કૉંગ્રેસ ડૂબી રહેલા ટાઇટૅનિક જહાજ જેવી છે : નરેન્દ્ર મોદી

07 April, 2019 11:57 AM IST  |  મુંબઈ

કૉંગ્રેસ ડૂબી રહેલા ટાઇટૅનિક જહાજ જેવી છે : નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસે આપેલી ચૅલેન્જને ફગાવી દેતાં કૉંગ્રેસ પાર્ટીને ડૂબી રહેલા ટાઇટૅનિક જહાજ સાથે સરખાવવા ઉપરાંત દેશદ્રોહના કાયદાને હટાવવા સંબંધે પણ ઝાટકણી કાઢી હતી.

મધ્ય મહારાષ્ટ્રના નાંદેડ, લાતુર, હિંગોળી અને પરભણીમાં બીજેપીના ઉમેદવારોની ચૂંટણી રૅલીને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બીજું ઉમેદવારી પત્રક એવા સ્થળેથી ભર્યું છે જ્યાં લઘુમતી કોમની વસ્તી વધુ છે. કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ગરીબોને લઘુતમ વેતન પૂરું પાડવાના આપેલા વચન સંદર્ભે તેમણે કહ્યું હતું કે આ યોજના માટે ભંડોળ ઊભું કરવા વિરોધ પક્ષો મધ્યમ વર્ગ પર વધારાનો કરબોજ લાદશે.

આ પણ વાંચો : મુંબઈ: મતદાન કરી પેટ્રોલ પંપ પર જશો તો પ્રતિ લિટર 50 પૈસાની છૂટ મળશે

દેશની કરોડરજ્જુ સમાન મધ્યમ વર્ગ માટે કૉંગ્રેસે કોઈ વચન આપ્યું નથી એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે જ્યારે પણ કૉંગ્રેસ તકલીફમાં હોય છે ત્યારે વચનોની લહાણી કરે છે અને સત્તા પર આવ્યા પછી ‘ગઝની’ બની જાય છે. ૨૦૧૪માં કૉંગ્રેસ માત્ર ૪૪ બેઠકો પરથી જીતી હતી અને હવે એ વધુ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમમાં જૂથબંધી એટલી હદે વકરી છે કે રાજ્યમાં પક્ષના વિધાનસભ્યોની સંખ્યા કરતાં એનાં જૂથોની સંખ્યા વધારે છે.

narendra modi bharatiya janata party congress Lok Sabha Election 2019 mumbai news