ખુશીનો માહોલ ફેરવાયો શોકમાં: રેડીમેડ ગાર્મેન્ટ્સના ૪૬ વર્ષના વેપારી શૈલેષ ગડાનું અચાનક હાર્ટ-અટૅક આવતાં અવસાન

30 June, 2026 08:52 AM IST  |  Mumbai | Rohit Parikh

શ્રી રાયધણજર જૈન મહાજન અને શ્રી રાયણધણજર સેવા મંડળ દ્વારા રવિવારે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં બની દુખદ ઘટના

સ્નેહમિલન કાર્યક્રમમાં મન મૂકીને નાચી રહેલા શૈલેષ ગડાનો વાઇરલ વિડિયો.

દાદર-વેસ્ટની હાલારી વાડીમાં રવિવારે શ્રી રાયધણજર જૈન મહાજન અને શ્રી રાયણધણજર સેવા મંડળ દ્વારા આયોજિત એક સ્નેહમિલન કાર્યક્રમમાં ડોમ્બિવલી-ઈસ્ટના નવનીતનગરમાં રહેતા દાદરના રેડીમેડ ગાર્મેન્ટ્સના ૪૬ વર્ષના વેપારી શૈલેષ ગડાને અચાનક હાર્ટ-અટૅક આવ્યો હતો અને તેઓ મૃત્યુ પામ્યા હતા. આ અણધારી ઘટનાથી ખુશીઓથી છલકાતો આ કાર્યક્રમમાં પળભરમાં શોકમાં ફેરવાઈ ગયો હતો. આ કાર્યક્રમ કચ્છના અબડાસા તાલુકામાં આવેલા ૨૩૬ વર્ષ જૂના પ્રાચીન રાયધણજર તીર્થના આદિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે યોજવામાં આવ્યો હતો. 

આ બાબતની માહિતી આપતાં મહાજનના ટ્રસ્ટી અને શૈલેષના મોટા ભાઈ દિનેશ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાજન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, કાર્યકરો અને પરિવારના સભ્યો સવારથી જ ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા. દિવસભરના વિવિધ કાર્યક્રમો બાદ સાંજના શૈલેષ ગડા સહિત સૌએ ગીતસંગીતના સથવારે આનંદપૂર્વક રાસગરબા અને ડાન્સની મજા માણી હતી. જોકે કાર્યક્રમ પૂરો થાય એ પહેલાં જ અચાનક શૈલેષે તેની સાથે ઝૂમી રહેલા તેના મિત્રોને છાતીના દુખાવાની ફરિયાદ કરી હતી. આ અગાઉ શૈલેષે ક્યારેય તેના સ્વાસ્થ્ય બાબતની ફરિયાદ કરી નહોતી. તેના મિત્રોએ તરત જ નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવા મગાવી હતી. દવાના પહેલા ડોઝ પછી થોડી વારમાં જ શૈલેષના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં હતાં. અમે તરત જ તેને ‌કિંગ્સ સર્કલની કીકાભાઈ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ત્યાંના ડૉક્ટરોએ થોડી વારમાં જ તેને મૃત જાહેર કર્યો હતો. આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે ડોમ્બિવલીમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ એમાં હાજરી આપી હતી.’

mumbai news mumbai dadar jain community gujaratis of mumbai gujarati community news celebrity death heart attack