બંધારણની દૃષ્ટિએ મહારાષ્ટ્રના રાજકારણની દિશા અને દશા

13 November, 2019 02:34 PM IST  |  Mumbai

બંધારણની દૃષ્ટિએ મહારાષ્ટ્રના રાજકારણની દિશા અને દશા

ભારત પર છેલ્લા કેટલાક સમયથી ચક્રવાતના યોગ જોવા મળી રહ્યા છે. ‘મહા’રાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાનાં પરિણામો કોઈ પણ રાજકીય પક્ષને સરકાર રચવા દેતાં નથી. ‘કયાર’થી જુદા-જુદા રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા મથી રહ્યા હતા એનો આજે અકાળે સરકાર રચવાની અવધિનો અંત આવી જતાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાની ફરજ પડી છે.

ચાલો, આપણે મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોને બંધારણીય જોગવાઈઓની વિવિધ એરણ પર તપાસીએ. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકો પર ચૂંટણી યોજાઈ. બંધારણ અનુસાર સરકાર રચવા માટે ન્યૂનતમ ૧૪૫ બેઠકો જોઈએ. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછી ૧૪૫ બેઠકો જીતે એને રાજ્યપાલ સરકાર રચવાનું સામાન્ય સંજોગોમાં આમંત્રણ આપતા હોય છે, પરંતુ આ વખતનાં પરિણામો કોઈ એક રાજકીય પક્ષતરફી નથી એ જોઈ શકાય છે. ભારતીય જનતા પક્ષ (બીજેપી)ને સૌથી વધુ ૧૦૫ બેઠકો મળી છે, ત્યાર બાદ બીજા ક્રમે શિવસેનાને ૫૬, એ પછી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પક્ષને ૫૪ અને કૉન્ગ્રેસને ૪૪ તથા અન્યોને ૨૯.

અત્યારસુધી મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાએ સાથે મળીને સત્તા ભોગવી, પરંતુ આ ચૂંટણીનાં પરિણામ પછી હવે શિવસેનાનું રાજકીય કદ વધતાં મુખ્ય પ્રધાનપદ (અઢી વર્ષ માટે)ની માગણી મૂકીને બીજેપીનું નાક દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ બીજેપી પોતાના નિર્ણય પર મક્કમ છે. જો બીજેપી અને શિવસેના એક થાય તો ૧૦૫+૫૬=૧૬૧ બેઠકો સાથે સહેલાઈથી સરકાર રચી શકાય, પરંતુ વાત મુખ્ય પ્રધાનપદ પર આવીને અટકી ગઈ છે. આ પરિસ્થિતિમાં વિવિધ વિરોધ પક્ષો ગેલમાં આવી ગયા, કારણ કે તેમને સરકાર રચવાની તક મળી શકે એવા યોગ દેખાઈ રહ્યા છે. જો કૉન્ગ્રેસ, એનસીપી અને શિવસેના એક થાય (૪૪+૫૪+૫૬=૧૫૪) તો સરકાર બની શકે, પરંતુ અહીં એનસીપી અને કૉન્ગ્રેસનું રાજકીય વલણ અસ્પષ્ટ હોવાથી સરકારની રચના કરવી શક્ય નથી. હવે જો બંધારણના દૃષ્ટિકોણથી આ સંપૂર્ણ ઘટનાક્રમ જોઈએ તો કેટલીક વાતનો અહીં ઉલ્લેખ કરવો જરૂરી બને છે.

કોઈ પણ રાજ્યમાં બંધારણીય કટોકટી આર્ટિકલ-૩૫૬ અંતર્ગત લાગુ કરી શકાય છે, પરંતુ બંધારણીય કટોકટી લાગુ કરવા માટે મુખ્યત્વે ચારમાંથી કોઈ એક કારણ જોવા મળે તો જ લાગુ કરી શકાય ઃ (૧) રાજ્યના રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિને એવો અહેવાલ મોકલે કે રાજ્ય બંધારણીય જોગવાઈ અનુસાર ચાલતું નથી. (૨) રાષ્ટ્રપતિને સ્વયં એવું લાગે કે રાજ્ય બંધારણીય જોગવાઈ અનુસાર ચાલતું નથી. (૩) રાજ્ય બંધારણના આર્ટિકલ-૩૬૫નો ભંગ કરે અથવા (૪) રાજ્યમાં ચૂંટણીનાં પરિણામો એવાં આવે કે કોઈ પણ રીતે રાજ્યમાં સરકારની રચના કરવી શક્ય ન હોય.

મહારાષ્ટ્રમાં અત્યારે ચોથા કારણને લીધે રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું છે એમ કહી શકાય. ભારતમાં રાજ્યપાલની સત્તા હમેશાં અલગ-અલગ સમયે ચર્ચાનો મુદ્દો રહ્યો છે, પરંતુ બંધારણીય રીતે રાજ્યપાલ કેટલીક બાબતોમાં અબાધિત અધિકાર ભોગવે છે. અહીં અબાધિત અધિકારનો અર્થ ‘રાજ્યપાલ પ્રધાનમંડળની સલાહ અને સૂચન મેળવ્યા વગર’ પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે એવો થાય છે. અર્ધસંઘીય રાજ્યવ્યવસ્થામાં રાજયસ્તરે કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે રાજ્યપાલ પોતાની જવાબદારીઓ કેન્દ્ર વતી નિભાવતા હોય છે એથી સ્પષ્ટ કહી શકાય કે કેન્દ્ર રાજ્યપાલની મદદથી પોતાનું ધાર્યું કેટલુંક કરાવી શકે છે. આને કારણે જ જ્યારે શંભુ સરકાર જેવી સ્થિતિ રચાય છે ત્યારે રાજ્યપાલ પોતાના અબાધિત અધિકારનો ઉપયોગ કરીને યોગ્ય લાગે તે વ્યક્તિને મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવી શકે છે. જ્યારે ગઠબંધન (શંભુ સરકાર)ની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વિવિધ રાજકીય પક્ષોના ધારાસભ્યો પક્ષપલટો કરી શકે, પક્ષીય રાજકારણ જોવા મળે તેમ જ વિરોધાભાસી વિચારધારાવાળા રાજકીય પક્ષો એકબીજા સાથે જોડાવા માટે તૈયાર થઈ જાય છે અને એથી જ બંધારણ દ્વારા રાજયપાલને અબાધિત સત્તાનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે એમ કહી શકાય. કમનસીબે અત્યાર સુધી મુખ્ય પ્રધાનની નિમણૂક વિશે કોઈ ચોક્કસ પદ્ધતિ કે સંસદીય પ્રક્રિયા નક્કી કરવામાં આવી નથી.

રાજ્યમાં સરકાર રચવા માટે સામાન્ય રીતે નીચે મુજબના વિકલ્પો રાજ્યપાલને મળતા હોય છે.

(૧) સ્પષ્ટ બહુમત ધરાવતા રાજકીય પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું.

(૨) સૌથી વધુ બેઠકો ધરાવતા રાજકીય પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપવું (અપક્ષોના ટેકાવાળી સરકાર).

(૩) વિવિધ રાજકીય પક્ષો એકસાથે મળીને સરકાર રચવાનો દાવો કરે (જ્યાં પદ માટે ખેંચતાણ જોવા મળે), જેમ કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદ માટે ખેંચતાણ જોવા મળે છે.

અહીં વિકલ્પ બે અને ત્રણમાં મુખ્ય પ્રધાનની નિમણૂક થયા પછી વિધાનસભામાં ફ્લોરટેસ્ટ કરવી ફરજિયાત છે અને જરૂરી બહુમતી મળે તો આગળ સરકાર રચવામાં આવે છે. જો જરૂરી બહુમતી ન પ્રાપ્ત થાય તો સરકાર રચાતી નથી અને રાષ્ટ્રપતિશાસન લાગુ કરવું પડે છે.

મહારાષ્ટ્રમાં હજી સુધી વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું નથી એથી હજી પણ કોઈ પણ રાજકીય પક્ષ સરકાર રચવાનો દાવો કરી શકે છે. અહીં એસ. આર. બોમ્માઈના કેસનો ચુકાદો યાદ કરવો પણ જરૂરી બને છે. એ અનુસાર રાષ્ટ્રપતિ રાજ્ય સરકારને ઇચ્છા અનુસાર વિસર્જિત ન કરી શકે. કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવા માટેનો પ્રસ્તાવ સંસદનાં બન્ને ગૃહમાં બે મહિનાની અંદર સાદી બહુમતીથી પસાર થવો જરૂરી છે. આ પ્રક્રિયા દરમ્યાન રાષ્ટ્રપતિ રાજ્ય વિધાનસભાને સસ્પેન્ડ કરી શકે છે, પરંતુ વિસર્જિત કરી શકતા નથી. જો રાષ્ટ્રપતિશાસનનો પ્રસ્તાવ બે મહિનામાં પસાર ન થાય તો પ્રસ્તાવનો અંત આવે છે અને જે સરકારને સસ્પેન્ડ કરી હોય એ ફરી સત્તા પર આવે છે. વળી ચુકાદાના અંતે એમ પણ કહ્યું છે કે રાષ્ટ્રપતિશાસનને અદાલતમાં પડકારી પણ શકાય છે. જો એમ કરવામાં આવે તો રાષ્ટ્રપતિશાસન લાગુ કરવા માટેનાં કારણો અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની થાય છે. એમાં જો કેન્દ્ર સરકાર નિષ્ફળ જાય તો સર્વોચ્ચ અદાલત જૂની સરકારને ફરી સજીવન કરી શકે છે.

મિનીકટ : માલિક બોલા ડ્રાઇવર સે : આજ કાર હમ ચલાએંગે.

ડ્રાઇવર ધીરે સે બોલા : મંત્રીજી યે કાર હૈ, સરકાર નહીં, જો રામભરોસે ચલ જાએગી.

mumbai news Election 2019 shiv sena bharatiya janata party congress nationalist congress party mumbai