કૉન્ગ્રેસ-એનસીપીએ શિવસેનાને હજી સુધી ટેકો આપવાનો નિર્ણય નથી લીધો

13 November, 2019 02:00 PM IST  |  Mumbai

કૉન્ગ્રેસ-એનસીપીએ શિવસેનાને હજી સુધી ટેકો આપવાનો નિર્ણય નથી લીધો

હમ સાથ સાથ હૈં - વાય. બી. ચવાણ ઑડિટારિયમમાં એનસીપી અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતાઓએ મીટિંગ હાથ ધર્યા બાદ બન્ને પક્ષના નેતાઓએ પત્રકાર-પરિષદને સંબોધી હતી. એનસીપીના વડા શરદ પવાર સાથે કૉન્ગ્રેસના નેતા એહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, વેણુગોપાલ અને અન્ય કૉન્ગ્રેસના તથા એનસીપીના નેતાઓ હાજર રહ્યા હતા. ‘ભલે બીજેપી-શિવસેનામાં મુખ્ય પ્રધાનપદ માટે ડખો થયો હોય, પણ અમે તો સાથે જ રહીશું’ એવો સ્પષ્ટ સંકેત એનસીપી-કૉન્ગ્રેસના નેતાઓએ પત્રકાર-પરિષદ સંબોધી ત્યારે વર્તાયો હતો.

મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતે શિવસેનાએ સોમવારે જ સંપર્ક સાધ્યો હોવાથી અમે મુંબઈ આવ્યા છીએ એથી એની સાથે સરકાર બનાવવાનો અમે કોઈ નિર્ણય લીધો ન હોવાનું તથા એ વિશે એનસીપી સાથે ચર્ચા કરીશું એવી સ્પષ્ટતા ગઈ કાલે કૉન્ગ્રેસે કરી હતી. કેટલાક મુદ્દા ક્લિયર થયા બાદ જ શિવસેના સાથે આ મામલે ચર્ચા કરીને આગળનું પગલું ભરવાનું પણ કૉન્ગ્રેસના નેતા એહમદ પટેલે કહ્યું હતું.

શિવસેનાને ટેકો આપવા બાબતે ગઈ કાલે કૉન્ગ્રેસ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓની યશવંતરાવ ચવાણ સેન્ટરમાં દોઢ કલાક બેઠક ચાલી હતી. આ બેઠકમાં શરદ પવાર, એહમદ પટેલ, મલ્લિકાજુર્ન ખડગે, પૃથ્વીરાજ ચવાણ, અશોક ચવાણ, માણિકરાવ ઠાકરે, પ્રફુલ પટેલ, અજિત પવાર, જયંત પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ બન્ને પક્ષની સંયુક્ત પત્રકાર-પરિષદમાં તેમણે કરેલા નિર્ણયનું નિવેદન પ્રફુલ પટેલે વાંચ્યું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પહેલી વાર કૉન્ગ્રેસના હાઈ કમાન્ડ સાથે ફોન પર વાત કરીને સમર્થન માગ્યું હતું એથી અમે તાત્કાલિક મુંબઈ દોડી આવ્યા છીએ. અમારા તરફથી જરાય મોડું નથી થયું.

શિવસેના સાથે જોડાણ કરતાં પહેલાં અમે એનસીપી સાથે ચર્ચા કરીને કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરવાની અને કૉમન મિનિમમ કાર્યક્રમ વિશેનો નિર્ણય લેવાનો હતો એટલે અમે પહેલાં મળ્યા હતા. એહમદ પટેલે કહ્યું હતું કે બન્ને કૉન્ગ્રેસની સહમતી સધાયા બાદ જ શિવસેના સાથે જવું કે નહીં એનો નિર્ણય લઈશું.

આ પણ વાંચો : BJPએ સંબંધ તોડ્યો, અમે નહીં, કૉન્ગ્રેસ-NCP સાથે વાત ચાલુ : ઉદ્ધવ ઠાકરે

શરદ પવારે કહ્યું હતું કે ‘રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરાવી દેવામાં આવ્યું હોવાથી અમને સરકાર બનાવવા માટે કોઈ ઉતાવળ નથી. રાજ્યપાલે અમને ખૂબ સમય આપ્યો છે. કૉન્ગ્રેસ-એનસીપી સાથે ચૂંટણી લડ્યા હતા. અમે મળીને એજન્ડા તૈયાર કર્યો હતો. એથી શિવસેના શું વિચારે છે એ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને જ આગળનો નિર્ણય લઈશું.’

sharad pawar mumbai news congress nationalist congress party shiv sena