લોકલમાં કોરોના પહેલાં પ્રવાસ કરતા લોકોમાંથી ૭૦ ટકા મુસાફરો પાછા ફર્યા

22 October, 2021 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેમાં ૮૫ લાખ મુસાફરો હતા જેમાંથી અત્યારે ૬૦ લાખ પ્રવાસીઓ ટ્રાવેલ કરવા લાગ્યા છે

ફાઈલ તસવીર

મુંબઈમાં કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક મહિનાઓથી લોકોને રેલવેમાં પ્રવાસની અનુમતિ અપાઈ રહી નહોતી. ત્યાર બાદ અનેક સ્તરથી માગણી થતાં બે ડોઝ લીધેલા લોકોને મન્થ્લી પાસ સાથે પરવાનગી આપી હોવાથી ધીરે-ધીરે ટ્રેનમાં ભીડ જોવા મળી રહી છે. ત્યાર બાદ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ​વિદ્યાર્થીઓને પણ પ્રવાસ કરવાની પરવાનગી અપાઈ છે. એથી હાલમાં ટ્રેનમાં કોવિડ મહામારી પહેલાં જેવો ધસારો જોવા મળી રહ્યો છે. અંદાજે ૭૦ ટકા ધસારો મુંબઈની લાઇફ લાઇનમાં ફરી આવી ગયો છે, પરંતુ એની સામે પ્રવાસીઓને યોગ્ય સુવિધાઓ મળી રહી ન હોવાથી એને પહેલાં શરૂ કરવાની માગણી રેલવે અસોસિએશન દ્વારા કરાઈ છે.

કોરોના પહેલાં મુંબઈની લોકલમાં રોજના ૮૦ લાખ લોકો પ્રવાસ કરતા હતા, જે પહેલી લહેર બાદ લોકલ શરૂ થયેલી ત્યારે પાંચ લાખથી શરૂ થઈને ૪૦ લાખ સુધી થયા હતા. જોકે ત્યાર બાદ બીજી લહેર આવતાં ફરી એક વાર લોકલ આમ આદમી માટે બંધ કરવામાં આવી હતી. હવે જ્યારે બધું ખૂલી ગયું છે ત્યારે લોકલમાં પ્રવાસીઓની સંખ્યા ૬૦ લાખ સુધી પહોંચી ગઈ છે.

આ વિશે રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવેમાં વિવિધ કૅટેગરીના પ્રવાસીઓને તબક્કા વાર અનુમતિ અપાઈ છે. કાયદેસર પ્રવાસ કરતા પ્રવાસીઓની સાથે અન્ય ગેરકાયદે પ્રવાસ કરતા પ્રવાસીઓની પણ સંખ્યા ખાસ્સીએવી છે. હાલમાં ૭૦ ટકાથી વધુ પ્રવાસીઓ લોકલમાં પ્રવાસ કરી રહ્યા છે તેમ જ ગેરકાયદે પ્રવાસ કરી રહ્યા છે એ પાછા જુદા. જોકે સરવાળે પ્રવાસીઓની સંખ્યામાં કોવિડ મહામારીની પહેલાંની જેમ વધારો થયો છે. એને ધ્યાનમાં લઈને ૯૬ ટકા ટ્રેનસર્વિસને વધારીને ૧૦૦ ટકા કરવાની જરૂર છે. એની સાથે વધતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે લાઇનમાં અનેક સ્ટેશનોએ યોગ્ય રીતે ન ચાલતી સુવિધાઓ પર ધ્યાન આપીને એને ફરી શરૂ કરવાની ખાસ્સી જરૂર છે. અનેક સ્ટેશનો પર સ્ટેશનની લિફ્ટ, એક્સેલેટર, એન્ટ્રી ગેટ, ટૉઇલેટ, વૉટર વેન્ડિંગ મશીન જેવી અનેક સુવિધાઓ પર ધ્યાન આપીને એને શરૂ કરવાની જરૂર છે. કોવિડના સમયે સ્ટેશનોની બહાર એન્ટ્રી ગેટ બંધ કરાયા હતા અને એમાંથી અમુક એન્ટ્રી ગેટ શરૂ થયા નથી. આ ઉપરાંત રેલવે સ્ટેશનના પરિસર અને પ્લૅટફૉર્મ પર આવેલાં ટૉઇલેટની સાફસફાઈ કરીને એને શરૂ કરવાં જરૂરી છે. અનેક સ્ટેશનો પર કોવિડકાળથી આ સુવિધા બંધ હતી અને હજી પણ અનેક સ્ટેશનોએ બંધ છે. આવનારા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને ધસારો હજી વધશે એ ધ્યાનમાં રાખીને સુવિધાઓ પુન: યોગ્ય રીતે કાર્યરત કરવા વિશે જોવાની જરૂર છે.’

coronavirus covid19 mumbai mumbai news western railway central railway mumbai local train