વરસાદ + મીઠી નદી + હાઈ ટાઈડ = 26/7નું રિપીટ

05 September, 2019 07:29 AM IST  | 

વરસાદ + મીઠી નદી + હાઈ ટાઈડ = 26/7નું રિપીટ

 મુંબઈમાં ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદે સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ પડવાનો ૧૧ વર્ષ પહેલાંનો રેકૉર્ડ તોડ્યો છે. ગઈ કાલે આવા જ વરસાદને કારણે મીઠી નદીએ બપોરે એક વાગ્યે ૪.૨ મીટરની સૌથી ઊંચી સપાટી વટાવી હતી. અધૂરામાં પૂરું બપોરે ૩.૩૦એ હાઈ ટાઇડ હતી, પરિણામે ૨૬-૭ના હૉરર શોની મુંબઈગરાને ફરી યાદ આવી ગઈ હતી. ત્રણે રેલવે બંધ પડી હતી.

તમામ મહત્ત્વના રસ્તાઓ પર પાણી ભરાયાં હોવાથી ભયંકર ટ્રાફિક જૅમ સર્જાયો હતો. મૂળ તો મીઠી નદીના પાણી ફરી વળતાં માત્ર ટ્રેનો જ બંધ ન થઈ પણ એ પાણી કુર્લા તરફથી સેન્ટ્રલના પરાંમાંથી પસાર થતા રસ્તાઓ પર પણ ભરાયાં અને એ જ પાણી એસ.વી. રોડ તથા વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર પણ ભરાતાં લોકો મોટી સંખ્યામાં અટવાઈ ગયા હતા. પરિવહન માટે ન મળે ટ્રેન કે ન રસ્તા પરના વાહનો તસુભર પણ ખસે. થોડી થાપ તો સરકાર અને બીએમસીને પણ મીઠી નદી, વરસાદ અને હાઈ ટાઈડ ખવડાવી ગયા.

સવારે આઠ વાગ્યા પછી સ્કૂલોમાં રજા જાહેર કરવા માટે સફાળી જાગેલા તંત્રે મંગળવારે મોડી રાતે જ આઈએમડી દ્વારા ઑરેન્જ અલર્ટ જાહેર કરાઈ હતી એ પ્રત્યે કેમ આંડા કાન કર્યા એ નથી સમજી શકાતું. મીઠી નદી તેની વિક્રમી સપાટીએ પહોંચવા આવી ત્યારે અચાનક ઑફિસોને છોડવાના નિર્ણયો લેવાયા. અચાનક મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા. સેન્ટ્રલ અને હાર્બર તો બંધ જ હતી પણ લગભગ બે વાગ્યાની આસપાસ વેસ્ટર્ન રેલવેએ પણ અંધેરીની આગળ ટ્રેનો દોડાવવાનું બંધ કર્યું. રિઝલ્ટ આવ્યું ડિઝાસ્ટર.

આ પણ વાંચો: MumbaI Rain:સતત વરસાદ બાદ આવા છે માયાનગરીના હાલ હવાલ

૨૦૦૮થી ૨૦૧૮ દરમ્યાન સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં સરેરાશ ૩૪૧ મિલીમીટર એટલે કે ૧૪ ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે આ વખતે ૧થી ૪ સપ્ટેમ્બર દરમ્યાન ૩૯૯.૪ મિલીમીટર એટલે કે ૧૬ ઈંચ પાણી પડ્યું છે એટલે કે માત્ર ચાર જ દિવસમાં આખા મહિનાનો વરસાદ પડી ચૂક્યો છે.

 

mumbai rains gujarati mid-day