ઉદ્ધવ ઠાકરે માટે વાંધાજનક પોસ્ટ કરનારનો કરાયો ટકો મુંડો ટાઉં ટાઉં

24 December, 2019 07:17 AM IST  |  Mumbai

ઉદ્ધવ ઠાકરે માટે વાંધાજનક પોસ્ટ કરનારનો કરાયો ટકો મુંડો ટાઉં ટાઉં

શિવસૈનિકો હીરામણિ તિવારીનું મુંડન કરી રહ્યા છે. ત્યાર બાદ તિવારી પોલીસ સ્ટેશન ગયો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા કાયદા બાબતે કરેલા વિધાન વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ લખનાર વડાલામાં રહેતી એક યુવકની શિવસૈનિકોએ મારપીટ કરી હતી, એટલું જ નહીં, જાહેરમાં આ વ્યક્તિનું મુંડન પણ કર્યું હતું. વડાલા ટીટી પોલીસે બન્ને તરફ ગુનાહિત કાર્યવાહી સંહિતાની કલમ-૧૪૯ હેઠળ નોટિસ મોકલાવી છે.

ઉદ્ધવ ઠાકરેએ નાગરિકત્વ કાયદા વિરુદ્ધ ફાટી નીકળેલા આંદોલનમાં પોલીસે વિદ્યાર્થીઓને વિખેરવા માટે બળપ્રયોગ કર્યો હતો એની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવી હતી. ઉદ્ધવ ઠાકરેએ કરેલા વક્તવ્ય સામે વડાલામાં રહેતા રાહુલ ઉર્ફે હીરામણિ તિવારીએ સોશ્યલ મીડિયામાં ટીકા કરતી પોસ્ટ મૂકતાં શિવસૈનિકો ભડક્યા હતા.

નાગરિકત્વ કાયદા વિરુદ્ધ દેશભરમાં આંદોલનની આગ ભડકી છે. આંદોલન દરમ્યાન દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયામાં પોલીસે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કર્યો હતો એ ઘટનાનો દેશઆખામાં તીવ્ર પ્રતિસાદ ઊમટ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ આ ઘટનાની સરખામણી જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે કરીને સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી.

ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણી પર તિવારીએ ૧૯ ડિસેમ્બરે ફેસબુક પર એક પોસ્ટ લખીને ઉદ્ધવ ઠાકરેના વક્તવ્ય પર ટીકા કરી હતી. રાહુલે મુખ્ય પ્રધાનને પ્રશ્નો પણ પૂછ્યા હતા અને એના પર ભડકેલા શિવસૈનિકોએ તિવારીને ટાર્ગેટ કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કોઈ પણ ટિપ્પણી ચલાવી નહીં લઈએ : શિવસૈનિક

ઉદ્ધવ ઠાકરે અમારા માટે શ્રદ્ધાસ્થાન છે. તેમની વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખીને કોઈ પણ વાંધાજનક ભાષા વાપરશે તો અમે એ ચલાવી નહીં લઈએ. સ્થાનિક શિવસેનાના શાખાપ્રમુખ સમાધાન જુગદર અને અન્ય શિવસૈનિકોએ તિવારીના ઘર પાસે ભેગા થઈને તેની મારપીટ કરી હતી અને જાહેરમાં તેનું મુંડન કર્યું હતું.

આ પણ વાંચો : ઊંઘણશી ડ્રાઇવરને લીધે પ્રવાસીએ હંકારી કૅબ ઓલાનો ડ્રાઇવર બન્યો મુસાફર

શિવસૈનિકો હીરામણિ તિવારીનું મુંડન કરી રહ્યા છે. ત્યાર બાદ તિવારી પોલીસ સ્ટેશન ગયો હતો.

uddhav thackeray shiv sena mumbai crime news Crime News mumbai news