ગ્રૅન્ડ હયાતમાં ગ્રૅન્ડ શો

26 November, 2019 07:37 AM IST  |  Mumbai

ગ્રૅન્ડ હયાતમાં ગ્રૅન્ડ શો

ગ્રેન્ડ હયાત હોટેલમાં એનસીપી-કૉન્ગ્રેસ અને શિવસેનાના વિધાનસભ્યો સાથે શપથ લેતા મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે. તસવીર : પી.ટી.આઇ.

મહારાષ્ટ્રમાં ક્યારેય ન બન્યું હોય એવું ૨૦૧૯ની ચૂંટણી બાદ બન્યું છે. ગ્રૅન્ડ હયાતમાં ગઈ કાલે યાજાયેલા પૉલિટિકલ ફૅશન શો હવે પછી ક્યારેય મહારાષ્ટ્રમાં જોવા નહીં મળે. ગઈ કાલે વિધાનસભ્યોની હોટેલમાં ગ્રૅન્ડ પરેડ જોવા મળી હતી. ઓળખ પરેડ દરમ્યાન એનસીપીના વડા શરદ પવાર પણ હાજર રહ્યા હતા અને તેમણે બીજેપીને ટોણો મારતાં કહ્યું હતું કે આ કંઈ ગોવા નથી, મહારાષ્ટ્ર છે. અમારા પર ભૂલથી પણ કોઈ પ્રહાર કરવાની ભૂલ કરશો તો એનો વળતો પ્રહાર કરવાની અમારી તાકાત છે. અહીં ઉલ્લેખનીય છે કે બહુમતી ન હોવા છતાં મણિપુર અને ગોવામાં બીજેપીએ સત્તા સ્થાપી હતી.

શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ગઈ કાલે પરેડ કરી હતી. દેશના દિગ્ગજ નેતાઓ આ શોમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં સત્તા કોની એ વિશે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે રવિવારે રજા હોવા છતાં ખાસ સુનાવણી યોજી હતી. કોર્ટે સેના-એનસીપી-કૉન્ગ્રેસ દ્વારા સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર સામે કરવામાં આવેલા દાવા સામે કારણ દર્શક નોટિસ બહાર પાડીને ૨૪ કલાકમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટેનો આદેશ આપ્યો હતો.

ગઈ કાલે ગ્રૅન્ડ હયાત હોટેલમાં યોજાયેલી પરેડમાં એનસીપીના વડા શરદ પવાર, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને સિનિયર કૉન્ગ્રેસી લીડર મલ્લિકાર્જુન ખડગે હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે ત્રણ પાર્ટી જ સરકાર બનાવી શકવામાં સક્ષમ છે, એવું લોકોનું નિવેદન છે. અહીં a છે કે શિવસેના અને કૉન્ગ્રેસના વિધાનસભ્યો તેમના પક્ષ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી બસમા સાંજે ૭ વાગ્યા પહેલાં આવી પહોંચ્યા હતા. વિધાનસભ્યોની પરેડ ચાલી રહી હતી ત્યારે હોટેલની બહાર જમા થયેલા ટોળાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહનો હુરિયો બોલાવ્યો હતો.

શરદ પવારે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના હિતનો સંકલ્પ આપણે બધાએ કર્યો છે. કેન્દ્રની સત્તા જેમના હાથમાં છે તેમણે અમુક રાજ્યમાં બહુમતી ન હોવા છતાં સત્તા સ્થાપી છે. કર્ણાટક, ગોવા અને મણિપુરમાં પણ એ જ કર્યું છે. દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું છે. ખોટી રીતે સત્તા સ્થાપીને બીજેપી શું પુરવાર કરવા માગે છે. બીજેપીએ એ ભૂલવું ન જોઈએ કે આ ગોવા નથી, મહારાષ્ટ્ર છે અને વળતો પ્રહાર કરવાની તેઓ તૈયારી રાખે.’

અમને સરકાર રચવા માટેનો માર્ગ આપો: ઉદ્વવ ઠાકરે

મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસને સરકાર રચવા દો. અમે ત્રણ પક્ષ સત્તા સ્થાપી શકીએ એ માટે માર્ગ મોકળો કરો હવે, એવું શિવેસનાઅધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે વિધાનસભ્યોની પરેડ દરમ્યાન બીજેપીને ઉદ્દેશીને કહ્યું હતું. ગઈ કાલે ત્રણેય પક્ષના વિધાનસભ્યોની પરેડમાં એનસીપીના વડા શરદ પવારની હાજરીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે બીજેપી સત્તાનો દુરુપયોગ કરી રહી છે. રાજ્યના મતદારોએ બીજેપીને સ્વીકારી નથી.

mumbai news shiv sena nationalist congress party congress uddhav thackeray sharad pawar ajit pawar bharatiya janata party