જે પોલીસ ન કરી શકી એ ૬૨ વર્ષના ગુજરાતીએ છેતરાયા બાદ કરી દેખાડ્યું

17 May, 2022 12:17 PM IST  |  Mumbai | Mehul Jethva

અલગ-અલગ ટ્રાન્ઝૅક્શન્સમાં ૧૬.૪૦ લાખ લઈને ગુમ થઈ ગયેલા અને ફક્ત વૉટ્સઍપ કૉલની મદદથી જ લોકો સાથે સંપર્ક રાખતા જે આરોપીને કોઈ શોધી શકતું નહોતું તેને ચતુરાઈપૂર્વક શોધીને પોલીસના હવાલે કર્યો

પ્રતીકાત્મક તસવીર

મુલુંડમાં રહેતા ૬૨ વર્ષના ગુજરાતીએ દુબઈ અને કેરળ જવું હોવાથી તેમણે ઑનલાઇન ટ્રાવેલ એજન્ટ શોધ્યો હતો. તેણે પૈસા લઈને ૨૮ ટિકિટ આપી હતી. આ ટિકિટના પીએનઆર નંબર ઑનલાઇન તપાસતાં ટિકિટો બોગસ હોવાની માહિતી મળતાં તેમણે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આરોપી માત્ર વૉટ્સઍપ કૉલની મદદથી લોકો સાથે સંપર્ક રાખતો હોવાથી પોલીસ તેને પકડવામાં નિષ્ફળ જતાં તેમણે એક મહિલા સાથે મળીને આરોપીને પકડવા છટકું ગોઠવ્યું હતું. અંતે આરોપીની થાણે વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

મુલુંડ-વેસ્ટમાં એન. એસ. રોડ પરની એક સોસાયટીમાં રહેતા પુર્ણેન્દ્ર વેદાંતે આપેલી ફરિયાદ અનુસાર તેમની પત્નીનું બ્યુટિશ્યનનું કામકાજ છે. તેઓ દુબઈ અને કેરળ જવા માટે ઇન્ટરનૅશનલ ટ્રાવેલ એજન્ટની શોધમાં હતા. ત્યારે ગૂગલ પર સર્ચ કરતાં સફારી ટ્રાવેલ્સની સ્કીમ તેમને ગમી હતી. એ પછી આપેલા નંબર સંપર્ક કરતાં સંદીપ લોચાબ નામની વ્યક્તિ તેમના ઘરે આવી હતી. તેણે દુબઈ માટે ૬૦,૦૦૦ રૂપિયાનું અને કેરળ માટે ૩૬,૦૦૦ રૂપિયાનું ક્વોટેશન આપ્યું હતું. ફરિયાદીએ ૨૮ લોકોને દુબઈ લઈ જવાના હતા એટલે તેમણે ૭.૯૦ લાખ રૂપિયા અને કેરળ માટે ૮.૫૦ લાખ રૂપિયા આરોપીને અલગ-અલગ ટ્રાન્ઝૅક્શન્સમાં આપ્યા હતા. એ પછી આરોપી સંદીપે તેમને વૉટ્સઍપ પર દુબઈ જવાની ૨૮ ટિકિટ મોકલી હતી. એના નંબર ફરિયાદીએ પીએનઆર પર તપાસતાં એ ટિકિટની કોઈ માહિતી આવી નહોતી રહી એટલે તેમણે ઇન્ડિગો કંપનીમાં ફોન કરીને ટિકિટની માહિતી લીધી ત્યારે તેમને ખબર પડી કે આરોપીએ બોગસ ટિકિટો મોકલીને તેમની સાથે છેતરપિંડી કરી છે.

પુર્ણેન્દ્ર વેદાંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ અમને બોગસ ટિકિટો આપી એવી જાણ થતાં અમે તેની પાસે પૈસા માગ્યા હતા. એટલે તેણે અમને ચેક આપ્યો હતો. એ ચેક પણ બાઉન્સ થતાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી માત્ર વૉટ્સઍપ કૉલ પર જ વાત કરતો હોવાથી તેને પકડવો મુશ્કેલ હોવાનું ધ્યાનમાં આવતાં થાણેમાં રહેતી મારી ઓળખીતી એક મહિલાને આરોપી સંદીપનો સંપર્ક કરવા કહ્યું હતું. એ પછી મારી ઓળખીતી મહિલાએ સંદીપને કહ્યું હતું કે મારે મૉલદીવ્ઝ જવું છે અને મારી સાથે અન્ય નવ જણ છે તો કેટલા પૈસા થશે. એની માહિતી લેતાં આરોપીએ ૧૦ લોકોના ૧૦ લાખ રૂપિયા કહેતાં મહિલાએ કહ્યું હતું કે તમે અહીં આવો અને પૈસા લઈ જાવ. એટલે સંદીપે કહ્યું હતું કે તમે ઑનલાઇન પેમેન્ટ કરી દો. એટલે મહિલાએ કહ્યું હતું કે હું રોકડા પૈસા આપીશ, મને ઑનલાઇન પેમેન્ટ નથી ફાવતું. એ પછી આરોપી રોકડા પૈસાની લાલચમાં થાણેમાં આવ્યો હોવાની માહિતી ફરિયાદીને મળતાં તેમણે મુલુંડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને સિવિલ ડ્રેસમાં બે પોલીસ અધિકારીઓને લઈ જઈને આરોપીને પકડાવ્યો હતો.’

મુલુંડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી પર વિરાર અને સાકીનાકા સાથે અન્ય બે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે. એમાંનું એક પોલીસ સ્ટેશન આરોપીને પકડવા માટે દિલ્હી પણ ગયું હતું, પણ ત્યાં આરોપી મળ્યો નહોતો.’

mumbai mumbai news whatsapp mulund mehul jethva