મહાને પગલે મહારાષ્ટ્ર, ગોવાના ભાગોમાં 7 નવેમ્બર સુધી વરસાદની શક્યતા

06 November, 2019 11:48 AM IST  |  Mumbai

મહાને પગલે મહારાષ્ટ્ર, ગોવાના ભાગોમાં 7 નવેમ્બર સુધી વરસાદની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

વિનાશક ચક્રવાતી વાવાઝોડા ‘મહા’ને કારણે કોંકણના દરિયાકાંઠાના વિસ્તાર, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના ભાગો તથા ગોવામાં આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. ‘મહા’ વાવાઝોડું ૭ નવેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે દીવ પર ત્રાટકે એવી સંભાવના છે.

‘મહા’ પૂર્વ-મધ્ય અને પશ્ચિમી-મધ્ય અરબી સમુદ્રમાં આકાર પામી રહ્યું હોવાનું હવામાન ખાતાના એક અધિકારીએ જણાવતાં ઉમેર્યું હતું કે વાવાઝોડું ઝડપથી પૂર્વ-ઈશાન તરફ આગળ વધીને ધીમું પડે એવી શક્યતા છે.

‘ચક્રવાતી વાવાઝોડાને પગલે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગોવા અને કોંકણના ભાગોમાં સાતમી નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાનાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વાવાઝોડું અને વીજળી થઈ શકે છે’ તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અયોધ્યા વિવાદના ચુકાદા પૂર્વે જડબેસલાક પોલીસ બંદોબસ્ત

‘મહા’ ૭૦-૮૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને પોરબંદરની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને ઝપેટમાં લે એવી શક્યતા છે. ગુરુવારે મળસ્કે વાવાઝોડાની ગતિ વધીને ૯૦ કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે એમ હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news maharashtra goa mumbai rains