બૅન્કનું સર્વર અને ડેટા હૅક કરીને થઈ અઢી કરોડ રૂપિયાની ઉઠાંતરી

30 June, 2022 10:35 AM IST  |  Mumbai | Mehul Jethva

થાણે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્ક સાથે થયેલી છેતરપિંડીમાં નૉન-ઑપરેટિવ અકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા

પ્રતીકાત્મક તસવીર

થાણે પોલીસની વેબસાઇટ હૅક થવાનો મામલો હજી તાજો જ છે ત્યારે થાણે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્કનું સર્વર અને ડેટા હૅક કરીને અઢી કરોડ રૂપિયાની ચોરી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ બૅન્ક-કર્મચારીઓ અને બૅન્કના હાર્ડવેર સાથે બૅન્કનું આઇટી સંભાળતી કંપનીના કર્મચારીઓના યુઝર આઇડીનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

થાણે-વેસ્ટમાં વાગલે એસ્ટેટમાં આવેલી થાણે જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કના આઇટી મૅનેજર અક્ષય પાટીલે કરેલી ફરિયાદ અનુસાર થાણે જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કની થાણે અને પાલઘર જિલ્લામાં કુલ ૧૧૭ શાખા છે. બૅન્કનું ડેટા સેન્ટર વાગલે એસ્ટેટ ખાતે આવેલું છે અને બૅન્કની તમામ શાખાઓ આ સેન્ટર પરથી ઑનલાઇન કાર્ય કરે છે. બૅન્કે મુલુંડસ્થિત એક પ્રાઇવેટ કંપનીને હાર્ડવેરની જાળવણીનું કામ આઉટસોર્સ કર્યું છે. ૨૨ જૂને બૅન્કના ટેક્નિકલ સલાહકારે બૅન્કને મહત્ત્વપૂર્ણ માહિતીની જાણ કરી હતી જેમાં બે નૉન-ઑપરેટિવ બૅન્ક-ખાતાંઓના બૅલૅન્સમાં એક કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આ ખાતાંઓમાંથી નાણાં ટ્રાન્સફર કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક કો-ઑપરેટિવ બૅન્ક-ખાતામાંથી એક કરોડ રૂપિયા ઉમેરીને પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ વ્યવહારો બૅન્કના ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા નહોતા. આ તમામ વ્યવહારો ૧૦ જૂને થયા હતા. કોઈએ બૅન્કની કમ્પ્યુટર સિસ્ટમ હૅક કરીને ૬,૪૫,૦૦૦ રૂપિયાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. એ પછી આઇટી અધિકારીઓએ બૅન્કની સિસ્ટમની તપાસ કર્યા પછી જાણવા મળ્યું હતું કે ૨૪ જૂને કોઈએ બૅન્કની કમ્પ્યુટર સિસ્ટમ હૅક કરીને વિવિધ શાખાનાં ખાતાંમાંથી કુલ ૨૫૨ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતા. એ પછી બૅન્કે એ ઘટનાને ગંભીરતાથી લઈને વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં બૅન્કનું સર્વર હૅક કરી નાણાકીય લાભ માટે બૅન્કના ડેટા અને બૅન્કની વિવિધ શાખાઓના ખાતાધારકોનાં ખાતાંમાંથી ડેટાની ચોરી કરવા માટે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

થાણે ઝોન પાંચના ડેપ્યુટી પોલીસ કમિશનર વિનયકુમાર રાઠોડએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ બૅન્કનું સર્વર હૅક કરીને ડેટા મેળવ્યા છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ માટે સાઇબર સેલની મદદ લેવામાં આવી રહી છે.’ 

mumbai mumbai news thane thane crime mehul jethva