મુંબઈ-અમદાવાદ હાઇવે પર પગપાળા જતા સાત મજૂરોને ટેમ્પોએ ઉડાવતાં 5નાં મોત

29 March, 2020 07:52 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

મુંબઈ-અમદાવાદ હાઇવે પર પગપાળા જતા સાત મજૂરોને ટેમ્પોએ ઉડાવતાં 5નાં મોત

અકસ્માતના સ્થળે તપાસ કરી રહેલી પાલઘર પોલીસ.

કોરોના વાઇરસને લીધે દેશભરમાં લાગુ કરાયેલા લૉકડાઉનને લીધે બેકાર થઈ ગયેલા મજૂરો દેશભરમાં હિજરત કરી રહ્યા છે. ગઈ કાલે આવી રીતે હાઇવે પર પગપાળા મુંબઈ તરફ આવી રહેલા સાત મજૂરને એક ટેમ્પોએ ઉડાવતાં પાંચનાં કરુણ મોત નીપજ્યાં હતાં. બાકીના બેને ગંભીર અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

પાલઘર પોલીસના જણાવ્યા મુજબ ગઈ કાલે મોડી રાત્રે ૩ વાગ્યે રાજસ્થાનના વતની એવા સાત મજૂર મુંબઈ-અમદાવાદ હાઇવે પરથી મુંબઈ તરફ આવી રહ્યા હતા ત્યારે વસઈ તહેસીલના પારોલ ગામ પાસે પૂરપાટ વેગે આવી રહેલા એક ટેમ્પોએ તેમને ઉડાવ્યા હતા. આ ઘટનામાં ચાર મજૂરનું ઘટનાસ્થળે તો એકનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બાકીઓને નજીકની હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
પાલઘર પોલીસના પ્રવક્તા હેમંત કાટકરે કહ્યું હતું કે ‘અત્યારે લૉકડાઉન હોવાથી તમામ વાહનવ્યવહાર બંધ હોવાથી મજૂરો કામની શોધમાં મુંબઈ તરફ પગપાળા નીકળ્યા હતા. અકસ્માતમાં ૫૫ વર્ષના રમેશ માંગીલાલ ભટ, ૩૨ વર્ષના નિખિલ પંડ્યા, ૧૮ વર્ષના નરેશ કલાસુવા, ૧૮ વર્ષના કાલુરામ બગોરે અને એક અજાણ્યા યુવકનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ટેમ્પોચાલક પલાયન થઈ ગયો હતો, પરંતુ બાદમાં વિરાર પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની સામે બેદરકારીથી વાહન ચલાવીને મૃત્યુ નીપજાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

gujarat mumbai mumbai news Crime News ahmedabad