કાંદિવલી મહાવીરનગરના લોકોને એમજી રોડથી એન્ટ્રી ન મળતાં ટ્રાફિક જૅમ

01 December, 2019 02:04 PM IST  |  Mumbai

કાંદિવલી મહાવીરનગરના લોકોને એમજી રોડથી એન્ટ્રી ન મળતાં ટ્રાફિક જૅમ

કાંદિવલી એમજી રોડથી એન્ટ્રી ન મળતાં ટ્રાફિક જૅમ

કાંદિવલી-વેસ્ટમાં એમજી રોડથી કાંદિવલી ગાવઠણમાં તો વાહનચાલકો જાય છે, પણ આગળ ગાવઠણમાંથી બહાર નીકળી મહાવીરનગર જવાની મચ્છી માર્કેટ લેન અને એ જ દિશામાં જતી એની પેરલલ ગલી બન્ને બંધ કરી દેવાતાં મહાવીરનગર, એકતાનગર, રેણુકાનગર અને બોરીવલી સત્યાનગર સુધીના રહેવાસીઓને, વાહનચાલકોને હાલમાં ભારે હાડમારી ભોગવવી પડી રહી છે. એવું નથી કે ગાવઠણની આ ગલીઓ ટ્રાફિક પોલીસે બંધ કરી છે. મૂળ ગાવઠણના લોકોએ જ એ ગલીઓ વાહનોના અવરજવર માટે બંધ કરી દીધી છે.

કાંદિવલી વીલેજ પ્રતિષ્ઠાન દ્વારા સ્થાનિક લોકોએ આ સંદર્ભે ટ્રાફિક પોલીસ કાંદિવલીને આ બાબતે એક અરજી આપી છે અને તેમને આ સમસ્યાનો ઉકેલ લાવવા જો શક્ય હોય તો એને વનવે કરવા જણાવ્યું છે.

પીક અવર્સ દરમ્યાન વાહનચાલકો કાંદિવલી શંકર ગલી કે પછી મથુરાદાસ રોડ, એસવી રોડથી મહાવીરનગર, સત્યાનગર અને ચારકોપ માર્કેટ સુધીના લોકો આ તરફ આવતા હોય છે. તેઓ મોટા ભાગે પાલિકાની સ્કૂલ અને નિર્મળ કૉલેજની બાજુમાંથી કાંદિવલી ગાવઠણ જતી આ ગલી (શિવાજી મહારાજ રોડ)નો ઉપયોગ કરતા હતા, જ્યારે એ માટે જૂનો દહાણુકર વાડીનો રોડ તો છે જ, પણ એમાં ફરીને જવું પડે છે. આ રોડ શૉર્ટ કટ છે એથી ટ્રાફિક વહેંચાઈ જતો હતો. જ્યારે હવે ગાવઠણની માર્કેટની ગલીઓ બંધ થતાં સાંજના પિક અવર્સમાં બધાં જ વાહનોએ દહાણુકર વાડીવાળી ગલીથી જતાં હોવાથી ત્યાં ભયંકર ટ્રાફિક જૅમ થાય છે.

આ પણ વાંચો : મુંબઈ: શહેરમાં સાત દિવસ સુધી 10 ટકા પાણીકાપ

અમે સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ

કાંદિવલી ટ્રાફિક પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર વિશ્વનાથ શેલારે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગાવઠણવાસીઓને તકલીફ પડી રહી છે એની અમને પણ જાણ છે. મહાવીરનગરના રહેવાસીઓને પણ અગવડ પડી રહી છે. લોકલ પોલીસ સાથે મળી આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા તરફથી એ ગલીઓ બંધ કરાઈ નથી.’
સ્થાનિક નગરસેવિકા પ્રિયંકા મોરેએ કહ્યું હતું કે તેઓ મીટિંગમાં છે પછી ફોન કરો.

kandivli mumbai mumbai news maharashtra mumbai traffic