નવી ગવર્મેન્ટના હાથમાં 40,000 કરોડ ન જાય એ માટે સરકાર રચવા ડ્રામા કરાયો

03 December, 2019 12:21 PM IST  |  Mumbai

નવી ગવર્મેન્ટના હાથમાં 40,000 કરોડ ન જાય એ માટે સરકાર રચવા ડ્રામા કરાયો

અનંત કુમાર હેગડે

ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડેનો દાવો છે કે મહારાષ્ટ્રમાં બીજેપીએ ફડણવીસને ૪૦,૦૦૦ કરોડનું ફંડ બચાવવા માટે મુખ્ય પ્રધાન બનાવીને ડ્રામા કર્યો. અનંત કુમાર હેગડેએ કહ્યું કે તમે બધા જાણો છે કે મહારાષ્ટ્રમાં અમારો માણસ (ફડણવીસ) ૮૦ કલાક માટે મુખ્ય પ્રધાન બન્યો અને ત્યાર બાદ રાજીનામું આપી દીધું. તેમણે આ નાટક કેમ કર્યું? શું અમને નથી ખબર કે અમારી પાસે બહુમત નહોતો અને પછી પણ તેઓ સીએમ બન્યા. આ એ પ્રશ્ન છે જે દરેક જણ પૂછે છે.

હેગડેએ કહ્યું કે સીએમની પાસે લગભગ ૪૦,૦૦૦ કરોડની કેન્દ્રની રકમ હતી. જો કૉન્ગ્રેસ, એનસીપી અને શિવસેના સત્તામાં આવ્યા હોત તો ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો દુરુપયોગ કરત. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારના આ રૂપિયાને વિકાસ માટે ઉપયોગમાં ન લેવામાં આવી શકે. આ માટે ડ્રામા કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે ઘણા પહેલાંથી બીજેપીની આ યોજના હતી. આ કારણે એ નક્કી કરવામાં આવ્યું કે એક નાટક થવું જોઈએ અને આ અંતર્ગત દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા.

અનંત હેગડેએ કહ્યું કે શપથ લીધાના ૧૫ કલાકની અંદર ફડણવીસે તમામ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાને એ જગ્યા પર પહોંચાડી દીધા જ્યાંથી એ આવ્યા હતા. આ રીતે ફડણવીસે તમામ પૈસા કેન્દ્ર સરકારને પાછા આપીને બચાવી લીધા. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સત્તા બનાવવાની ખેંચતાણ સમયે જોરદાર ડ્રામા થયો હતો જેમાં દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના અજિત પવારના સમર્થનથી સરકાર બનાવી લીધી હતી અને ફરી વાર મુખ્ય પ્રદાન બન્યા હતા.

હેગડેનું નિવેદન ખોટું, એને હું ફગાવું છું : ફડણવીસની સ્પષ્ટતા

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું કે આ નિવેદન ખોટું છે અને હું એને ફગાવું છું. બુલેટ ટ્રેન કેન્દ્ર સરકારની સહાયતાથી તૈયાર થઈ રહી છે અને આમાં મહારાષ્ટ્ર સરકારની ભૂમિકા ફક્ત ભૂમિ અધિગ્રહણ સુધી સીમિત છે. ફડણવીસે કહ્યું કે ના, કેન્દ્રએ મહારાષ્ટ્ર પાસેથી કોઈ રૂપિયા માગ્યા છે, ના, કેન્દ્રએ મહારાષ્ટ્રને કોઈ રૂપિયા આપ્યા છે. મારા મુખ્ય પ્રધાન રહેતા અથવા કાર્યવાહક મુખ્ય પ્રધાન હોવા દરમ્યાન આવો કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. સરકારનું નાણાં મંત્રાલય આની તપાસ કરે અને સત્ય લોકોની સામે લાવે.

૪૦,૦૦૦ કરોડ પાછા મોકલીને મહારાષ્ટ્રની પ્રજા સાથે દગો કર્યો : સંજય રાઉત

કેન્દ્ર સરકારે આપેલા ૪૦,૦૦૦ કરોડ પાછા આપવા માટે દેવેન્દ્ર ફડણવીસ ૮૦ કલાક માટે મુખ્ય પ્રધાન બન્યા હતા એવા બીજેપી સંસદસભ્ય અનંત કુમાર હેગડેના વિધાનનો પડઘો પાડતાં શિવસેનાના સંજય રાઉતે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની પ્રજા સાથે દગાબાજી કરી કહેવાય.

કેન્દ્રે આપેલી રકમ રાજ્યના લોકોના વિકાસ માટે હતી, કોઈની અંગત મિલકત નહોતી. એ રકમ રાજ્યના વિકાસ માટે રહેવા દેવાને બદલે ફડણવીસે દિલ્હી પાછી મોકલી આપી એ રાજ્યના લોકો સાથે કરેલી દગાબાજી ગણાય એમ સંજય રાઉતે કહ્યું હતું.
ફડણવીસના આ નિર્ણયની રાઉતે આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ વાત સાબિત કરે છે કે બીજેપી અમારી સાથે રમત રમી રહી હતી. અમે છેક છેલ્લી ઘડી સુધી સમાધાનકારી વલણ રાખ્યું હતું, પરંતુ બીજેપીએ છાનેછપને પોતાની રમત રમ્યે રાખી હતી.

mumbai news devendra fadnavis sanjay raut bharatiya janata party shiv sena congress