આજે ૧૦,૦૦૦ જૈનોની અહિંસા રૅલી

20 April, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિલે પાર્લેના ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી પાડવા સામેનો આક્રોશ ચરમસીમાએ

૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી નાખવામાં આવ્યા બાદ સ્થાનિક જૈનો આ સ્થળે બે દિવસથી જઈને પૂજા-અર્ચના કરવાની સાથે તોડફોડ બાદ સાફસફાઈ કરી રહ્યા છે.

પાર્લા-ઈસ્ટની કાંબલીવાડીથી અંધેરી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી BMCના કે-વેસ્ટ વૉર્ડની ઑફિસ સુધીની રૅલીમાં સફેદ કપડાં સાથે હાથમાં કાળી પટ્ટી બાંધીને જૈનો જોડાશે

વિલે પાર્લે-ઈસ્ટમાં કાંબલીવાડી વિસ્તારમાં આવેલા ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગુરુવારે તોડી પાડ્યું એના વિરોધમાં આજે સવારે ૯.૩૦ વાગ્યે અહિંસા રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૅલીમાં ૧૦,૦૦૦ જેટલા જૈનો જોડાવાની શક્યતા છે. રૅલી વિલે પાર્લે-ઈસ્ટની કાંબલીવાડીથી નીકળીને અંધેરી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલા BMCના કે-વેસ્ટ વૉર્ડ સુધી જશે અને અહીં જૈન મંદિર તોડનારા અધિકારી સામે સખત કાર્યવાહી કરવાની અને તોડી પાડવામાં આવેલા જૈન મંદિરને ફરીથી બાંધવાની માગણી કરતું આવેદનપત્ર સંબંધિત અધિકારીને સોંપશે. રૅલીમાં સામેલ થનારા સફેદ કપડાં પહેરશે અને હાથમાં કાળી પટ્ટી બાંધશે. 

સ્ટે-ઑર્ડર હોવા છતાં તોડકામ

૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તોડી નાખવામાં આવેલો બંગલો કાંબલીવાડીમાં ૧૯૩૫માં બાંધવામાં આવ્યો હતો. BMCએ ૧૯૬૧ પહેલાંના શહેરનાં તમામ બાંધકામને કાયદેસરનાં જાહેર કર્યાં છે. ૧૯૯૮માં જૈન મંદિર માટે આ બંગલો એ સમયના માલિકે ભાડા પર આપ્યો હતો. આજે પણ બંગલાના માલિકને ભાડું ચૂકવવામાં આવે છે. લાઇટ અને પાણીનાં કનેક્શન જૈન મંદિર ટ્રસ્ટના નામે છે. BMCના લીગલ વિભાગે આ જૈન મંદિરને ૨૦૧૩ની ૮ ઑગસ્ટે કાયદેસર જાહેર કર્યું હતું. જૈન મંદિર પાસેની નેમિનાથ સોસાયટીએ કોર્ટમાં જૈન મંદિરને તોડવા માટેની ઍપ્લિકેશન આપી હતી, જે પેન્ડિંગ છે. હકીકતમાં આ સોસાયટી સાથે જૈન મંદિરને કોઈ લેવાદેવા નથી. નેમિનાથ સોસાયટીની કમિટીમાં રામા ક્રિષ્ના હોટેલના માલિક છે, જેઓ જૈન મંદિર હતું એ બંગલો મેળવવા માગતા હતા. જોકે બંગલાના માલિકે જગ્યા જૈન મંદિર ટ્રસ્ટને સોંપી દીધી હતી એટલે તેમણે સોસાયટીને બંગલો આપવાની ના પાડી હતી. નેમિનાથ સોસાયટી અને રામા ક્રિષ્ના હોટેલમાં ૨૦૦૬થી ગેરકાયદે બાંધકામ કરવા બાબતે અમે BMCને ફરિયાદ કરી રહ્યા છીએ, પણ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી, જ્યારે BMCના કે-ઈસ્ટ વૉર્ડના નવનાથ ઘાડગેએ જૈન મંદિરને તોડવાનો ઑર્ડર આપ્યો હતો. અમે તોડકામના ઑર્ડરને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારીને સ્ટે મેળવ્યો હતો. આમ છતાં ગુરુવારે સ્ટે-ઑર્ડરની કૉપી અમારા હાથમાં આવે એ પહેલાં જ સવારે જૈન મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું. આ લોકોએ ભગવાનની મૂર્તિઓ પણ તોડી નાખી હતી. BMCની આ કાર્યવાહીના વિરોધમાં ગુરુવારે મોડી સાંજે જૈન વિધાનસભ્ય અને રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાની હાજરીમાં હજારો જૈનોની બેઠક મળી હતી જેમાં આ કાર્યવાહીનો જોરદાર વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિરોધના ભાગરૂપે આજે અહિંસા રૅલી કાઢવામાં આવશે. જૈન મંદિર નજીક આવેલી રામા ક્રિષ્ના હોટેલના માલિકનો આ તોડકામ કરવામાં હાથ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે.’

રૅલીનો માર્ગ
કાંબલીવાડી, નેહરુ રોડ, આર કે હોટેલ, તેજપાલ રોડ, હનુમાન રોડ, મહાત્મા ગાંધી રોડ, શહાજી રાજે રોડ, કોલ ડોંગરી, અંધેરી-ઈસ્ટ રેલવે સ્ટેશન, અંધેરી-કુર્લા રોડ અને અંધેરી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી BMCના કે-ઈસ્ટ વૉર્ડની ઑફિસ.

હોટેલનો બહિષ્કાર કરવાની હાકલ, ડિમોલિશનના ૨૪ કલાકમાં હોટેલમાલિકનું મૃત્યુ થયું

ગુરુવારે સવારે દિગમ્બર જૈન મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું એના ૨૪ કલાકની અંદર હોટેલ રામા ક્રિષ્નાના માલિક સુબય્યા શેટ્ટીનું હાર્ટઅટૅક આવવાથી અવસાન થયું હતું. આ ઘટનાને પગલે એવી ચર્ચા શરૂ થઈ હતી કે જૈન મંદિર તોડાવવા પાછળ જેમનો હાથ હતો તેને ભગવાને જ પરચો બતાવ્યો છે. જૈન મંદિર તોડવામાં હોટેલ રામા ક્રિષ્નાના માલિકનો હાથ હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે આ હોટેલનો બહિષ્કાર કરવા સંબંધી મેસેજ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે ‘હોટેલના માલિકનો અનિયંત્રિત પાવર ઓછો કરવા માટે એનો ફાઇનૅન્શ્યલ અને ઇકૉનૉમિક બહિષ્કાર એકમાત્ર ઉપાય છે. આ હોટેલમાં જમવા જવાનું કે અહીંથી કંઈ પણ ઑર્ડર કરવાનું બંધ કરો. ઇતના તો કર સકતે હૈં.’

 જૈનોની માગણી - જૈન મંદિરને તોડવા માટે જવાબદાર BMCના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે, BMC એના ખર્ચે નવું જૈન મંદિર બાંધે અને આ ઘટના માટે BMC જાહેરમાં માફી માગે

mumbai news mumbai jain community gujarati community news gujaratis of mumbai vile parle kutchi community religious places