મહારાષ્ટ્રના વિધાનાસભ્યોની શપથવિધિ યોજાઈ:અજિતનું પાટલીઓ થપાવીને સ્વાગત

28 November, 2019 09:36 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રના વિધાનાસભ્યોની શપથવિધિ યોજાઈ:અજિતનું પાટલીઓ થપાવીને સ્વાગત

અજિત પવારને ભેટતા સુપ્રિયા સુળે. તસવીર : સુરેશ કરકેરા

૨૮૮ સભ્યોનું સંખ્યાબળ ધરાવનાર મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે પરિણામના એક મહિના પછી ધારાસભ્યોએ સભ્યપદના શપથ ગ્રહણ કર્યા હતા. સૂચિત સીએમ ઉદ્ધવ ઠાકરે વિધાનસભાના સદસ્ય નથી. તેમને બાદ કરતાં ૨૮૫ સભ્યોને કાર્યકારી અધ્યક્ષ(પ્રોટેમ સ્પીકર) કાલિદાસ કોલંબેકરે શપથ લેવડાવ્યા હતા.

તે અગાઉ કાર્યકારી અધ્યક્ષે સભ્યોને શપથ ગ્રહણ કરવા માટે મુખ્ય તરીકે બબનરાવ પાચપુતે, વિજયકુમાર ગાવિત અને રાધાકૃષ્ણ વિખે પાટીલની નિમણૂક કરી હતી. સદનમાં વરિષ્ઠતાના હુકમ મુજબ સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

જેમાં પ્રિસાઇડિંગ અધિકારીઓ પાચપુતે અને ગાવિતે પહેલા કાર્યકારી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને શપથ લેવડાવ્યા હતા.

મહારાષ્ટ્રના વિધાનાસભ્યોની શપથવિધિ યોજાઈ : અજિતનું પાટલીઓ થપથપાવીને સ્વાગતએક આશ્ચર્યજનક ઘટનારૂપે એનસીપીમાંથી બળવો કરીને બીજેપીની સાથે સરકાર બનાવનાર અને ત્યારબાદ પરત આવનાર અજિત પવાર શપથ લેવા સ્ટેજ પર ગયા હતા, ત્યારે એનસીપીના સભ્યોએ પાટલીઓ થપથપાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

મુંબઈની વરલી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર ધારાસભ્ય બનેલા શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ વિવિધ પક્ષોને અભિનંદન આપ્યા હતા. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ૨૯ વર્ષનો પુત્ર આદિત્ય બધા વરિષ્ઠ સભ્યો પાસે શુભેચ્છા પાઠવવા તેમના સ્થાને ગયો હતો.

રાજ્યમાં ચાલી રહેલા નાટકીય રાજકીય ગતિવિધિને કારણે નવા ચૂંટાયેલા સભ્યો વિધાનસભાની ચૂંટણીના પરિણામોના એક મહિના પછી પણ શપથ ગ્રહણ કરી શક્યા નહોતા. કોઈ પણ રાજકીય પક્ષની સરકાર બનાવવામાં અસમર્થતાને કારણે રાષ્ટ્રપતિશાસન ૧૨ નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધી લાદવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવા અને ગૃહના ચૂંટાયેલા તમામ સભ્યોને બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં શપથ લેવડાવવાનો આદેશ આપ્યો હતો.

ઠાકરે હજી સુધી રાજ્ય વિધાનસભાના કોઈ ગૃહના સભ્ય નથી. તે અંગે રાજ્યના વિધાનસભાના પ્રભારી સચિવ રાજેન્દ્ર ભાગવતે કહ્યું કે છેલ્લા ઘણા દાયકાઓથી એક પરંપરા છે કે મુખ્ય પ્રધાન પહેલા શપથ લે છે અને ત્યારબાદ અન્ય સભ્યો શપથ લે છે, પરંતુ ઠાકરે ચૂંટણી લડ્યા નહોતા.

એનસીપીમાં હતો અને છું : અજિત પવારે શપથ લીધા બાદ કહ્યું

મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપ્યા બાદ અજિત પવાર બુધવારે પહેલીવાર મીડિયાની સામે આવ્યા હતા. ધારાસભ્ય પદના શપથ લીધા બાદ અજિત પવારે કહ્યું કે હું રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીમાં હતો અને છું. શું તમારી પાસે મને પાર્ટીમાંથી કાઢી મૂક્યો હોવાની લેખિત જાણકારી છે? હું પાર્ટીમાં હતો અને છું.

અજિત પવારે વધુમાં કહ્યું હતું કે નવી સરકારમાં મારી ભૂમિકા પાર્ટી નક્કી કરશે. તેમણે કહ્યું કે ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય મેં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કર્યો. ત્યારબાદ મેં મારા પાર્ટી નેતાઓ સાથે વાત કરી હતી.

તેઓ મારા ભાઈ છે અને તેમની સાથે ઝઘડાનો કોઈ સવાલ જ નથીઃ સુપ્રિયા સુળે

મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી બે હલચલ ઘણી ચર્ચામાં હતી. એક રાજકારણમાં આવેલો ભૂકંપ અને બીજી એનસીપી ચીફ શરદ પવારના પરિવારમાં દેખાઈ રહેલી તિરાડ. તેમાંથી એક હલચલને તો બુધવારે વિરામ મળતો જોવા મળ્યો જ્યારે સુપ્રિયા સુળે અજિત પવારને ભેટી પડ્યા અને બન્ને ભાઈ-બહેને કોઈ પણ પ્રકારના ઝઘડાનો ઇનકાર કર્યો. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્ર દરમ્યાન શપથ લેવા પહોંચેલા અજિત પવારનું સુપ્રિયાએ ખુલ્લા હૃદયે સ્વાગત કર્યું અને કહ્યું કે તેઓ મારા ભાઈ છે અને તેમની સાથે ઝઘડાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો.

આ પણ વાંચો : બાળાસાહેબનું સ્વપ્ન પૂર્ણઃ ઉદ્ધવ ઠાકરેની આજે તાજપોશી

સુપ્રિયા સુળેએ આ દરમ્યાન કહ્યું કે પાર્ટી અને પરિવારમાં ઘણી વાર અણબનાવની સ્થિતિ ચોક્કસ આવે છે પરંતુ તેનો એ અર્થ નથી કે જુદાઈ થઈ જશે. તેઓએ કહ્યું કે, તેઓ મારા ભાઈ છે અને અમારા માટે સન્માન પાત્ર છે. અમારા બંનેની વચ્ચે ક્યારેય કોઈ વિવાદ નથી થતો, આ માત્ર લોકોની ફેલાયેલી અફવા છે બીજું કંઈ નહીં.

supriya sule ajit pawar aaditya thackeray shiv sena nationalist congress party mumbai news