પીએમસી કૌભાંડ: એચડીઆઇએલને દસ્તાવેજ વિના જ લોન મળતી હતી

14 December, 2019 08:35 AM IST  |  Mumbai | Vishal SIngh

પીએમસી કૌભાંડ: એચડીઆઇએલને દસ્તાવેજ વિના જ લોન મળતી હતી

વરિયામ સિંહ અને જૉય થોમસ

પીએમસી બૅન્ક કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. બૅન્કના ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટમાં પીએમસીના ડિરેક્ટરો અને તેમનાં સગાંસંબંધીઓની એચડીઆઇએલ ગ્રુપ ઑફ કંપનીઝ સાથેની નાણાકીય લેવડ-દેવડ વિશે વિગતવાર જણાવાયું હતું. રિપોર્ટમાં જણાવાયા મુજબ ૨૦૦૮થી ૨૦૧૯ દરમ્યાન બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન જૉય થોમસ, બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન અને એચડીઆઇએલના ડિરેક્ટર વરિયામ સિંહ, બૅન્કના ભૂતપૂર્વ ડિરેક્ટર્સ સુજિત અરોરા, દલજિત સિંહ બાલ અને ડૉક્ટર પરમીત સોઢીએ ભેગા મળીને એચડીઆઇએલ પાસેથી લગભગ ૧૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા.

દલજિત સિંહ

રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ૨૦૦૮થી ૨૦૧૯ દરમ્યાન વરિયામ સિંહ, સુરજિત અરોરા, દલજિત સિંહ બાલ અને જસવિન્દર બનવંતેએ મળીને એચડીઆઇએલ પાસેથી લગભગ ૬ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ મેળવી હતી. ૨૦૦૭માં ગ્રાન્ટ થોર્નટોન ઇન્ડિયાએ પ્રસ્તુત કરેલા ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટમાં પીએમસી બૅન્ક એચડીઆઇએલને અનસિક્યોર્ડ લોન આપતી હોવાનું જણાવાયું હતું. રિઝર્વ બૅન્કે આ રિપોર્ટ પીએમસી બૅન્કને આપ્યો, પરંતુ બૅન્કે આવશ્યક પગલાં ભર્યાં નહીં.

રિઝર્વ બૅન્કે ગયા મહિને કોર્ટમાં દાખલ કરેલા ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે બૅન્ક દ્વારા ગેરમાર્ગે દોરનારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હોવાથી રિઝર્વ બૅન્કને કોઈ ગેરરીતિ વિશે જાણ થઈ નહોતી.

આ પણ વાંચો : મીરા-ભાઇંદર પા‌લિકાની સ્કૂલના ગુજરાતી ‌વિદ્યાર્થીઓને આખરે ન્યાય મળ્યો

ફૉરેન્સિક રિપોર્ટમાં જણાવાયું હતું કે વરિયામ સિંહના ખાતામાં પૂરતું બૅલૅન્સ ન હોય કે પછી એચડીઆઇએલના અનધિકૃત ચેક પણ કોઈ મુશ્કેલી વિના પાસ થઈ જતા હતા. બૅન્કના ડિરેક્ટર્સને વિશેષ સર્વિસ પૂરી પાડવામાં આવતી હતી. એ ઉપરાંત એચડીઆઇએલની લોન મંજૂર કરવા જૂની બોર્ડ મીટિંગના ઠરાવો આગળ કરવામાં આવતા હતા. એચડીઆઇએલને મહત્ત્વના દસ્તાવેજો વિના પણ ઍડવાન્સ લોન આપવામાં આવતી હતી.

punjab reserve bank of india mumbai news