Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાળાસાહેબનું સ્વપ્ન પૂર્ણઃ ઉદ્ધવ ઠાકરેની આજે તાજપોશી

બાળાસાહેબનું સ્વપ્ન પૂર્ણઃ ઉદ્ધવ ઠાકરેની આજે તાજપોશી

28 November, 2019 09:23 AM IST | Mumbai

બાળાસાહેબનું સ્વપ્ન પૂર્ણઃ ઉદ્ધવ ઠાકરેની આજે તાજપોશી

શપથ સમારોહ માટે શિવાજી પાર્કમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ. તસવીર : આશિષ રાજે

શપથ સમારોહ માટે શિવાજી પાર્કમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ. તસવીર : આશિષ રાજે


મહારાષ્ટ્રમાં એક મહિનાની રાજકીય ઊથલપાથલ અને અસ્થિરતા બાદ હવે આખરે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાનપદે ત્રણ પક્ષોની ‘મહા વિકાસ આઘાડી’ સરકાર બનવા જઈ રહી છે. ઠાકરે આજે મુંબઈમાં દશેરાના દિવસે જ્યાં શિવસેનાનો વાર્ષિક શક્તિપ્રદર્શનનો કાર્યક્રમ યોજાય છે તે જાણીતા શિવાજી પાર્કમાં સાંજે ૬.૪૦ના મુહૂર્તમાં મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ઠાકરેની સાથે એનસીપીના જયંત પાટીલ અને કૉન્ગ્રેસના બાળાસાહેબ થોરાતને નાયબ મુખ્ય પ્રધાન તરીકેના અને ૧૫થી ૨૦ પ્રધાનોને પણ શપથ લેવડાવશે, એમ સૂત્રોએ દાવો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના પ્રત્યેક પાંચ પ્રધાનો સામેલ થશે. ઠાકરેએ ૩ ડિસેમ્બર સુધીમાં બહુમતી સાબિત કરવી પડશે, ૧૬૬ ધારાસભ્યોના સમર્થનનો દાવો તેમણે કર્યો છે. બીજેપી સામે વિપક્ષી એકતારૂપે આ શપથવિધિમાં અન્ય પક્ષોના નેતાઓ પણ હાજરી આપે તેમ છે.

ઠાકરે પરિવારમાંથી સૌપ્રથમ કોઈ સીએમ બનવા જઈ રહ્યા છે ત્યારે શિવાજી પાર્કની શપથવિધિને ભવ્યાતિભવ્ય, રંગારંગ અને યાદગાર અને ઐતિહાસિક બનાવવાના પ્રયાસ શરૂ થયા છે. શિવાજી પાર્કમાં લગભગ ૭૦,૦૦૦ ખુરશીઓ લગાવવામાં આવશે. આ ઉપરાંત ૬૦૦૦ સ્ક્વેર ફુટનું પ્લૅટફૉર્મ બનાવવામાં આવશે, જેના પર શિવસેના-એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓની સાથે અન્ય વીવીઆઇપી નેતાઓને સ્થાન આપીને બીજેપીની સામે ‘હમ સબ એક હૈ’ નો સંદેશો પણ આપવામાં આવે તેમ છે. મંચ પર ૧૦૦ ખુરશીઓ લગાવવામાં આવશે. શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહની તૈયારી માટે બીએમસી કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ શપથવિધિ સ્થળે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.



સૂત્રોએ કહ્યું કે ત્રણેય પક્ષોના સેંકડો કાર્યકરો આ યાદગાર સમારોહમાં હાજર રહે તેવી શક્યતાને જોતાં સભા મંડપની અંદર ધસારો ઓછો કરવા એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦ સ્થળે મોટા એલઇડી લગાવવામાં આવશે જેથી લોકો તેમાં શપથવિધિ જોઈ શકે અને શિવાજી પાર્કની અંદર ન આવે. શિવાજી પાર્કમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સામે જ આ પ્લૅટફૉર્મ બનાવવામાં આવી રહ્યું છે. આ તે જ જગ્યા છે જ્યાં શિવસેના દર વર્ષે દશેરા પર પોતાનો મોટો કાર્યક્રમ કરે છે અને બાળ ઠાકરેના સમયથી આ પરંપરા ચાલુ છે. શિવસેનાના મુખ્ય મથક માતોશ્રી અને ઠાકરે પરિવારમાં હાલમાં ભારે ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.


સૂત્રોએ કહ્યું કે કર્ણાટકની જેમ આ શપથવિધિમાં વિરોધ પક્ષોની એકતા બતાવવા માટે આપ પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલ, બંગાળના સીએમ બીજેપીના હાડોહાડ વિરોધી એવાં મમતા બૅનરજીને આમંત્રિત કરવામાં આવશે, ઉપરાંત રાહુલ ગાંધીના આગમન પર સસ્પેન્સ યથાવત્ છે. કૉન્ગ્રેસ તરફથી સોનિયા ગાંધી શપથવિધિમાં હાજર રહે તેવી પણ શક્યતા છે. ઘણા મોટા નેતાઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. ઘણાં રાજ્યોના મુખ્ય પ્રધાનો અને વિપક્ષી નેતાઓ પણ છે. રાજ ઠાકરે- મનસે, મમતા બૅનરજી, મુખ્ય પ્રધાન-બંગાળ, અરવિંદ કેજરીવાલ, મુખ્ય પ્રધાન-દિલ્હી ચંદ્રાબાબુ નાયડુ, ટી.ડી.પી., અશોક ગેહલોત, મુખ્ય પ્રધાન- રાજસ્થાન, અખિલેશ યાદવ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન-ઉત્તર પ્રદેશ, એચ. ડી. દેવગૌડા, ભૂતપૂર્વ વડા પ્રધાનને આમંત્રણ પણ મોકલવામાં આવ્યા હોવાનું મનાય છે.

ચાર કલાક ચાલેલી બેઠક પછી લેવાયો નિર્ણય: ડેપ્યુટી સીએમ એનસીપીને,વિધાનસભાના સ્પીકર કૉન્ગ્રેસના


મુખ્ય પ્રધાનપદે નિયુક્ત થયેલા ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહના એક દિવસ અગાઉ પ્રધાનોની નવી કાઉન્સિલની રચનાની પ્રક્રિયા સ્વરૂપે ‘મહારાષ્ટ્ર વિકાસ આઘાડી’ (એમવીએ)ના નેતાઓ બુધવારે અત્રે મળ્યા હતા.

આ બેઠક દક્ષિણ મુંબઈમાં વાય. બી. ચવાણ સેન્ટર ખાતે હાથ ધરાઈ હતી. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે કાલે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને તેમની સાથે દરેક પાર્ટીમાંથી બે-બે ધારાસભ્ય મંત્રીપદની શપથ લેશે. પટેલે કહ્યું કે ત્રીજી ડિસેમ્બર પહેલાં વિશ્વાસમત મેળવવો જરૂરી છે અને મંત્રીમંડળનો બાકીનો વિસ્તાર ત્યારબાદ કરવામાં આવશે.

પટેલે કહ્યું કે ઉપમુખ્યમંત્રી એનસીપીના હશે પરંતુ તેમણે એ સવાલનો જવાબ ન આપ્યો કે શું આ પદ અજિત પવારને આપવામાં આવશે ? તેમણે કહ્યું કે તે શપથગ્રહણ બાદ સ્પષ્ટ થઇ જશે. પટેલે કહ્યું કે વિધાનસભા સ્પીકર કોંગ્રેસના હશે જ્યારે નાયબ સ્પીકર એનસીપીના હશે.

સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે શિવસેનાને મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય ૧૫ મંત્રીઓનો ક્વૉટા મળશે. એનસીપી અને કોંગ્રેસમાંથી ૧૩-૧૩ મંત્રી બની શકે છે. બીજી તરફ એનસીપી કાર્યકર્તાઓએ બારામતીમાં અજિત પવારના પોસ્ટર લગાવ્યા છે. તેમાં લખ્યું છે કે ચાલો નક્કી કરીએ કે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ. સમગ્ર મહારાષ્ટ્ર તમારી તરફ જોઇ રહ્યું છે , ભવિષ્યના મુખ્યમંત્રી તરીકે.

એનસીપીના પ્રમુખ શરદ પવાર, ઠાકરે અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ જેવા નેતાઓ ગુરુવારે સાંજે દાદરમાં શિવાજી પાર્ક ખાતે યોજાનારા શપથ સમારોહ અને પ્રધાનોની કાઉન્સિલ અંગે ચર્ચા કરશે.

કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર માટેના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ પછીથી નેતાઓ સાથે જોડાશે. આ મીટિંગ પવારની પટેલ, કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ તથા અન્યો સાથે યોજાનારી બેઠક બાદ હાથ ધરાશે.

સેના, એનસીપી અને કૉન્ગ્રેસે મંગળવારે એમવીએના મુખ્ય પ્રધાનપદના નોમિની તરીકે ઉદ્ધવ ઠાકરેના નામની જાહેરાત કરી હતી.

જ્યારથી સેનાએ ચૂંટણી બાદના જોડાણ માટે એનસીપી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવ્યા ત્યારથી પવાર સરકારની રચનાની વાટાઘાટોના કેન્દ્રમાં રહ્યા છે.

આ પણ વાંચો : શિવાજી પાર્કમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં મહત્તમ ૪૩ સભ્યોનું પ્રધાનમંડળ બની શકે

૨૮૮ સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભાના નિયમો હેઠળ ૪૩ સભ્યોનું પ્રધાનમંડળ બનાવી શકાય છે જે કુલ બેઠકોના ૧૫ ટકાની મર્યાદામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના ક્વોટામાંથી ૧૬ (૧૧ કૅબિનેટ, ૫ રાજ્યપ્રધાન), એનસીપીના ક્વોટાથી ૧૫ (૧૧ કૅબિનેટ, ૪ રાજ્યપ્રધાન) અને કૉન્ગ્રેસના ક્વોટામાંથી ૧૨ (૯ કૅબિનેટ, ૩ રાજ્યપ્રધાન) બની શકે છે. સૂત્રો કહે છે કે વિધાનસભા અધ્યક્ષનું પદ કૉન્ગ્રેસને આપી શકાય છે. ત્રણેય પક્ષોમાં પ્રધાનોના પોર્ટફોલિયોની ચર્ચા પણ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 09:23 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK