સાહિત્ય યજ્ઞમાં અખંડ આહુતિ આપી લોક-મિલાપ કરાવનાર મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે નિધન

03 August, 2022 11:52 PM IST  |  Mumbai | Chirantana Bhatt

આ વર્ષે જ મહેન્દ્ર મેઘાણી ૧૦૦માં વર્ષમાં પ્રવેશ્યા હતા. શતકમાં પ્રવેશી પંચમહાભૂતમાં વિલિન થયેલા મહેન્દ્ર મેઘાણી પુસ્તકઋષિ તરીકે જ ઓળખાતા.

મહેન્દ્ર મેઘાણી - તસવીર સૌજન્ય સોશ્ય મીડિયા

સાહિત્યનો જીવ હોય તે મહેન્દ્ર મેઘાણીના નામથી અપરિચિત હોય તેવું શક્ય જ નથી. ૨૦મી જુન ૧૯૨૩માં મુંબઈમાં જન્મેલા મહેન્દ્ર મેઘાણીનું ૩ ઑગસ્ટ ૨૦૨૨ના રોજ રાત્રે ૮.૦૦ વાગ્યે ભાવનગર ખાતે નિધન થયું છે. આ વર્ષે જ તેઓ ૧૦૦માં વર્ષમાં પ્રવેશ્યા હતા. શતકમાં પ્રવેશી પંચમહાભૂતમાં વિલિન થયેલા મહેન્દ્ર મેઘાણી પુસ્તકઋષિ તરીકે જ ઓળખાતા. લોકમિલાપ પ્રકાશન હેઠળ સતત પુસ્તક પ્રકાશન કરનારા મહેન્દ્ર મેઘાણીએ ‘નહીં વિસરાતા કાવ્યો’ નામનું પુસ્તક ૯૬માં વર્ષે પ્રકાશિત કર્યું હતું. ગ્રંથના ગાંધી કહેવાયેલા મહેન્દ્ર મેઘાણી લોકમિલાપનો પર્યાય હતા અને ૨૦૦થી વધુ પુસ્તકો લોકમિલાપે પ્રકાશિત કર્યા છે જેનું તમામ શ્રેય મહેન્દ્ર મેઘાણીને જ જાય.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર મહેન્દ્ર મેઘાણીએ ‘અરધી સદીની વાચનયાત્રા’ના એક પછી એક પ્રકાશિત કરેલા ભાગ સાથે પોતાના જીવનના ૫૦ વર્ષ દરમિયાન તેમણે પોતે વાંચેલા ઉત્કૃષ્ટ લખાણોના ભાગ સંપાદિત કરી સતત પ્રકાશિત કર્યા, દરેક નવા પ્રકાશન સાથે દળદાર પુસ્તકો વાચકો સુધી પહોંચાડ્યા.

મંજરીબહેન (જમણે) અને અંજુબહેન (ડાબે) ગોપાલભાઈ (ડાબે) અને અબુલભાઈ (જમણે)સાથે મહેન્દ્ર મેઘાણી - તસવીર સૌજન્ય સોશ્યલ મીડિયા

યુવા વયે પિતા સાથે કાર્ય કર્યું, ૪૦ના દાયકાના ઉત્તરાર્ધમાં ન્યૂ યોર્કના ગુજરાતી દૈનિક માટે લેખ લખ્યા, ન્યૂ યોર્કથી પાછા ફરી તેમણે મુંબઇમા લોકમિલાપ કાર્યાલય શરૂ કરી અને સાથે મિલાપ નામે માસિક (ડાયજેસ્ટ) પણ શરૂ કર્યું. ગુજરાતી ભાષાના અગત્યનાં સામયિકોમાં ‘મિલાપ’નું સ્થાન હંમેશા મહત્વનું રહ્યું. લોકમિલાપ ટ્રસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે પણ પુસ્તકો નજીવી કિંમતે વેંચવાની જાહેરાતમાં ભારોભાર ઉમળકો હતો કારણકે સાહિત્ય યજ્ઞનો ગરમાવો લોકો સુધી પહોંચાડીને છેલ્લી આહુતિ આપવાની હતી. લોકમિલાપની સ્થાપના દેશના પ્રથમ પ્રજાસતાક દિવસે મુંબઈમાં થયેલી. 1954માં લોકમિલાપ કાર્યાલય ભાવનગર આવ્યું. સિત્તેર વરસની સાહિત્યયાત્રા ૨૦૨૦માં પુરી કરવામાં આવી હતી. તેમણે જન્મભૂમિ અખબારના પત્રકાર તરીકે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ સાથે યુએસએસઆર, પૉલેન્ડ, યુગોસ્લાવિયાનો પ્રવાસ કર્યો. વિદેશમાં ભારતીય પુસ્તકોના પ્રદર્શનો કરવામાં પણ તેમણે કોઇ કચાશ ન છોડી.

મેઘાણી પરિવારની પાંચ પેઢીઓ એક તસવીરમાં કેદ

ગુજરાતી સાહિત્ય, ગાંધીવિચાર, રવિન્દ્રનાથ ટાગોર, ટોલસ્તોય, ગીજુભાઇ બધેકા, કાકાસાહેબ કાલેલકર ના સાહિત્યને લગતા પુસ્તકો બહાર પાડી, નજીવી કિંમતે તેનું વેચાણ કરી લોકોને સતત વાંચતા રાખવાનો જાણે તેમણે ભેખ ધર્યો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું હતું અને ત્યાર બાદ અમદાવાદની કૉલેજ ઑફ એજ્યુકેશન તથા કોલંબિયામાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. ઉત્તમ અનુવાદો, પત્રકારત્વ, શ્રેષ્ઠ પુસ્તકોનાં સંક્ષિપ્ત સ્વરૂપો, બેજોડ કહી શકાય તેવા સંપાદનો થકી તેઓ મેઘાણી વિચારધારા, ભાષાયજ્ઞ અને સત્વપૂર્ણ સાહિત્યના આયામો વિસ્તારતા રહેલા મહેન્દ્ર મેઘાણીની વિદાય ગુજરાતી સાહિત્યની આગળ ધપી રહેલી યાત્રાની કેડીમાં એક ન ગમતો વિરામ લાવશે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટથી (વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગર) તા. 4 ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાને જશે.

 

 

bhavnagar gujarat news