26 June, 2025 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુલુંડ-વેસ્ટના પૉશ વિસ્તારમાં રહેતી અને મુલુંડની જાણીતી સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી ૧૫ વર્ષની અસ્મી ચવ્હાણે મંગળવારે રાતે ભાંડુપના LBS રોડ પર આવેલી મહિન્દ્ર સ્પ્લેન્ડર સોસાયટીના ત્રીસમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ભાંડુપ-પોલીસે અકસ્માત મૃત્યુ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર અસ્મી અભ્યાસને કારણે હતાશામાં હોવાથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ અસ્મીના પરિવાર-મેમ્બરો સહિત તેના મિત્રોનાં સ્ટેટમેન્ટ નોંધીને વધુ તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસને કોઈ સુસાઇડ-નોટ મળી નથી.
ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાળાસાહેબ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અસ્મી મુલુંડની એક સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી હતી. મંગળવાર રાતે આઠ વાગ્યાની આસપાસ અસ્મી તેના ૧૯ વર્ષના મિત્રને મળવા મહિન્દ્ર સ્પ્લેન્ડર સોસાયટીમાં આવી હતી. દરમ્યાન બન્ને લિફ્ટમાં ૩૧મા માળે આવ્યા બાદ અસ્મીએ તેના મિત્રને અભ્યાસને કારણે ખૂબ જ ટેન્શન રહેતું હોવાનું કહીને પોતે ખૂબ જ હતાશ રહેતી હોવાની માહિતી આપી હતી. તેના મિત્રએ થોડા વખતમાં બધું બરાબર થઈ જશે એમ કહીને તેને સમજાવવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ અસ્મીને ઘરે જવા માટેનું કહીને તેનો મિત્ર પોતાના ઘરે જવા આગળ વધ્યો હતો એટલી વારમાં અસ્મીએ ત્રીસમા માળેથી ઝંપલાવી દીધું હોવાની માહિતી અમારી સામે આવી છે. આત્મહત્યા પાછળનું કારણ જાણવા આ કેસમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.’