02 May, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલી-ઈસ્ટમાં મામાના ઘરે રોકાવા આવેલી ૨૦ વર્ષની સમીક્ષા નારાયણ વદ્દીએ મંગળવાર રાતે અગિયારમા માળે આવેલા મામાના ઘરમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે માનપાડા પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મંગળવાર રાતે સમીક્ષા સતત ફોન પર વાત કરી રહી હતી એ સમયે તેના મામા ગણેશ પ્રધાને તેનો મોબાઇલ છીનવીને તેને અભ્યાસ કરવા માટેનું કહેતાં રોષે ભરાયેલી સમીક્ષાએ ઘરના હૉલની વિન્ડોમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. શું ખરેખર આવું થયું હતું કે કેમ એની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ યુવતી કલ્યાણની કૉલેજમાં અભ્યાસ કરતી હતી. તે મામાના ઘરે રોકાવા આવી હતી એમ જણાવતાં માનપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમીક્ષાને મંગળવારે રાતે સાડાદસ વગ્યાની આસપાસ સતત મોબાઇલમાં વાત કરતી જોઈને તેના મામા ગણેશ પ્રધાને તેને વાત કરતી અટકાવીને ફોન છીનવી લીધો હતો અને તેને અભ્યાસ કરવાની સ્લાહ આપી હતી. થોડી વાર શાંત બેસ્યા બાદ ગુસ્સામાં તે અગિયારમા માળે આવેલા મામાના ઘરના હૉલની વિન્ડોમાંથી નીચે કૂદી ગઈ હતી. સમીક્ષા જમીન પર કૂદી પડતાં જોરદાર અવાજ આવ્યો હતો એટલે પરિવારના સભ્યો તરત જ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર તરફ દોડી ગયા હતા. સમીક્ષાને લોહીલુહાણ હાલતમાં જોઈને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં સારવાર શરૂ થાય એ પહેલાં જ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ કેસમાં અમે વધુ તપાસ હાથ ધરી છે.’