સોસાયટી ૧, કેસ ૨૩

12 April, 2021 08:49 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

ભાઈંદરની સોસાયટીમાં ૨૩ પૉઝિટિવ કેસથી ફફડાટ: પાલિકાએ રહેવાસીઓની ટેસ્ટ સાથે ત્રણ વિંગની ગાર્ડન કોર્ટ સોસાયટી સીલ કરી

કોરોનાના ૨૩ કેસ આવવાથી સીલ કરાયેલી ભાઈંદરની ગાર્ડન કોર્ટ સોસાયટી

મુંબઈની જેમ શહેરને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. એક સમયે અહીં માત્ર ૩૦૦ કેસ ઍક્ટિવ હતા. એની સામે શનિવાર સુધી અહીં ૪૦૦૦ જેટલા દરદીઓ કોરોનાની સારવાર હેઠળ હતા. ભાઈંદર (વેસ્ટ)માં નારાયણા સ્કૂલ પાસે આવેલી ગાર્ડન કોર્ટની નામની ત્રણ વિંગની સોસાયટીમાં ૨૩ પૉઝિટિવ કેસ આવ્યા હોવાનું જાણ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પાલિકાએ આ સોસાયટીને સીલ કરી દીધી છે. ૨૩માંથી ૨ દરદી હૉસ્પિટલમાં ઍડ્મિટ હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

ભાઈંદર (વેસ્ટ)માં આવેલી ગાર્ડન કોર્ટ સોસાયટીમાં એક જ દિવસમાં કોરોનાના ૨૦ કેસ આવવાથી સીલ કરાઈ હોવાના મેસેજ ગઈ કાલ સવારથી વાઇરલ થયા હતા. મોટા ભાગના આવા મેસેજ બોગસ હોવાની શક્યતા હોય છે એટલે ‘મિડ-ડે’એ પાલિકાના આરોગ્ય અધિકારીનો સંપર્ક કરીને હકીકત જાણી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે પાંચથી ૧૦ એપ્રિલ સુધીમાં અહીં ૧૨ અને ગઈ કાલે બીજા ૧૧ મળીને કુલ ૨૩ કોરોના પૉઝિટિવ કેસ ગાર્ડન કોર્ટ સોસાયટીમાંથી મળતાં આખી સોસાયટીને સીલ કરી દેવાઈ છે. આ સોસાયટીમાં ગુજરાતી અને મારવાડીઓના મોટા ભાગના પરિવારો રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ભાઈંદર (વેસ્ટ)ની એક ટીમનાં ઇન્ચાર્જ ડૉ. અંકિતા પંડિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ, બી અને સી વિંગ ધરાવતી ગાર્ડન કોર્ટ સોસાયટીમાં પાંચ એપ્રિલથી હાથ ધરાયેલી કોવિડ ટેસ્ટમાંથી ૧૨ રહેવાસીની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. કોઈ સોસાયટીમાં પાંચથી વધુ કેસ આવે તો એ સીલ કરવાનો નિયમ હોવાથી અમે એ સીલ કરી દીધી હતી. જોકે પૉઝિટિવ પેશન્ટના સંપર્કમાં આવેલા લોકોને પણ વાઇરસનું સંક્રમણ થવાની શક્યતા રહે છે. અમે સોસાયટીના કમિટી મેમ્બરોને ટેસ્ટ માટેની રિક્વેસ્ટ કરી હતી. તેમણે સહયોગ કરતાં ગઈ કાલે અમે અહીં ૩૧૯ રહેવાસીની ટેસ્ટ કરી હતી જેમાંથી ૧૧ લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. જોકે રાહતની વાત એ છે કે આમાંથી માત્ર બે લોકોને જ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા છે. બાકીના ૨૧ લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા છે.’

આરોગ્ય વિભાગ દ્વારા ઘરકામ કરનારા કે ડ્રાઇવર વગેરેની ઍન્ટિજન ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવ્યું હોવાથી આવી ટેસ્ટ કરાવવાની સંખ્યામાં વધારો થયો છે. ડૉ. અંકિતા પંડિતની ટીમે ગઈ કાલે ઓપીડી સહિત કુલ ૭૭૭ લોકોની ટેસ્ટ કરી હતી, જેમાંથી ગાર્ડન સોસાયટીના ૧૧ રહેવાસીઓ સહિત ૩૫ લોકોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમણની શરૂઆતમાં જ સમયસર ટેસ્ટ થઈ જાય તો જોખમ ઘટી જતું હોવાથી પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા લોકોને લક્ષણ દેખાય કે પૉઝિટિવ દરદીના સંપર્કમાં આવનારા તમામને તાત્કાલિક ઍન્ટિજન ટેસ્ટ કરાવી લેવાની ભલામણ કરાઈ રહી છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (આરોગ્ય) સંભાજી વાઘમારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાક સમયથી અહીં કરાતા પ્રત્યેક ૧૦૦૦ કોવિડ ટેસ્ટિંગમાંથી ૧૫૦ જેટલી ટેસ્ટ પૉઝિટિવ આવી રહી છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયે જ્યાં ૩૦૦ જેટલા ઍક્ટિવ કેસ હતા એ શનિવાર સુધી ૩૯૮૩ થયા હતા. સંક્રમણનું જોખમ વધી રહ્યું હોવાથી લોકોએ જરૂરી કામ સિવાય ઘરોની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.’

coronavirus covid19 mumbai mumbai news bhayander prakash bambhrolia