મહારાષ્ટ્ર : મરાઠાકિંગ શરદ પવારના હાથે શિવસેનાનું રાજકીય એન્કાઉન્ટર?

13 November, 2019 02:09 PM IST  |  Mumbai

મહારાષ્ટ્ર : મરાઠાકિંગ શરદ પવારના હાથે શિવસેનાનું રાજકીય એન્કાઉન્ટર?

શરદ પવાર

મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈમાં હાલમાં આખરે કોઈ ફાવી શક્યું નથી. બીજેપી, શિવસેના અને એનસીપી-કૉન્ગ્રેસ કોઈ એકબીજાની સાથે મળીને સરકાર બનાવવામાં નિષ્ફળ જતાં આખરે રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. જોકે આ તમામ રાજકીય પરિસ્થિતિમાં જે એક વાતની ચર્ચા છે એ એ છે કે મહારાષ્ટ્રની રાજનીતિના એક અચ્છા ખેલાડી મરાઠાકિંગ અને એનસીપીના સુપ્રીમો શરદ પવારે આ સમગ્ર મામલે હિન્દુવાદી શિવસેનાને બીજેપીથી અલગ પાડવામાં સફળ રહીને શિવસેનાનું રાજકીય એન્કાઉન્ટર કર્યું હોવાનું મનાઈ રહ્યું છે, કેમ કે બીજેપી અને શિવસેના વચ્ચે હાલમાં તો ‘નો યુ ટર્ન’ એટલે કે ‘પાછા વળી શકાય એમ નહીં’ જેવા સંબંધ વણસી ગયા છે.

મહારાષ્ટ્રની રાજનીતિ પર નજર રાખનારાં રાજકીય પરિબળોનું આકલન છે કે શિવસેનાએ શરદ પવાર પર વિશ્વાસ રાખીને સરકાર રચવા કૉન્ગ્રેસ સાથે મંત્રણાનાં દ્વાર ખોલ્યાં હતાં. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર રચવા આમંત્રિત કર્યા ત્યારે તેમની પાસે એનસીપી અને કૉન્ગ્રેસના સમર્થનવાળા પત્રો નહોતા. એનસીપીએ પત્ર તૈયાર રાખ્યો હોવાનું મનાય છે, પણ કૉન્ગ્રેસનો ટેકાવાળો પત્ર વિલંબથી મળે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું મનાય છે.

તેઓ કહે છે કે સોનિયા ગાંધી શરદ પવાર સાથે સંપર્કમાં હતા. શિવસેનાને રાજ્યપાલે બોલાવી ત્યારે કહેવાય છે કે સોનિયાએ પવારનો સંપર્ક કરીને જાણવા માગ્યું કે ‘કેવી સ્થિતિ છે’ ત્યારે તેમને કહેવામાં આવ્યું કે ‘હજુ નક્કી નથી.’ પરિણામે કૉન્ગ્રેસના ટેકાવાળો પત્ર સત્વર ન મળતાં શિવસેનાએ વધુ સમય માગ્યો જેનો રાજ્યપાલે ઇનકાર કરતાં શિવસેનાની બાજી બગડી ગઈ હતી.

રાજકીય પરિબળો કહે છે કે રાજ્યપાલે એનસીપીને પણ ૨૪ કલાકનો સમય આપ્યો હતો અને આજે મંગળવારે રાતે ૮.૩૦ વાગ્યા સુધીનો સમય હોવા છતાં એનસીપીએ સવારે રાજભવનને જાણ કરીને વધુ સમય માગ્યો અને રાજ્યપાલને જે જોઈતું હતું એ મળી ગયું અને કોઈ પક્ષ સરકાર બનાવી શકવાની સ્થિતિમાં નથી એમ કહીને રાષ્ટ્રપતિશાસન લાદવાની ભલામણ કરતાં બીજેપીને સત્તાથી દૂર રાખવાની શિવસેનાની વ્યૂહરચના સફળ થઈ શકી નથી. પરિબળોના મતે એનસીપી પાસે રાતે ૮.૩૦ વાગ્યા સુધીનો પૂરતો સમય હતો છતાં સવારે જ વધુ સમય માગવા પાછળની રણનીતિ અયોગ્ય કહી શકાય. એનસીપી રાતે વધુ સમય માગી શકી હોત, પરંતુ એને બદલે સવારે જ સમય માગીને પોતે તો સરકાર ન બનાવી અને શિવસેના પણ સત્તાથી વંચિત રહી ગઈ છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં પાંચ વર્ષ બીજેપી અને શિવસેનાની દોસ્તી માત્ર કાગળ પર જ હતી. બન્ને હિન્દુવાદી પક્ષો એનસીપીને ફાવવા દેતા નથી. પરિણામે કહેવાય છે કે એનસીપીએ બીજેપી અને શિવસેના વચ્ચે એવા સંબંધ વણસે કે એને સુધરતાં વર્ષો લાગે અને શિવસેના રાજકીય રીતે નબળી પડે એવી કોઈ ગણતરી સાથે શરદ પવારે રાજ્યપાલે પૂરતો સમય આપ્યા છતાં વધુ સમય માગીને રાજ્યપાલ માટે રાષ્ટ્રપતિશાસનના દરવાજા ખોલવાનો માર્ગ મોકળો કરી આપવાની ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

sharad pawar mumbai news nationalist congress party congress shiv sena bharatiya janata party