29 July, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આઈઆઈટી મુંબઈ (IIT Bombay)માંથી એક કરુણ સમાચાર સામે આવ્યા છે. અહીં ૨૦ વર્ષીય એક સ્ટુડન્ટે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ છે. ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બની હોવાનું કહેવાય છે. સોહિલ રાજકુમાર સાંગવાન નામના સ્ટુડન્ટે મોતને વ્હાલું કર્યું છે. તેના આ દર્દનાક પગલાથી તેના મિત્રવર્તુળને મોટો આંચકો લાગ્યો છે. આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં પણ ખળભળાટ મચી ગયો છે.
૨૦ વર્ષનો સોહિલ રાજકુમાર સાંગવાન આઇઆઇટી-બોમ્બે (IIT Bombay)માં મટિરિયલ સાયન્સના સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે આ જ કેમ્પસમાં હોસ્ટેલ નંબર ૪ના રૂમ નંબર જી-૪૧૪૭માં રહેતો હતો. જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે સોહિલે બેડશીટની મદદથી હોસ્ટેલના રૂમમાં લટકતા પંખા સાથે ફાંસી લગાવીને જીવ આપી દીધો હતો.
સોહિલના મૃત્યુ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક કેમ્પસમાં દોડી આવી હતી. ભારતીય દંડ સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોહિલની ડેડબોડીને હાલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જોકે, સોહિલને આવું પગલું શા માટે ભરવું પડ્યું તે અંગે હજી સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલમાં પોલીસે સોહિલના ફેમિલી મેમ્બર્સ અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે અને તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સોહિલના આ રીતે જીવન ટૂંકાવી દેવાના પગલા પાછળ કયા કારણ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોહિલ સાંગવાનના પરિવારને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન બાદ વધુ વિગતો સામે આવે તેવી અપેક્ષા છે. પોલીસે લોકોને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃત્યુના કારણ અંગે અટકળો ન લગાવવા જણાવ્યું છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં સ્યુસાઇડ સિવાય અન્ય કોઈ પ્રકારે મોત થયું હોય તેવી તો કોઈ શંકાસ્પદ બાબત જાણવા મળી નથી. છતાં તપાસ ચાલી રહી છે.
આ કેસ (IIT Bombay)માં પોલીસને કોઈ સ્યુસાઈડ નોટની મળી છે કે કેમ તે અંગે પણ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે છેલ્લા થોડાક્ દિવસના તેના ફોનકોલ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વાતચીતનો ડેટા તપાસે એવીઉ શક્યતા છે.
ગમે તે કહો પણ આ ઘટનાએ ફરી એકવાર યુનિવર્સિટી કેમ્પસ (IIT Bombay)માં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તમને જણાવી દઈએ કે તજતેરમાં જ આઈઆઈટી બોમ્બેના સેકન્ડ યરના બીજા પણ એક વિદ્યાર્થીએ પવઈ કેમ્પસમાં હોસ્ટેલ બિલ્ડિંગના ટેરેસ પરથી ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. જેના પગલે પોલીસે એડીઆર નોંધાવીને તપાસ કરાઇ હતી. આઇઆઇટી બોમ્બેએ તાજેતરના વર્ષોમાં આ પ્રમાણે સ્ટુડન્ટ્સના સ્યુસાઇડ કેસમાં વધારો જોવા મળ્યો છે.