યુવાનોને ટક્કર મારે એવી ફિટનેસ છે ૮૪ વર્ષના આ દાદાની

13 August, 2026 08:19 AM IST  |  Mumbai | Varsha Chitaliya

જીવનના ૬ દાયકા પછી યોગ શીખવાની શરૂઆત કરનારા પાલઘરના ભોગીલાલ વીરા ઉંમરના આ પડાવે કઠિન આસનો કરી શકે છે. તેમની પાસે જૂની ચલણી નોટો, સિક્કાઓ, તાળાં, પોસ્ટલ સ્ટૅમ્પ અને કૅલેન્ડર જેવી ઍન્ટિક વસ્તુઓનો ખજાનો છે

ભોગીલાલ વીરા

ઉંમર માત્ર એક આંકડો છે. આ વાક્ય આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પરંતુ પાલઘરના ૮૪ વર્ષના ભોગીલાલ વીરા એને રોજિંદા જીવનમાં સાચું સાબિત કરી રહ્યા છે. ઉંમરના આ પડાવે શિસ્તબદ્ધ અને હકારાત્મક અભિગમ સાથે તેઓ પ્રવૃત્તિમય જીવન જીવે છે. તેમનો દિવસ કોઈ યુવાન કરતાં ઓછો વ્યસ્ત નથી. સવારે પાંચ વાગ્યે યોગસાધનાથી તેમનો દિવસ શરૂ થાય. રેડીમેડ ગાર્મેન્ટ્સનો બિઝનેસ સંભાળે, સમાજસેવાનાં કાર્યો કરે, મરાઠી ભાષામાં કાવ્યો લખે અને રાત્રે ૧૧ વાગ્યે ગઝલ સાંભળતાં સૂઈ જાય. ઍન્ટિક ચીજવસ્તુઓનો સંગ્રહ કરીને તેમણે ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ પણ કર્યો છે. ફુલ ઍક્ટિવ રહેતા આ વડીલની વાતો સાંભળીને પણ રીચાર્જ થઈ જવાય. 

ભોગીલાલદાદા તેમના કલેક્શન સાથે.

શિસ્તબદ્ધ જીવનશૈલી
વૃદ્ધાવસ્થામાં સ્નાયુઓ નબળા પડી જતાં ડૉક્ટરો હળવી કસરત સૂચવે છે; જ્યારે ભોગીલાલભાઈ વૃશ્ચિકાસન, સર્વાંગાસન, હલાસન જેવાં અઘરાં આસનો પણ સરળતાથી કરે છે. હાડકાં તૂટવાનો ડર નથી લાગતો? આ પ્રશ્નનો જવાબ આપતાં ભોગીલાલભાઈ હસી પડે છે. તેઓ કહે છે, ‘ઉંમર વધે એટલે શરીરની ગતિ ધીમી પડી જાય એ માન્યતા ખોટી છે. શાળાજીવનમાં વ્યાયામ અને મલખંભ કરતો. જોકે ત્યાર બાદ ૬૦ વર્ષની ઉંમર સુધી ફિટનેસ માટે ખાસ કંઈ કર્યું નથી. હા, નિરાંતના સમયે યોગનાં પુસ્તકો વાંચવા ગમતાં. કેળવેમાં નિકમ ગુરુજી સંચાલિત અને અજિતભાઈ પેજાવરની અધ્યક્ષતામાં અંબિકા યોગ સેવા કેન્દ્ર શરૂ થયું. આ કેન્દ્ર મફતમાં યોગ શીખવે છે. મને થયું જઈને જોઉં શું કરાવે છે. અઠવાડિયે એક વાર એમ ૧૬ રવિવારનો કોર્સ હતો. પહેલા સેશનથી જ રસ પડ્યો. કોર્સ પૂરો થતાં સુધીમાં અઘરાં આસનો કરવા લાગ્યો. ૨૪ વર્ષથી કેન્દ્ર સાથે જોડાયેલો છું. દર રવિવારે સવારે આઠથી ૧૦ કઠિન આસનો કરીને બતાવું છું. શરીરને વાળવામાં બિલકુલ તકલીફ નથી પડતી. મને જોઈને યુવાનો પ્રેરણા લે છે.’

ઍન્ટિક આઇટમોનો સંગ્રહ
વ્યસ્ત જીવન વચ્ચે ભોગીલાલભાઈ પોતાના શોખ માટે પણ સમય કાઢે છે. તેમની પાસે જૂના સિક્કાઓ, પેપર નોટો, પોસ્ટલ સ્ટૅમ્પ અને પ્રાચીન તાળાં-ચાવીઓનું અનોખું કલેક્શન છે. ૧૯૩૭થી ૧૯૩૯ના સમયગાળાનાં જૂનાં કૅલેન્ડરોનો સંગ્રહ છે જે આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે. સમયાંતરે પાલઘરમાં ઍન્ટિક વસ્તુઓનું પ્રદર્શન યોજે છે, જેથી આજની પેઢી એને જોઈ શકે. તેઓ કહે છે, ‘બાપુજીની રંગૂનમાં દુકાન હતી. એ જમાનામાં ગોદરેજ, ઝંડુ,  હિન્દુસ્તાન લીવરના સનલાઇટ સાબુનાં કૅલેન્ડર આવતાં. જુલાબ બંધ થાય એ માટે કેસ્ટોફીન ટૅબ્લેટ આવતી, એનાં પણ બે કૅલેન્ડર છે. લાકડાની પટ્ટીથી બનાવેલાં કૅલેન્ડરો હજી સાચવી રાખ્યાં છે. એ જમાનામાં ચાંદી અને તાંબાના સિક્કાઓ ચલણમાં હતા. જૂના સિક્કાઓ અને 

પેપર-નોટોનો સંગ્રહ છે. જૂનાં તાળાં અને ચાવીઓ સહિત અનેક ઍન્ટિક વસ્તુઓનું કલેક્શન છે. મારી પાસે બે ઍન્ટિક કાચની બૉટલ છે, જેમાં બૉટલના તળિયે મીણ નાખી લાકડી ઉતારવામાં આવી છે. તારમાં મોતી પરોવી ગોળ-ગોળ ફૅરવીને બૉટલમાં ઉતારી છે. એક બૉટલ મારી બાએ બનાવી હતી અને બીજી રંગૂનથી ખરીદી હતી. વિવિધ દેશો અને સમયગાળાની પોસ્ટલ સ્ટૅમ્પ્સનો ખજાનો છે. યુવાનીથી જ ફિલાટેલિક (સ્ટૅમ્પસંગ્રહ) પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. મુંબઈની જનરલ પોસ્ટ ઑફિસ (GPO)ના ફિલાટેલિક વિભાગનો સભ્ય હોવાના લીધે જ્યારે સ્ટૅમ્પ બહાર પડે ત્યારે મને મળતી. પરિણામે દાયકાઓ જૂની અને દુર્લભ ટપાલટિકિટોનો સંગ્રહ થઈ ગયો.’

પારિવારિક જીવન

મૂળ કચ્છ જિલ્લાના દેશલપુર (કંઠી) ગામના કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન ભોગીલાલભાઈનો જન્મ અને ઉછેર પાલઘર જિલ્લાના સફાળેમાં થયો છે. ૧૯૪૨માં યુદ્ધ અને કચ્છમાં દુકાળ પડતાં ખેતીવાડીનો ધંધો મૂકી તેમના બાપુજી કમાવા રંગૂન ગયા અને પરિવારને મહારાષ્ટ્રમાં સ્થાયી કર્યો. બર્મા (હાલનું મ્યાનમાર)માં તેમની કરિયાણાની દુકાન હતી. સમસ્ત જીવન પાલઘરમાં વિતાવનારા ભોગીલાલદાદાના પરિવારમાં બે પુત્રો, પુત્રવધૂઓ અને બે પૌત્રો છે. પત્ની શાંતાબહેનનું ૨૦૧૨માં હાર્ટફેલના કારણે અવસાન થયું હતું. પાલઘર અને સફાળેમાં તેમની રેડીમેડ ગાર્મેન્ટ‍્સની દુકાન છે. મોટા દીકરા બકુલેશની લોહારચાલમાં દુકાન હોવાથી બોરીવલીમાં રહે છે. નાનો દીકરો પંકજ અને તેમનો પરિવાર પપ્પા સાથે પાલઘરમાં રહે છે. 

mumbai news mumbai gujarati community news gujaratis of mumbai palghar Varsha Chitaliya