ઘરના ત્રણ જણ કોરોના પૉઝિટિવ હોય અને છ વર્ષનો બાળક હેરપિન ગળી જાય ત્યારે શું થાય?

08 April, 2021 12:56 PM IST  |  Mumbai | Urvi Shah Mestry

આનો જવાબ અગિયાર દિવસની ધીરજ રાખનાર બોરીવલીનો શાહ પરિવાર આપી શકશે. કૃણાલ શાહને વિદેશના ડૉક્ટરોએ ઑપરેશન કરીને પિન કઢાવી લેવા કહ્યું, પણ કેળા, શીરો અને ઘી જેવી દેશી દવાએ કામ કરી દેખાડ્યું

૬ વર્ષનો અર્હમ અને નીકળી આવેલી હેરપિન તેમ જ એક્સ-રે માં દેખાતી હેરપિન

બોરીવલીમાં રહેતો ૬ વર્ષનો અર્હમ શાહ ટીવીમાં કાર્ટૂન જોતાં-જોતાં હેરપિન ગળી ગયો હતો જે અગિયાર દિવસે એટલે મંગળવારે બપોરે બાર વાગ્યે ટૉઇલેટ ગયો ત્યારે બહાર નીકળી હતી. મંગળવારે અર્હમના પપ્પા કૃણાલ શાહને તેમના જન્મદિવસે અર્હમના પેટમાંથી પિન નીકળી જતાં મોટી ગિફ્ટ મળી હતી. એની સાથે પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને ભગવાનનો આભાર માન્યો હતો.

અર્હમ જીવદયાપ્રેમી છે અને સવારે કબૂતરને ચણ તથા કૂતરાને બિસ્કિટ વગેરે ખાવાનું નાખ્યા બાદ બ્રશ કરે છે એમ જણાવીને અર્હમના દાદા મનોજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૩ માર્ચના દિવસે હું અને મારી પત્ની નવનીત હૉસ્પિટલમાં ક્વૉરન્ટીન હતાં. અર્હમની મમ્મી અમારા ઘરની એક રૂમમાં ક્વૉરન્ટીન હતી, જ્યારે અર્હમના પપ્પા, અર્હમ અને મારી નાની પૌત્રી હૉલમાં રહેતાં હતાં. મારો દીકરો અર્હમ અને પૌત્રીનું ધ્યાન રાખતો હતો. ત્યારે અર્હમ બહાર ક્યાંય જઈ ન શકતાં ઘરમાં બેસીને ૨૬ માર્ચે ટીવી જોઈ રહ્યો હતો. તેના હાથમાં ક્યાંકથી હેરપિન આવી હશે એટલે તે કાર્ટૂન જોતાં-જોતાં હેરપિન ચાવતો હતો ત્યારે કાર્ટૂનમાં કોઈ એક સીન આવતાં એક્સાઇટમેન્ટમાં તે હેરપિન ગળી ગયો હતો. પિન ગળી ગયા બાદ તે તરત તેના પપ્પા પાસે ગયો અને હેરપિન ગળી જવાની વાત કરી. ત્યારે પહેલાં તો મારા દીકરાને લાગ્યું કે અર્હમ મજાક કરે છે, પરંતુ વારંવાર કહેતાં અર્હમના પેટનો અૅક્સ-રે કઢાવ્યો તો એમાં હેરપિન દેખાઈ આવી હતી.’

અર્હમના દાદા મનોજ શાહે વધુમાં કહ્યું હતું કે ‘સાઉથ આફ્રિકા, યુકે, યુએસના ડૉક્ટરોએ તો સર્જરી કરવા કહ્યું હતું. જોકે ઇન્ડિયાના ડૉક્ટરોએ અમને અર્હમને કેળાં, શીરો અને ઘી ખવડાવવાનું કહ્યું હતું. અમે પણ ધીરજ રાખીને અર્હમને રોજ ૩થી ૪ કેળાં, ઘી વગેરે ખવડાવતા અને રોજ મારો દીકરો કૃણાલ અર્હમની પોટી કાગળમાં લઈને ચેક કરતો. એકાંતરે દિવસે અમે અર્હમનો ઍક્સ-રે કઢાવતા. એમ કરતાં ૧૧ દિવસ થઈ ગયા અને અગિયારમા ​દિવસે એટલે કે મંગળવારે બપોરે ૧૨ વાગ્યે અર્હમની પોટી ચેક કરતાં એમાંથી હેરપિન મળી આવી હતી. પિન નીકળી જવાથી અમે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો અને કાલના દિવસે ડબલ સેલિબ્રેશન કર્યું હતું, કેમ કે કાલે મારા દીકરા કૃણાલનો જન્મદિવસ હતો. તેના જન્મદિવસે અર્હમના પેટમાંથી હેરપિન નીકળી જતાં તેને સૌથી મોટી ગિફ્ટ મળી હતી.’

coronavirus covid19 mumbai mumbai news borivali urvi shah-mestry