5૦-50 ફૉર્મ્યુલાના મુદ્દે: બીજેપીનો શિવસેનાને ઠેંગો

30 October, 2019 07:52 AM IST  |  મુંબઈ

5૦-50 ફૉર્મ્યુલાના મુદ્દે: બીજેપીનો શિવસેનાને ઠેંગો

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદને લઈને શિવસેના-બીજેપી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ‘રાજ્યમાં ક્યારેય ફિફ્ટી-ફિફ્ટીની ફૉર્મ્યુલા પર વાતચીત થઈ જ નથી. શિવસેના સાથે ક્યારેય અઢી-અઢી વર્ષના મુખ્ય પ્રધાનપદ બાબતે ચર્ચા ન થઈ હોવાથી આગામી પાંચ વર્ષ માટે હું જ રાજ્યનો મુખ્ય પ્રધાન રહીશ. અમારી પાસે ૧૦ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે જે ટૂંક સમયમાં ૧૫ સુધી પહોંચશે. ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલા માટે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે કોઈ વાત થઈ હોય તો એ તેઓ જાણે.’

બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસના ‘સરકાર અમારી આગેવાનીમાં બેસશે’ એવા નિવેદનથી શિવસેનાએ આજની બેઠક રદ કરી હતી. ફડણવીસના આવા નિવેદનને લીધે શિવસેનામાં ભારે નારાજગી જોવા મળી હતી અને આજે મળનારી બેઠક શિવસેનાએ રદ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આગામી સરકાર ગઠન કરવા બાબતે અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે સત્તામાં ભાગીદારીની ચર્ચા કરવા માટે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે મુંબઈ આવવાના હતા, પરંતુ જાણવા મળ્યું છે કે તેમના સ્થાને કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા આવશે. તેમની હાજરીમાં બીજેપીના ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક બોલાવાશે અને પક્ષના નેતાની વરણી કરવામાં આવશે.

શિવસેના સત્તામાં ૫૦ ટકા ભાગીદારીની માગણી કરી રહી હોવા બાબતે પત્રકારોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યના વિધાનસભાની, બીજેપીએ ક્યારેય ફિફ્ટી-ફિફ્ટી ફૉર્મ્યુલાની ચર્ચા શિવસેના સાથે નથી કરી. આ વિશે મારી અમિત શાહ સાથે પણ વાત થઈ છે. તેમણે પણ આવી કોઈ ચર્ચા થઈ ન હોવાનું જ કહ્યું છે.’

દેવેન્દ્ર ફડણવીસે ત્યારે ઉમેર્યું હતું કે ‘આગામી પાંચ વર્ષ માટે બીજેપીની આગેવાનીની મહાયુતિની સરકાર સ્થિર અને કાર્યક્ષમ સરકાર આપશે. વિધાનસભ્યોનું દળ આજે નેતાની નિયુક્તિ કરશે. વડા પ્રધાન નરેદ્ર મોદીએ પહેલેથી જ નામ જાહેર કરી દીધું હોવાથી આ બેઠક માત્ર ઔપચારિક હશે.’

વડા પ્રધાનના ચૂંટણીપ્રચાર દરમ્યાનના નિવેદનને ટાંકતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં જ આગામી સરકાર બનશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના સાથે ક્યારેય ફિફ્ટી-ફિફ્ટી ફૉર્મ્યુલાની ચર્ચા કરી ન હોવાના દાવા વચ્ચે ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા હર્ષલ પ્રધાને ‘જરા યાદ કરો જબાની’ નામની એક વિડિયો-ક્લિપ વાઇરલ કરી છે, જેમાં ૧૮ ફેબ્રુઆરીએ દેવેન્દ્ર ફડણવીસ કહી રહ્યા છે કે અમે સત્તામાં આવીશું તો અમારી વચ્ચે સમાન જવાબદારી અને સમાન પોસ્ટ બાબતનો અમે નિર્ણય કર્યો છે. લોકસભાની ચૂંટણી સમયની આ વિડિયો-ક્લિપ છે.

બીજેપીના રાજ્યસભાના સભ્ય સંજય કાકડેએ દાવો કર્યો છે કે તાજેતરની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા શિવસેનાના ૪૫ વિધાનસભ્યો આગામી સરકારમાં બીજેપી સાથે હાથ મિલાવવા માગે છે. આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. શિવસેના સત્તામાં સરખી દાવેદારીનો સૂર આલાપી રહી છે ત્યારે આ પ્રકારના નિવેદનની ઊંડી અસર થઈ શકે છે. આ દાવામાં જરાય સચ્ચાઈ હોય તો ૫૬માંથી ૪૫ વિધાનસભ્યો બીજેપી સાથે થઈ જાય તો શિવસેના મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં બીજેપીની સતત ટીકા થઈ રહી હોવાથી અમિત શાહ ખાસ્સા નારાજ હોવાથી તેમણે આજની મુંબઈની મુલાકાત રદ કરી હોવાનું કહેવાય છે. ‘સામના’ના લેખથી વાત બગડે છે. મુખ્ય પ્રધાને આ બાબતે કહ્યું હતું કે શિવસેનાની કોઈ માગણી હોય તો એણે અમારી સાથે સીધી વાત કરવી જોઈએ. અમે મેરિટના આધારે વાત કરીશું. જોકે ‘સામના’ના કાર્યકારી તંત્રી સંજય રાઉતે કહ્યું હતું કે ‘હું ‘સામના’માં બીજેપી વિરુદ્ધ લખવાનું બંધ નહીં કરું.’

મુખ્ય પ્રધાનના પાંચ વર્ષ મુખ્ય પ્રધાનના દાવા વચ્ચે ગઈ કાલે શિવસેના-બીજેપી પ્રધાનમંડળ સ્થાપવા બાબતની યોજાનારી બેઠક શિવસેનાએ રદ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સતત પોતાનું નિવેદન બદલી રહ્યા છે ત્યારે આવી બેઠકનો કોઈ અર્થ નથી રહેતો.

uddhav thackeray amit shah devendra fadnavis bharatiya janata party shiv sena mumbai news