શિવસેનાનું નવુંનક્કોર સોશ્યલ એન્જિનિયરિગ?

05 December, 2019 09:31 AM IST  |  Mumbai

શિવસેનાનું નવુંનક્કોર સોશ્યલ એન્જિનિયરિગ?

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં બનેલી મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનમંડળની ગઈ કાલે સહ્યાદ્રી ગેસ્ટહાઉસમાં એક લાંબી બેઠક થઈ હતી. આ બેઠકમાં વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની માહિતી લેવાની સાથે આરે અને નાણારમાં આંદોલન કરનારાઓ સામે કેસ પાછા લેવાના નિર્ણય પ્રમાણે ભીમા-કોરેગાંવ અને મરાઠા આરક્ષણ આંદોલનના કેસ પાછા લેવાની માગણી કરાઈ રહી છે એના પર ચર્ચા કરાઈ હતી.

સત્તા પર આવ્યા ભેગા જ અગાઉની બીજેપીની આગેવાની હેઠ‍ળની સરકારના અનેક નિર્ણયોના પાછા ખેંચનાર અને ૩૪ નિર્ણયોની સમીક્ષા કરવાનો આદેશ આપનાર શિવસેના સરકાર રાજ્યમાં નવું સોશ્યલ એન્જિનિયરિંગ કરવા માગતી હોય એવું લાગે છે. ભીમા-કોરેગાંવ અને મરાઠા અનામત આંદોલન સહિતના અન્યાયી રીતે જેમાં ગુના દાખલ કરાયા છે એ કેસોની સમીક્ષા કરીને એ વિષે પછી નિર્ણય લેવાની વાત જ બીજેપીને ઘડીભર લાલઘૂમ કરી દે એવી છે. બીજેપીને ફડકો એ બેઠો છે કે જો આ સરકાર પાંચ વર્ષ ટકી ગઈ તો પોતે સામાજિક સમીકરણોને આધારે જે મહામહેનતે એક વૉટ બૅન્ક ઊભી કરી છે એના પર ઉદ્ધવ ઠાકરે સરકાર તરાપ મારી જશે.

મહારાષ્ટ્રની મત બૅન્ક માટે ભીમા-કોરેગાંવ અને મરાઠા અનામતના મુદ્દા કેટલા મહત્વના છે એ તો સર્વવિદિત છે. આવી પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે તમામ કાર્ડ બરાબર ઊતરે તો બીજેપીએ નવેસરથી વ્યૂહરચના બનાવી પડે. આથી જ બીજેપી ચિંતામાં છે.

બેઠકમાં સામેલ એકનાથ શિંદેએ પત્રકારોને માહિતી આપી હતી કે ‘છેલ્લાં પાંચ વર્ષમાં જે આંદોલન થયાં એની વ્યવસ્થિત માહિતી મેળવીને કેસ પાછા લેવા બાબતે નિર્ણય લેવાશે. સરકાર સકારાત્મક નિર્ણય લેશે. કોઈ પણ નિર્દોષને અન્યાય નહીં થવા દેવાય.’

ખેડૂતોને કર્જમાફી આપવાનો હજી કોઈ નિર્ણય નથી લેવાયો. કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની પડખે સરકાર ઊભી છે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે પણ પ્રધાનમંડળમાં ચર્ચા થઈ હતી. આવા કોઈ પણ પ્રોજેક્ટને અટકાવાયો નથી. રાજ્યના હિતમાં જે જરૂરી હશે એના પર તમામ મતભેદ બાજુએ રાખીને નિર્ણય લેવાશે.

આ પણ વાંચો : ફિક્સિંગનો આરોપી રણજી ક્રિકેટર રોબિન મોરિસ અપહરણના કેસમાં ઝડપાયો

એનસીપીના નેતા જયંત પાટીલે કહ્યું હતું કે ભીમા-કોરેગાંવ કેસમાં અમારી સરકાર કોઈની ઉપર અન્યાય નહીં કરે. કયા ગુના ગંભીર છે, કયા ગુનામાં જાણીજોઈને કાર્યકરો સામે કેસ કરાયા છે એની માહિતી મેળવાશે. બધી જ બાબતોનો વિચાર કરીને નિર્ણય લેવાશે.

uddhav thackeray mumbai mumbai news shiv sena