ભાયખલા જેલમાં ૨૦ મહિલાઓ, પાંચ બાળકો અને પુરુષ વોર્ડમાં ૧૦ લોકો કોરોના સંક્રમિત

24 September, 2021 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના સંક્રમિત જેલવાસીઓને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે ભાયખલા મહિલા જેલમાં ઓછામાં ઓછી ૨૦ મહિલાઓ અને પાંચ બાળકો કોરોના સંક્રમિત થયા હતા. પુરુષ કેદીઓના વોર્ડમાં પણ કોરોનાના ૧૦ કેસ મળી આવ્યા હતા.

ભાયખલા જેલના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે, જેલમાં જે લોકોમાં કોરોના સંક્રમણનું પરીક્ષણ થયું છે તે કેદીઓને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા છે. સંક્રમિત કેદીઓમાંથી એક કેદી વરિષ્ઠ નાગરિક છે. જેને પાલિકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભાયખલા જેલમાં ૪૫૦થી વધુ કેદીઓ છે. રેગ્યુલર ચેકઅપ દરમિયાન ગયા અઠવાડિયે કરવામાં આવેલા પરીક્ષણમાં જાણ થઈ હતી કે આ લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારબાદ તેમણે સાવચેતી રાખી હતી અને સંક્રમિત લોકોને સારવાર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કેદીઓને હૉસ્પિટલ જવાનું હોય કે પછી કોર્ટની તારીખ હોય તો તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવે છે. ત્યારે તેમને કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા છે. એટલે નિયમિત ધોરણે કોરોના પરીક્ષણ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, એલ્ગાર પરિષદના આરોપી સુધા ભારદ્વાજ, શોમા સેન અને જ્યોતિ જગતાપ; આઈએનએક્સ મીડિયાના સ્થાપક ઈન્દ્રાણી મુખર્જી તેમની પુત્રી શીના બોરાની હત્યા કરવાના કેસમાં અને યસ બેન્કના સ્થાપક રાણા કપૂરની પત્ની બિંદુ અને પુત્રીઓ રોશિની અને રાધા ભાયખલાની મહિલા જેલમાં બંધ છે. એક મહિલા અધિકારી જે કોરોના પૉઝિટિવ હતી તે સુધા ભારદ્વાજ અને શોમા સેનના બેરેકમાં જ હતી. જોકે, સુધા અને શોમાનું ટેસ્ટિંગ કરતા તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

coronavirus covid19 mumbai mumbai news byculla