20 May, 2026 07:09 AM IST | Mumbai | Mehul Jethva
AI ઇમેજ
ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા ૭૭ વર્ષના કચ્છી વકીલને સાઇબર ગઠિયાઓએ પોતાની જાતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખાવીને ડિજિટલ અરેસ્ટ કરીને ઑનલાઇન સુપ્રીમ કોર્ટમાં હાજર કરવાના બહાને તેમની આજીવન મૂડી સમાન પચાસ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ મામલે ઈસ્ટર્ન સાઇબર સેલે સોમવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે જ પોલીસે નાગરિકોને ફરી અપીલ કરી છે કે ડિજિટલ અરેસ્ટ જેવું કાયદાકીય રીતે કંઈ જ હોતું નથી એટલે આવા સ્કૅમથી સતર્ક રહેવું અને જો કોઈ આવી છેતરપિંડીનો શિકાર બને તો તાત્કાલિક નજીકના પોલીસ-સ્ટેશન અથવા સાઇબર સેલનો સંપર્ક કરવો.
કચ્છી વકીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ મેએ મને વિજય ખન્ના નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે તે દિલ્હીથી ED ઑફિસમાંથી બોલે છે અને દિલ્હીની કૅનેરા બૅન્કમાં મારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક બૅન્ક-ખાતું ખોલવામાં આવ્યું છે જેમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ છે તથા આ કેસમાં સુપ્રીમ કોર્ટે તમારી ધરપકડનો આદેશ આપ્યો છે. આમ કહીને મુંબઈની EDની ટીમ મારા ઘરે આવીને મારી ધરપકડ કરશે એવી માહિતી આપવામાં આવી હતી. તેણે આવું કહેતાં હું ખૂબ જ ડરી ગયો હતો. ત્યાર બાદ બે દિવસ સુધી વૉટ્સઍપ પર સંદીપ યાદવ અને પોતાની જાતને EDના ડિરેક્ટર ઓળખાવતા રાહુલ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો મોકલીને મારો વિશ્વાસ જીત્યો હતો.’
બોગસ સુપ્રીમ કોર્ટમાં ઑનલાઇન કાર્યવાહી
કચ્છી વકીલે આ વિશે વધુ વિગત આપતાં કહ્યું હતું કે ‘મેં જ્યારે મારા દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા EDના ડિરેક્ટર તરીકે ઓળખ આપતા રાહુલ ગુપ્તા સામે કરી ત્યારે તેણે મને વૉટ્સઍપ પર ઑનલાઇન સુપ્રીમ કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યાં જજનાં કપડાં પહેરીને એ જ રીતે બેસેલી એક વ્યક્તિએ તાત્કાલિક મારી ધરપકડ કરવાનો નિર્દેશ રાહુલ ગુપ્તાને આપ્યો હતો. જોકે એ સમયે રાહુલ ગુપ્તાએ મારો બચાવ કરીને હું નિર્દોષ છું એવી રજૂઆત જજ સામે કરી હતી. એનાથી ઉશ્કેરાઈને જજે મારી તમામ સંપત્તિ જપ્ત કરીને એની તપાસ કરવાનો આદેશ આપી દીધો હતો.’
વાયદો કરીને પૈસા પડાવી લીધા
કચ્છી વકીલે વધુ વિગત આપતાં કહ્યું હતું કે ‘રાહુલ ગુપ્તાએ કોર્ટમાં કેસ સેટલ કરવાના બહાને અને તપાસ બાદ પૈસા પાછા મળી જશે એવું કહીને મારી તમામ સંપત્તિની વિગતો માગી હતી. તેણે ધમકી આપી હતી કે જો હું તાત્કાલિક પૈસા નહીં મોકલું તો મારા જીવને જોખમ થઈ શકે છે. એથી જીવના ડર અને કાયદાકીય કાર્યવાહીથી ગભરાઈને મેં બૅન્કમાં રહેલી મારી ૫૦ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડીને પૈસા આરોપીઓએ આપેલાં બૅન્ક-ખાતાંમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા ટ્રાન્સફર કર્યા પછી મેં રાહુલ ગુપ્તાને ફોન કર્યો ત્યારે તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. એટલે મારી સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં હું પોલીસ-સ્ટેશને પહોંચ્યો હતો. ત્યાં મારી સાથે સાઇબર ફ્રૉડ થયું હોવાની માહિતી મને મળી હતી.’
શું કહેવું છે પોલીસનું?
ઈસ્ટર્ન સાઇબર સેલના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીના ખાતામાંથી જે ખાતાંમાં પૈસા ટ્રાન્સફર થયેલા એ તમામ બૅન્ક-ખાતાં અમે ફ્રીઝ કરી દીધાં છે. જોકે એ તમામ ખાતાંમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. એમ છતાં આગળનાં જે બૅન્ક-ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એની વિગત અમે કાઢી રહ્યા છીએ`