અમદાવાદથી લંડનઃ17 હજાર કિલોમીટર સુધી ફેલાશે શાંતિનો સંદેશ

21 February, 2019 03:38 PM IST  |  અમદાવાદ

અમદાવાદથી લંડનઃ17 હજાર કિલોમીટર સુધી ફેલાશે શાંતિનો સંદેશ

15મેથી શરૂ થશે વર્લ્ડ પીસ રેલી

પુલવામા હુમલા બાદ દેશભરના લોકોમાં આક્રોશ છે. લોકો પાકિસ્તાનને પાઠ ભણાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે વિશ્વમાં શાંતિના સંદેશ ફેલાવવા માટે અમદાવાદથી પીસ રેલી યોજાવાની છે. દેશના શહીદ જવાનોના છ બાળકો પણ આ પીસ રેલીમાં ભાગ લેવાના છે. 17 હજાર કિલોમીટરની આ રેલી અમદાવાદથી શરૂ થશે.

અમદાવાદની NGO શ્રી સાઈ વિમેન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ દ્વારા રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં એવા છ બાળકો પણ ભાગ લેશે જેમના પિતા આર્મી, એરફોર્સ, નેવી, CRPF, BSF કે પોલીસમાં હતા ત્યારે શહીદ થયા હતા. બદલાની ભાવના કરતા શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આ રેલી યોજાઈ રહી છે.

NGO દ્વારા અપાયેલી માહિતી મુજબ આ રેલી 15 મેના રોજ અમદાવાદમાં ગાંધી આશ્રમથી શરૂ થશે, અને લંડનમાં આંબેડકર ભવન પર પૂરી થશે. રાજ્યપાલ ઓ. પી. કોહલી 15મેના રોજ રેલીને ફ્લેગ ઓફ કરાવશે. આ રેલી નેપાળ, ચીન, રશિયા, પોલેન્ડ, ઓસ્ટ્રિયા, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ થઈ લંડન પહોંચશે. જ્યાં આંબેડકર હાઉસ ખાતે રેલીની સમાપ્તિ થશે. ટૂંકમાં આ પીસ રેલી દરમિયાન 15 દેશના 105 શહેરને આવરી લેવાશે.

આ પણ વાંચોઃ જયપુર: ગુજરાતના ડૉ. સ્મિતિ પાઢીને બેસ્ટ સ્પોર્ટ્સ કોમ્યુનિકેટરનો પુરસ્કાર

આ રેલીમાં 10થી 15 SUV કાર્સ હશે, સાથે 40થી 50 મેમ્બર્સ સામેલ થશે. રેલી માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ થશે. પાર્ટિસિપન્ટ જૂન મહિનાના અંતમાં ફ્લાઈટથી પાછા ફરશે. તો NGO દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે રજિસ્ટ્રેશનમાંથી મળેલી રકમ જરૂરિયાતમંદ પરિવારોના હિત માટે વપરાશે.

gujarat news