

મુંબઈમાં બે દાયકા બાદ ચાર ગુજરાતીઓનો વિજય

25 October, 2019 12:37 PM IST | મુંબઈ
પ્રકાશ બાંભરોલિયા, પ્રીતિ ખુમાણ-ઠાકુર, જયદીપ ગણાત્રા

મુંબઈમાં બે દાયકા બાદ ચાર ગુજરાતીઓનો વિજય

પરાગ શાહ અને યોગેશ સાગર

પરાગ શાહ અને યોગેશ સાગર


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યાં છે ત્યારે મુંબઈમાં બે દાયકા બાદ એકસાથે ચાર ગુજરાતી ઉમેદવારો વિજયી બન્યા છે. બીજેપીના કાંદિવલી બેઠક પરથી યોગેશ સાગર, મુલુંડમાં મિ‌‌હિર કોટેચા, ઘાટકોપર (ઈસ્ટ)માંથી પરાગ શાહ અને મુમ્બાદેવી બેઠક પરથી કૉન્ગ્રેસના અમીન પટેલને મતદારોનું સમર્થન મળતાં તેઓ આગામી વિધાનસભામાં બિરાજશે. મુંબઈમાં બહોળી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે, પણ વિધાનસભામાં એકસાથે ચાર ગુજરાતી વિધાનસભ્યો કદાચ ચૂંટાઈ નથી આવ્યા. છેલ્લે ૧૯૯૯માં સૌથી વધુ પાંચ ગુજરાતીઓ વિધાનસભામાં પહોંચ્યા હતા અને એ પહેલાં ૧૯૯૫ અને ૧૯૯૦માં ચાર-ચાર ગુજરાતીઓ વિજયી બન્યા હતા.

મુંબઈમાં ત્રણ દાયકા પહેલાં એટલે કે ૧૯૯૦, ૧૯૯૫માં ચાર-ચાર અને ૧૯૯૯માં પાંચ ગુજરાતી ઉમેદવારો વિજયી નીવડ્યા હતા. ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ મળી ત્રણેય ચૂંટણીમાં માત્ર ત્રણ ગુજરાતીઓને મતદારોએ વિધાનસભામાં પહોંચાડ્યા હતા.



૧૯૯૦માં કૉન્ગ્રેસના અમરીશ પટેલ શિરપુરમાં અને કાંદિવલીમાં ચંદ્રકાન્ત ગોસલિયા તથા ઘાટકોપરમાં બીજેપીના પ્રકાશ મહેતા અને બારીવલીથી હેમેન્દ્ર મહેતા વિજયી નીવડ્યા હતા.


આવી જ રીતે ૧૯૯૫માં બીજેપીના હેમેન્દ્ર મહેતા બોરીવલી, કિરીટ સોમૈયા મુલુંડ અને પ્રકાશ મહેતા ઘાટકોપરથી તથા કૉન્ગ્રેસના અમરીશ પટેલ શિરપુરથી વિધાનસભામાં પહોંચ્યા હતા.

૧૯૯૯માં મુંબઈના રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમ પાંચ ગુજરાતીઓ વિજયી થયા હતા. બીજેપીના હેમેન્દ્ર મહેતા બોરીવલીથી, પ્રકાશ મહેતા ઘાટકોપરથી, અતુલ શાહ ખેતવાડીથી, કૉન્ગ્રેસના પી. યુ. મહેતા મલાડથી અને અમરીશ પટેલ શિરપુરથી વિજયી થયા હતા.


૨૦૦૪માં કૉન્ગ્રેસના પી. યુ. મહેતા મલાડથી અને અમરીશ પટેલ શિરપુરથી તથા બીજેપીના પ્રકાશ મહેતા ઘાટકોપરથી ચૂંટાયા હતા. ૨૦૦૯ અને ૨૦૧૪માં બીજેપીના પ્રકાશ મહેતા ઘાટકોપર અને યોગેશ સાગર ચારકોપ તથા અમીન પટેલ મુમ્બાદેવીથી વિજયી નીવડ્યા હતા.

મતદારોએ મારા પર મૂકેલો વિશ્વાસ ક્યારેય નહીં તોડું : અમીન પટેલ

મુંબાદેવી વિધાનસભા બેઠક પર કૉન્ગ્રેસના ગુજરાતી વિધાનસભ્ય અમીન પટેલે શિવસેનાના પાંડુરંગ સકપાળને ૨૩,૬૫૫ મતથી પછાડીને આ બેઠક પર સતત ત્રીજી વખત વિજય મેળવ્યો હતો. પ્રતિકૂળ રાજકીય વાતાવરણમાં દરેક સમાજ, ધર્મ, જ્ઞાતિના લોકોએ પોતાનાં કામને જોઈને મત આપ્યા હોવાનું અમીન પટેલે સૌનો આભાર માનતાં કહ્યું હતું.

અમીન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચૂંટણીની શરૂઆતથી જ મને વિશ્વાસ હતો કે મારા માધ્યમથી મુંબાદેવી મતદારક્ષેત્રમાં જે કામ થયાં છે એનાથી લોકો ખુશ છે. આથી તેઓ મને સમર્થન કરશે અને મને જ મત આપશે. આ ક્ષેત્રમાં મુંબાદેવીથી લઈને ભુલેશ્વર અને ડોંગરી સહિતના વિવિધ ધર્મ, જાતિ ઉપરાંત વેપારી વર્ગ રહે છે અને બિઝનેસ કરે છે. હું પોતે બિઝનેસ બૅકગ્રાઉન્ડમાંથી આવતો હોવાથી આમજનતા અને વેપારીઓને થતી મુશ્કેલી ઉકેલવાનો સતત પ્રયાસ કરું છું. કદાચ આ જ કારણસર લોકોએ મને બે વખત નગરસેવક અને હવે સતત ત્રીજી વખત વિધાનસભ્ય તરીકે ચૂંટી કાઢ્યો છે.’

અમીન પટેલે વધુમાં કહ્યું હતું કે ‘લોકો મારામાં સતત વિશ્વાસ મૂકી રહ્યા છે એટલે આગામી સમયમાં પણ તેમનો વિશ્વાસ તૂટે એવું ક્યારેય કોઈ કામ નહીં કરું. આ વખતની ચૂંટણીમાં કૉન્ગ્રેસ માટે પ્રતિકૂળ વાતાવરણ હોવા છતાં લોકોએ મને મોટા તફાવતથી વિજયી બનાવ્યો છે

વધારાની લીડ આપી હોવાથી વધારે સમય આપીને પણ કામ કરીશ : યોગેશ સાગર

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીનાં પરિણામોમાં બીજેપીની ઘણી સીટો પર આંચકાજનક પરિણામ આવ્યાં છે, જેમાં બીજેપીએ અનેક સીટો ગુમાવી છે તો અમુક ગુજરાતી ઉમેદવારોએ સીટ પર વિજય પણ મેળવ્યો છે. ૨૦૧૪માં બીજેપીના યોગેશ સાગરે શિવસેનાના ઉમેદવારને લગભગ ૬૫,૦૦૦થી વધુ મતથી પરાજિત કર્યા હતા ત્યારે હવે ૧૬૧ ચારકોપ વિધાનસભા ક્ષેત્રમાં કૉન્ગ્રેસના કાલુ બુધેલિયા સહિત વિવિધ પક્ષોના ૭ ઉમેદવારોને પરાજિત કરીને સતત ત્રણ ટર્મ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. કૉન્ગ્રેસના ગુજરાતી ઉમેદવાર કાલુ બુધેલિયાને બીજેપીના યોગેશ સાગરે ૭૩,૭૪૯ મતથી પરાજિત કર્યા છે.

વિજયી થયા બાદ ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં વિધાનસભ્ય યોગેશ સાગરે કહ્યું હતું કે ‘લોકોએ ફરી મારા પર પ્રેમ અને વિશ્વાસ દેખાડ્યા છે એથી જનતાનો આભાર માનવાની સાથે જનતાની અપેક્ષા પૂરી કરવા હું સતત પ્રયત્નશીલ રહીશ. હું દરરોજ કામ કરનાર વ્યક્તિ છું એથી ચૂંટણીના અંતિમ દિવસ સુધી અને પરિણામના બીજા દિવસથી જ હું મારું કામ શરૂ કરી દઈશ. લોકોના સતત સંપર્કમાં રહીને તેમની વચ્ચે રહ્યો હોવાથી લોકો મને પસંદ કરે છે. ક્ષેત્રની જે સમસ્યા હશે અને જેકોઈ પ્રશ્નો હશે એના પર કામ કરતો રહીશ. લોકોએ વિશ્વાસ કરીને મને વધારાની લીડ સાથે વિજયી બનાવ્યો છે એથી વધારાનો સમય આપીને વધારાનું કામ પણ કરી દેખાડીશ. જનતા જ મારી ખરી હિંમત છે.’

ચાર મહત્વના મુદ્દે કામે લાગી જઈશ : મિહિર કોટેચા

ગુજરાતીઓના ગઢ ગણાતા મુલુંડમાં પહેલી વખત ચૂંટણી લડી રહેલા બીજેપીના મિહિર કોટેચાને મતદારોએ ભારે સમર્થન કરતાં તેમનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના હર્ષલા રમેશ ચવાણ સામે ૫૭,૩૪૮ મતથી વિજય થયો હતો. મિહિરભાઈને વિશ્વાસ હતો કે મતદારો તેમને વિજયી બનાવશે જ એટલે તેમણે મુલુંડ માટે પહેલેથી જ ચાર યોજના બનાવી રાખી છે, જેના પર તેઓ આજથી જ અમલ કરવાના છે.

મિહિર કોટેચા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનું મુલુંડ-વેસ્ટ અને ઈસ્ટનું ઍક્સેસ તથા બૉટલનેકનું કામ, એરિયાના તમામ ઓપન સ્પેસમાં પ્લેગ્રાઉન્ડ તૈયાર કરાવીને છોકરાઓ માટે ઉપલબ્ધ કરાવવાનું કામ, મુલુંડને ૨૦૨૨ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું કામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારાનું કામ વહેલી તકે શરૂ કરવા માગે છે.

મિહિર કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજકારણમાં સક્રિય બન્યો એ દિવસથી મારા મનમાં મુલુંડમાં કેટલાક ફેરફાર અને ડેવલપમેન્ટનાં કામ કરવાની યોજના હતી એનો અમલ હું આજથી જ કરીશ. બે દાયકા કરતાં વધુ સમયથી મુલુંડમાં રહીએ છીએ એટલે અહીંની સમસ્યાથી હું સારી રીતે વાકેફ છું.’ લોહાણા સમાજના ૪૫ વર્ષના મિહિર કોટેચા બેથી વધુ દાયકાથી બીજેપીમાં સક્રિય છે. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને પાર્ટીએ વડાલા મતદાર સંઘમાં ઊભા રાખ્યા હતા, પરંતુ તેઓ ૮૦૦ મતના તફાવતથી પરાજિત થયા હતા. જોકે નિષ્ફળતા બાદ પણ તેમણે વડાલામાં પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. અહીંના વિધાનસભ્ય કાલિદાસ કોળંબકર બીજેપીમાં જોડાયા હોવાથી મહેનત કરી રહેલા મિહિર કોટેચાને પાર્ટીએ મુલુંડની ટિકિટ ફાળવી હતી અને એમાં વિજય મેળવવામાં તેઓ સફળ થયા.

લોકોની સમસ્યાને ઉકેલવી એ મારી પ્રાથમિકતા રહેશેઃ પરાગ શાહ

ઘાટકોપર-ઈસ્ટના મતદાર સંઘમાં બીજેપીએ ઉમેદવારી સોંપી હતી એ નવાગંતુક ઉમેદવાર પરાગ શાહ પર ઘાટકોપરની જનતાએ વિશ્વાસ મૂકીને વિજયનો તાજ પહેરાવ્યો હતો. જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને હું મારી તમામ જવાબદારી સમજીને નિભાવીશ, એવું પરાગ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. રાજકારણ પ્રત્યેની લોકોની માનસિકતા અને ઘાટકોપરમાં કમિટેડ અને અધૂરાં રહી ગયેલાં કામની નેમ સાથે ચૂંટણીમેદાનમાં ઝુકાવનારા પરાગ શાહે વધુમાં કહ્યું હતું કે ‘ઘાટકોપરના અટકી પડેલા વિકાસને આગળ ધપાવવો એ મારી પ્રાથમિકતા રહેશે. શહેરમાં સી-વન કૅટેગરીની અને ભાડૂત બિલ્ડિંગના રીડેવલપમેન્ટ માટેની રજૂઆત સરકાર સમક્ષ કરીશ. આ કામ માટે સરકાર મારો જેટલો ઉપયોગ કરશે એને માટે હું તૈયાર છું. જોકે નવો પ્રધાન કોણ છે અને નવી કમિટી કયા નિર્ણય લેશે એના પર બધો દારોમદાર રહે છે. આ ઉપરાંત વર્ષોથી જેની રાહ જોવાઈ રહી છે એ સ્લમ રીડેવલપમેન્ટના કામને પણ હું આગળ ધપાવીશ.’

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2019 12:37 PM IST | મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા, પ્રીતિ ખુમાણ-ઠાકુર, જયદીપ ગણાત્રા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK