દેવેન્દ્ર ફડણવીસની ઉદ્ધવ ઠાકરેને ફિફ્ટી - ફિફટીની ઑફર?

04 November, 2019 09:11 AM IST  |  મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસની ઉદ્ધવ ઠાકરેને ફિફ્ટી - ફિફટીની ઑફર?

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં આગામી સરકાર સ્થાપવા માટે બીજેપીએ શિવસેનાને સમાન પોર્ટફોલિયો આપવાની ઑફર કરી હોવાનું જાણવા મળ્યું હતું. ઑફરને જોઈને શિવસેના પણ અઢી વર્ષ શિવસેનાના મુખ્ય પ્રધાનપદની માગણી બાબતે નરમ પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ચૂંટણીના પરિણામ બાદ પહેલી વખત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને નવી ફૉર્મ્યુલાની ઑફર કરી હતી.

બીજેપીની ઑફર મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં એક કૅબિનેટ પ્રધાન અને એક રાજ્યકક્ષાના પ્રધાનપદની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં પણ સત્તામાં ૫૦-૫૦ ટકા ભાગીદારીની માગણી શિવસેનાએ કરી છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ શનિવારે મોડી રાતે બન્ને પક્ષ વચ્ચે આ બાબતે વાતચીત થઈ હતી. જોકે ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ હજી સુધી બન્ને પક્ષ વચ્ચે સત્તાવાર રીતે આગામી સરકાર અને મંત્રાલયો વચ્ચે કોઈ વાતચીત જાહેર નથી થઈ, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે પાછલે દરવાજેથી ઉદ્ધવ ઠાકરે સાથે વાટાઘાટ કરી લીધી છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ દેવેન્દ્ર ફડણવીસના દૂતે બીજેપીની લેટેસ્ટ ઑફર બાબતે ઉદ્ધવ ઠાકરેના ઘરે જઈને વાતચીત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ આ ઑફરના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે આ બાબતે વાતચીત કરવાની તૈયારી દાખવી હતી જેથી આગામી બે દિવસમાં બન્ને પક્ષના વરિષ્ઠોની બેઠક થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલાં બીજેપીએ શિવસેનાને એક ઑફર આપી હતી. નવી સરકારમાં બીજેપી મુખ્ય પ્રધાનપદની સાથે ૨૬ પ્રધાનપદ રાખશે અને શિવસેનાને નાયબ મુખ્ય પ્રધાનપદની સાથે ૧૩ પ્રધાનપદની વાત હતી. શિવસેનાએ આ ઑફર ફગાવી દેવાથી શનિવારે ૫૦-૫૦ની ફૉર્મ્યુલાની નવી ઑફર આપી હોવાનું કહેવાય છે.

બહુ જલદી સરકાર રચાશે : દેવેન્દ્ર ફડણવીસ

પાછોતરા વરસાદને લીધે ખેડૂતોને થયેલા નુકસાનનો ક્યાસ લગાવવા ગઈ કાલે અકોલાની મુલાકાતે ગયેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તારોમાં લીલો દુકાળ પડવાથી ખેડૂતોને ઘણું નુકસાન થયું છે, પરંતુ તેમણે બહુ ચિંતિત થવાની જરૂર નથી. સરકાર તેમની સાથે છે અને એક-એક ખેડૂતને થયેલા નુકસાનનું વળતર અપાશે. આ સમયે તેમણે રાજ્યમાં ટૂંક સમયમાં નવી સરકારની સ્થાપના થવાનું પણ કહ્યું હતું.

uddhav thackeray devendra fadnavis bharatiya janata party shiv sena mumbai news