03 July, 2025 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલીમાં રહેતા ૨૧ વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસે તેનો મોબાઇલ ચેક કરતાં ખ્યાલ આવ્યો હતો કે બબલી નામની એક મહિલાએ તેને આત્મહત્યા કરવા માટે ઉકસાવ્યો હતો, જેને સાબિતી ગણીને માનપાડા પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે.
સાહિલ ઠાકુર નામના યુવકનાં મમ્મી-પપ્પા બહારગામ ગયાં હતાં. સોમવારે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમના દીકરાને ગળાફાંસો ખાઈને લટકેલો જોતાં તેમને આઘાત લાગ્યો હતો. તેમણે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી અને યુવકના મોબાઇલમાંથી મળેલી ચૅટ પણ પોલીસને બતાવી હતી. ચૅટ પરથી જણાયું હતું કે યુવકે આત્મહત્યા કરી એ અગાઉની રાતે બેથી ૩.૧૫ વાગ્યા સુધી સાહિલ અને બબલી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યાર બાદ બબલીએ સાહિલને મેસેજ કર્યો હતો કે ‘ઘરે કોઈ નથી, લટકી જા; નવી નહીં, જૂની સાડી લેજે.’
આ ચૅટને ડિજિટલ-એવિડન્સ ગણીને પોલીસે બબલીની ધરપકડ કરી છે અને સાહિલ અને તેના સંબંધો તેમ જ સાહિલને આત્મહત્યા કરવા માટે ઉકસાવવા પાછળનું કારણ જાણવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઘરેથી ભાગીને આવેલાં અથવા ખોવાયેલાં ૨૩૫ બાળકોને રેલવે પોલીસે પરિવાર પાસે પહોંચાડ્યાં
એપ્રિલ અને મે મહિનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ નન્હે ફરિશ્તે અભિયાન અંતર્ગત રેલવે-સ્ટેશન અને ટ્રેનમાં ખોવાયેલાં અથવા ઘરેથી ભાગીને રેલવે પરિસરમાં આવીને રહેતાં ૨૩૫ બાળકોને તેમના પરિવાર સુધી પહોંચાડ્યાં છે.
રેલવે પોલીસ ઉપરાંત ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP), રેલવે સ્ટાફ અને ચાઇલ્ડલાઇન જેવી સંસ્થાની મદદથી બાળકોને શોધવામાં આવ્યાં હતાં. અમુક બાળકો કામ શોધવા માટે ઘરેથી ભાગીને આવે છે તો અમુક બાળકો રેલવેમાં ગુમ થઈ જતાં હોય છે. આવાં બાળકોને તેમના પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી રેલવે પોલીસે ઉપાડી હતી. ગયા વર્ષે આ બે મહિનાના સમયગાળામાં ૧૪૯ બાળકોને બચાવવામાં આવ્યાં હતાં. આ વર્ષે આ આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે.