19 July, 2024 12:40 PM IST | Mumbai | Bakulesh Trivedi
ભાવેશ શેઠ
મિત્રએ કહ્યું કે દિલનો સારો અને ચોખ્ખો માણસ હતો, નીતિમાં માનનારો હતો
નાગદેવીની બૉલબેરિંગ માર્કેટમાં વર્ષોથી બૉલબેરિંગનો ધંધો કરતા ૫૮ વર્ષના ભાવેશ શેઠે દેવું થઈ જતાં બુધવારે સી-લિન્ક પરથી સુસાઇડ કરતાં પહેલાં ૫૦ ટકા કરતાં વધુ દેવું તો ચૂકવી દીધું હતું. એમ છતાં ભીડમાં આવીને તેમણે આ પગલું અમલમાં મૂક્યું એ પહેલાં દીકરાને જાણ કરી દીધી હતી. તેમણે દીકરા સ્મિતને ફોન કરીને કહ્યું કે હું સી-લિન્ક પર છું અને સુસાઇડ કરી રહ્યો છું. ત્યારે પિતાની અવસ્થા જાણી ગયેલા સ્મિતે તેમને રોકવા કહ્યું કે જરા થોભી જાઓ, હું એક મિનિટ મામા સાથે વાત કરી લઉં. એમ કહીને તેણે સમય પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હતાશામાં ડૂબી ગયેલા ભાવેશ શેઠે તેને છેલ્લે બાય કહીને ફોન કાપી નાખ્યો હતો. એ પછી તેમની પાસેની ફોન, પર્સ વગેરે ચીજો ત્યાં જ મૂકી દરિયામાં ઝંપલાવીને જીવનનું ધી એન્ડ કરી દીધું હતું.
ભાવેશ શેઠે કરેલી આત્મહત્યાને કારણે નાગદેવીની બૉલબેરિંગ માર્કેટમાં ગમગીની છવાઈ ગઈ હતી. માર્કેટમાં જ કામ કરતા તેમના નજીકના મિત્રે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાવેશ દિલનો સારો અને ચોખ્ખો માણસ હતો. તે નીતિમાં માનનારો હતો. ધંધામાં તેને નુકસાન થઈ રહ્યું હતું અને એ રકમ વધી રહી હતી. તેને હતું કે સ્ટૉક રાખી માલ વેચીને ધીમે-ધીમે બધાના પૈસા ચૂકવી દઈશ. જોકે નુકસાન વધી રહ્યું હતું અને સાથે હાથમાંના સ્ટૉકનું વેચાણ જોઈએ એવું ન થવાથી એની પણ ચુકવણી રહી જતી હતી. આમ નુકસાન વધતું જતું હતું. તેણે આમાંથી બહાર આવવા તેની પાસે એક સ્પેર ફ્લૅટ હતો એ વેચી નાખ્યો હતો. એ ફ્લૅટ પર તેણે બૅન્કમાંથી લોન લીધી હતી એ પણ ચૂકવી દીધી હતી. એ પછી જે પૈસા બચ્યા એ માર્કેટમાં જેમના બાકી હતા તેમને આપી દીધા હતા. તેણે લગભગ અડધી ચુકવણી કરી પણ દીધી હતી. એમ છતાં બાકીની રકમને લઈને તે ચિંતામાં હતો.’
બુધવારે ઘટનાના દિવસે શું બન્યું હતું એ વિશે માહિતી આપતાં તેમના તે મિત્રએ વધુમાં કહ્યું હતું કે ‘ભાવેશ બુધવારે નાગદેવીની ઑફિસથી તેના મસ્જિદ બંદરમાં આવેલા વેરહાઉસ પર ગયો હતો. ત્યાં તેણે તેના માણસને કામને લગતી કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ આપી હતી અને કહ્યું હતું કે હું થોડી વારમાં આવું છું. એ પછી તેણે મસ્જિદ બંદરના તેના પાર્કિંગવાળા પાસે તેની ગાડી મગાવી હતી, પણ ગાડીને આવવામાં વાર લાગે એમ હતી એટલે તે ટૅક્સી કરીને નીકળી ગયો હતો. ટૅક્સી તેણે સી-લિન્ક પહેલાં જ છોડી દીધી હતી. ત્યાર બાદ એક કારવાળાની પાસે લિફ્ટ માગી હતી. તેને કહ્યું કે મારી કાર બગડી ગઈ એટલે એ મારે મૂકી દેવી પડી છે, પણ મારે બાંદરા જવું જરૂરી છે એટલે મને લિફ્ટ આપશો. એથી કારવાળાએ તેને લિફ્ટ આપી હતી. કાર અધવચ્ચે પહોંચી ત્યારે કોઈ કારણ બતાવી કાર ઊભી રખાવીને તે કારમાંથી ઊતરી ગયો હતો. પછી દીકરા સ્મિતને વિડિયો-કૉલ કર્યો અને કહ્યું કે હું સી-લિન્ક પર છું અને સુસાઇડ કરવા જઈ રહ્યો છું. દીકરાને તેમની અવસ્થાનો ખ્યાલ આવી ગયો હતો એટલે તેણે તેમને કહ્યું કે જરા અટકી જાઓ, હું મામા સાથે વાત કરી લઉં. ભાવેશભાઈના સાળાની નાગદેવીમાં ભાવેશભાઈના બિલ્ડિંગમાં જ ઑફિસ છે. તેને એમ હતું કે જો પપ્પા અટકી જાય તો મામા તેમને સમજાવી લેશે, પણ તે વધુ કંઈ કહે એ પહેલાં ભાવેશભાઈએ તેને બાય કરીને ફોન કાપી નાખ્યો હતો અને દરિયામાં ઝંપલાવી દીધું હતું.’
દીકરાએ એ પછી તરત જ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી એટલે બાંદરા પોલીસને જાણ કરવામાં આવતાં તેમના પોલીસ-ઑફિસરો સ્પૉટ પર પહોંચી ગયા હતા. એ વખતે ભરતી હતી. તેમણે સ્થાનિક માછીમારો સાથે મળીને શોધ ચલાવી હતી અને આખરે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની પાછળ પરિવારમાં પત્ની દીપિકાબહેન, પુત્ર સ્મિત અને પુત્રવધૂ પંક્તિ છે.
સૉરી બેટા...
બાંદરા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય મરાઠેએ કહ્યું હતું કે ‘ભાવેશ શેઠે ઝંપલાવતાં પહેલાં તેમનો મોબાઇલ અને અન્ય વસ્તુઓ સી-લિન્ક પર જ મૂકી દીધી હતી જેમાં તેમણે તેમના દીકરાને ઉદ્દેશીને લખેલી સુસાઇડ નોટ પણ હતી. એમાં લખ્યું છે કે સૉરી બેટા, હું આત્મહત્યા કરી રહ્યો છું, પરિવારનું ધ્યાન રાખજે.’