ચલો ગુજરાત...

20 November, 2022 10:05 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ગુજરાતમાં ચૂંટણી હોય ને મુંબઈ વસેલો ગુજરાતી વોટિંગ કરવા ન જાય એવું ન બને : ખાસ કરીને મુંબઈના લગભગ પચાસ હજાર કચ્છીઓ તો પાંચ ટ્રેન અને અનેક બસમાં કચ્છની છ સીટ માટે પહેલી ડિસેમ્બરે મતદાન કરવા જવાની તૈયારી કરી રહ્યા છે

કચ્છના અંજારની ચૂંટણીસભામાં તલવાર તાણી રહેલા આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાના વિધાને વિવાદ સરજ્યો છે.

ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં કચ્છની છ બેઠક માટે પહેલી ડિસેમ્બરે મતદાન થશે. કચ્છની કુલ વસતિમાંથી પચાસ ટકા કચ્છી પરિવારો મુંબઈમાં સ્થાયી થયા છે, પરંતુ આમાંથી અનેક કચ્છીઓ ચૂંટણી વખતે કચ્છમાં જઈને જ મતદાન કરે છે. ચૂંટણીનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આ વખતે મુંબઈથી કચ્છમાં પચાસ હજાર જેટલા કચ્છી પહોંચે એવી શક્યતા છે.

જોકે મુંબઈથી કચ્છ જવા માટે દરરોજ પાંચ ટ્રેન રવાના થાય છે એટલે કચ્છમાં વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ આખેઆખી ટ્રેન તો બુક નથી કરાવી, પણ કચ્છી મતદારો માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ગામ પ્રમાણે બસ બુક કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.

નવી મુંબઈમાં રહેતા અને વ્યવસાયે બિલ્ડર બચુભાઈ અરેઠિયા આ વખતે કૉન્ગ્રેસ વતી રાપર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં મોટા પ્રમાણમાં કચ્છી પરિવારો રહે છે જેઓ દરેક ચૂંટણીમાં મતદાન કરવા માટે તેમના વતનમાં જાય છે. વિધાનસભાની ચૂંટણીને દસ જ દિવસ બાકી છે ત્યારે અનેક કચ્છીઓ મુંબઈથી કચ્છ પહોંચી રહ્યા છે. રાપર વિધાનસભા મતદાર ક્ષેત્રની વાત કરીએ તો અહીં મુંબઈથી પટેલ, રજપૂત, આહિર અને કોળી સહિત તમામ સમાજના મળીને અંદાજે આઠ હજાર લોકો રાપર પહોંચશે. આવી જ રીતે કચ્છની છએ છ વિધાનસભા માટે મુંબઈથી સાતથી આઠ હજાર મતદારો કચ્છ પહોંચવાની શક્યતા છે.’

અડધું કચ્છ મુંબઈમાં વસે છે
કચ્છ યુવક સંઘ સાથે સંકળાયેલા કોમલ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છમાં ચૂંટણી હોય ત્યારે અસંખ્ય લોકો મતદાન કરવા ચોક્કસ કચ્છ જાય છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોને સમર્થન આપવા માટે તેમ જ મતદાન પણ થઈ શકે એવી રીતે મુંબઈથી કચ્છીઓ નીકળે છે. અડધું કચ્છ મુંબઈમાં વસે છે અને હજી પણ એવા અનેક પરિવારો છે જેઓ તેમના વતન સાથે સંકળાયેલા છે. કચ્છ જવા માટે કોઈ પક્ષ કે ઉમેદવારે આખેઆખી ટ્રેન બુક કરાવી છે કે નહીં એની જાણ નથી; પરંતુ મને નથી લાગતું કે આવી વ્યવસ્થા કરવાની જરૂર પડે, કારણ કે મુંબઈથી કચ્છ જવા માટે પાંચ ટ્રેન ઉપલબ્ધ છે.’

અનેક કચ્છીઓ વતનમાં 
દિવાળી પછી આવતી કાર્તિકી પૂનમ બાદ જૈન સમાજના સાધુ-ભગવંતો વિહાર કરવાની શરૂઆત કરતા હોય છે એટલે કચ્છી જૈનોના અનેક પરિવારો કચ્છ પહોંચ્યા હતા. આમાંના ઘણા જૈનો માતાજીની ધજા પણ આ સમયે જ ચડાવે છે એટલે પણ ઘણા પરિવારો અત્યારે કચ્છમાં છે. ચૂંટણીને આડે દસ જ દિવસ બાકી છે એટલા આમાંના ઘણા પરિવારો તેમના ગામમાં જ રોકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

હું છું મતદાર ઝુંબેશ
કચ્છમાં કુલ ૯૫૦ ગામ આવેલાં છે જે અહીંની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર મળીને છ વિધાનસભા બેઠકમાં વહેંચાયેલાં છે. સામાન્ય રીતે અહીં ૭૦થી ૭૫ ટકા જેટલું મતદાન થાય છે, પરંતુ મતદાનની ટકાવારીમાં વધારો થાય એ માટે ગ્લોબલ કચ્છ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. કચ્છમાં મતદાન માટેની જાગૃતિ માટે ૧૫ નવેમ્બરથી સાત રથ અહીંનાં ગામોમાં ફરી રહ્યા છે. આ વિશે ગ્લોબલ કચ્છના ટ્રસ્ટી ધીરજ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મતદાન દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. વધુ ને વધુ લોકો મતનો અધિકાર સમજે એ માટે અહીંનાં ગામોમાં સાત રથ ફેરવવામાં આવી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આ ઝુંબેશથી મતદાનની ટકાવારીમાં વધારો થશે.’

mumbai mumbai news gujarat gujarat elections gujarat election 2022 kutch prakash bambhrolia