બેસ્ટની તિજોરી ખાલી છે, અયોગ્ય માગણીઓ ન કરો: ઉદ્ધવ ઠાકરે

14 January, 2019 08:26 AM IST  | 

બેસ્ટની તિજોરી ખાલી છે, અયોગ્ય માગણીઓ ન કરો: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

બેસ્ટની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તિજોરી ખાલી છે એથી અયોગ્ય માગણીઓ કરવાનો કોઈ અર્થ નથી, એને સ્વીકારી નહીં શકાય એમ જણાવતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘અમે આ વિષય પર ઘણી લાંબી ચર્ચા કરી છે, પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. માન્યતાપ્રાપ્ત યુનિયન અને બેસ્ટ વચ્ચે વેતન-કરાર થયો હતો અને એ અનુસાર પગાર ચૂકવાય છે. બેસ્ટના બજેટનું BMCના બજેટમાં મર્જર થશે એવું આશ્વાસન મેં આપ્યું હતું અને એ પૂર્ણ પણ કરીશ.’

બેસ્ટ કર્મચારીઓની હડતાળનો આજે આઠમો દિવસ છે. બેસ્ટના ડેપો ડેવલપર્સને આપવાના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘ડેવલપર્સ પાસેથી આવનારા ૩૦૦-૩૫૦ કરોડ રૂપિયા હજી બાકી છે, પણ એની સામે ખોટ ૧૦૦૦થી ૧૨૦૦ કરોડની છે. બેસ્ટના કર્મચારીઓ અને મુંબઈગરાને હું જવાબદેહ છું અને મારી જવાબદારી મને ખબર છે. એમાં કોઈ અન્યએ પડવાની જરૂર નથી.’

બેસ્ટની હડતાળના છઠ્ઠા દિવસે મુખ્ય સચિવ દિનેશકુમાર જૈનના અધ્યક્ષપદમાં મંત્રાલયમાં બેઠક મળી હતી, પણ હડતાળને મુદ્દે કોઈ ઉકેલ નહોતો આવ્યો. બેસ્ટ કર્મચારી કૃતિ સમિતિની માગણી બાબતે બેઠકમાં સવિસ્તર ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં રાજ્યના મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન સામે મુદ્દો માંડશે અને ત્યાર બાદ સમિતિ એનો અહેવાલ આજે હાઈ કોર્ટને સોંપશે. આના પર હાઈ કોર્ટ શું નિર્ણય આપે છે એના પર બેસ્ટનું ભવિષ્ય નક્કી થશે.

બેસ્ટની પડખે MNS : સરકારને તમાશાની આપી ચીમકી

બેસ્ટના કર્મચારીઓએ પગારવધારા બાબતે પાડેલી હડતાળમાં હવે MNS વચ્ચે પડી છે. MNSના મહામંત્રી સંદીપ દેશપાંડેએ બેસ્ટના કર્મચારીઓની હડતાળનું નિરાકરણ લાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. અન્યથા સોમવારે તમાશો જોવા તૈયાર રહેજો એમ કહ્યું હતું. ગઈ કાલે સંદીપે ફેસબુક પર એક પોસ્ટ કરી સરકારને હડતાળ પર નિરાકરણ લાવવા અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો એમ કહ્યું હતું. બેસ્ટ કર્મચારીઓની હડતાળને સાત દિવસ પૂરા થયા છે, પણ સરકાર પાસેથી કોઈ પ્રતિસાદ નથી મળી રહ્યો.

બેસ્ટના કર્મચારીઓની આજે પણ હડતાળ ચાલુ, આજે મુંબઈ હાઈ કોર્ટમાં રજૂ થશે રિપોર્ટ

બેસ્ટના કર્મચારીઓની હડતાળનો આજે આઠમો દિવસ છે અને એ હજી કેટલા દિવસ સુધી ચાલશે એનું કંઈ નક્કી નથી. શનિવારે મંત્રાયલમાં બેસ્ટના કર્મચારીઓના યુનિયનની માગણીઓ પર ચર્ચા કરવા બેઠક મળી હતી, પણ એમાં કોઈ નક્કર નિર્ણયો લેવાયા નહોતા. તમામ બાબતોની વચ્ચે આજે હાઈ કોર્ટમાં યુનિયન અને મૅનેજમેન્ટની વાત પરથી રાજ્ય સરકાર શું કરી શકશે એનો રિપોર્ટ આપશે, કારણ કે બેસ્ટના કર્મચારીઓના વેતનવધારા મામલે હાઈ કોર્ટમાં પિટિશન થઈ હોવાથી આ મુદ્દો હવે હાઈ કોર્ટ પાસે છે. બેસ્ટના ૩૨,૦૦૦ કર્મચારીઓ આઠ દિવસથી હડતાળ પર હોવાથી ૨૦થી પચીસ લાખ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ: મેટ્રોમાં અયોગ્ય રીતે સ્પર્શ કરનારાને ગૃહિણીએ પહોંચાડ્યો જેલમાં

બેસ્ટના 32,000 કર્મચારીઓ છે અને 3200 બસના કાફલાને તેઓ ચલાવે છે. ગઈ કાલે બેસ્ટના 2610 ડ્રાઇવરોમાંથી ફક્ત ૪ હાજર રહ્યા હતા.

uddhav thackeray shiv sena mumbai news