પાટીદારો વહાલા ને અમે દવલા?

22 May, 2022 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાટીદારોની જેમ અન્ય સમાજના કેસ પણ પાછા ખેંચો: કૉન્ગ્રેસના બે વિધાનસભ્ય અને અપક્ષ વિધાનસભ્યે ગુજરાત સરકાર સમક્ષ માગણી કરીને સમગ્ર ગુજરાતમાં આંદોલનની ચેતવણી આપી

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ : પાટીદારો પર થયેલા કેસ પૈકીના કેટલાક કેસ ગુજરાત સરકાર પાછા ખેંચી રહી છે ત્યારે કૉન્ગ્રેસના બે વિધાનસભ્ય અને અપક્ષ વિધાનસભ્યે ગઈ કાલે પાટીદારોની જેમ અન્ય સમાજના કેસ પણ પાછા ખેંચવા માગણી કરી છે અને ગુજરાત સરકારને ચેતવણી આપી છે કે જો કેસ પાછા નહીં ખેંચાય તો બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સડકો પર ઊતરી આંદોલન કરીશું.
આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાના આયોજનની વિગતો આપવાની સાથે થરાદના કૉન્ગ્રેસના વિધાનસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘પાટીદાર યુવાનો પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા હતા એ કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે. એવી રીતે સાથે સાથે ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, ઠાકોર સમાજ, રબારી સમાજ, બ્રાહ્મણ સમાજ, ચૌધરી સમાજ હોય કે જે લોકો, કે જે સરકાર સામે લડતા ખોટા કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવામાં આવે.’
વાવના કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે ‘કોઈ પક્ષના બેનર હેઠળ આ કાર્યક્રમ નથી કર્યો, જે સમાજના આગેવાનો ઉપર કેસ થયા છે તે પરિવારોને પણ આમંત્રણ આપ્યું છે. આ કોઈ બીજેપી કે કૉન્ગ્રેસ માટે કે ચૂંટણી માટે નહીં પણ અન્યાય સામે ન્યાયની લડાઈનું સંમેલન છે.’
ગુજરાતની વડગામ બેઠકના અપક્ષ વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ‘એક પ્રકારે આ રાજ્ય સરકારને ચેતવણી આપી રહ્યા છે કે ટૂંક સમયમાં તમામ સમાજ પરના કેસ પાછા ખેંચી લેવાની પ્રક્રિયા હાથ ધરો, નહીં ધરો તો આવનારા દિવસોમાં બનાસકાંઠાની સડકો પર ઊતરી સડકો જૅમ કરી સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલનની ચેતવણી આપીએ છીએ.’

gujarat Gujarat Congress