વસઈમાં ચાલુ ટ્રેનમાંથી ઊતરતી વખતે દસ વર્ષનો બાળક ટ્રૅક પર પડી ગયો

23 July, 2021 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દસ વર્ષનો આ બાળક તેની મમ્મી સાથે ભાઈંદરની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને જીવનનિર્વાહ ચલાવવા માટે ફૂલો વેચે છે

વસઈ રેલવે સ્ટેશને જીઆરપીના કૉન્સ્ટેબલે દસ વર્ષના બાળકને બચાવીને તેને નવજીવન આપ્યું હતું

વસઈ રેલવે સ્ટેશન પર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)નો અલર્ટ કૉન્સ્ટેબલ આદિનાથ થાણાબીરે દસ વર્ષના બાળકને લોહીલુહાણ અવસ્થામાં ઉપાડીને ભાગતો નજરે ચડ્યો હતો. આ કૉન્સ્ટેબલે દેવદૂત બનીને દસ વર્ષના મલેશી યેલગીની જિંદગી બચાવી હતી, જે વસઈ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચે આવી ગયો હતો. આ સંપૂર્ણ ઘટના સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે.

દસ વર્ષનો આ બાળક તેની મમ્મી સાથે ભાઈંદરની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને જીવનનિર્વાહ ચલાવવા માટે ફૂલો વેચે છે. બાળક ભાઈંદર રેલવે સ્ટેશનથી વિરાર લોકલ ટ્રેનમાં ચડ્યો હતો. લોકલ ટ્રેન વસઈ સ્ટેશને હૉલ્ટ કરે એ પહેલાં જ બાળક નીચે ઊતરવાની કોશિશ કરી રહ્યો હતો. આ ઉતાવળને લીધે તે લોકલ ટ્રેન અને પ્લૅટફૉર્મના ગૅપમાં પડી ગયો હતો.

વસઈ રેલવે પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન ઇંગાવાલેના જણાવ્યા પ્રમાણે ‘બાળકને ટ્રેનમાંથી પડતો જોતાં એક પ્રવાસીએ ચેઇન ખેંચી હોવાથી લોકલ ઊભી રહી ગઈ હતી. ત્યારે જ પ્લૅટફૉર્મ પર ફરજ બજાવતો કૉન્સ્ટેબલ આદિનાથ થાણાબીર સતર્ક થયો હોવાથી તરત જ બે કોચ વચ્ચેના ગૅપમાંથી ટ્રૅક પર કૂદકો માર્યો હતો. તેણે છોકરાને ટ્રેનની નીચેથી બહારની બાજુએ ધક્કો આપ્યો હતો. બાળક લોહીલુહાણ થઈ ગયો હોવાથી કૉન્સ્ટેબલે તેને ઉપાડીને ભાગતા-ભાગતા છેક સ્ટેશનની બહાર લઈ જઈને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. છોકરાને વસઈની રવિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. મેં રેલવેના સીપી કૈઝર ખાલિદને પત્ર લખ્યો છે અને જીઆરપીના આ કૉન્સ્ટેબલે દાખવેલી બહાદુરી બદલ પુરસ્કાર આપવાની ભલામણ કરી છે.’

mumbai mumbai news vasai mumbai railways western railway indian railways