પતિએ બટાટાનું શાક ખાવની ના પાડી તો પત્નીએ ધોકાથી માર માર્યો

12 August, 2020 04:33 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

પતિએ બટાટાનું શાક ખાવની ના પાડી તો પત્નીએ ધોકાથી માર માર્યો

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં તાજેતરમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. 40 વર્ષના ડાયાબિટીસના દર્દીએ પત્ની વિરુદ્ધ કપડા ધોવાના ધોકાથી મારવા અને અપશબ્દો બોલવાની ફરિયાદ નોંધાવી છે. પતિએ બટાકાનું શાક ખાવાની ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને તે બાદ પત્નીએ પતિને એટલો માર માર્યો હતો કે તેને ખભા પર ફ્રેક્ચર થઇ ગયું હતું.

અમદાવાદના વાસણામાં રહેતા હર્ષદ ગોહિલે ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે, તેઓને ડાયાબિટીસની બીમારી છે. ડૉક્ટરે તેમને શું ન ખાવુ અને શું ખાવુ તેમજ તેમના સ્વાસ્થ્ય માટે શું સારુ છે તે જણાવ્યું છે. આ બાબતે હંમેશા પત્ની અને તેમનો ઝઘડો થાય છે. શુક્રવારની રાતે, તેમણે પત્નીને પૂછ્યું કે, જમવામાં શું બનાવ્યું છે? તો પત્નીએ કહ્યું બટાકાનું શાક અને રોટલી. આ સાંભળતા પતિએ વિરોધ કર્યો અને કહ્યું કે, તને ખબર છે કે મારા શરીર માટે બટાકા સારા નથી તો પણ તે બનાવ્યા. પત્નીને આ ન ગમ્યુ અને તે પતિને અપશબ્દો બોલવા લાગી હતી. આ દરમિયાન પત્ની બાથરૂમમાંથી કપડા ધોવાનો ધોકો લઈ આવી અને હર્ષદભાઈને માર મારવા લાગી. હર્ષદે મોટેથી બૂમો પાડતા તેના પરિવારના અન્ય સભ્યો આવ્યાં અને તેને આ બધામાંથી બચાવ્યો હતો. પરિવારના સભ્યોએ હર્ષદને સારવાર માટે વી. એસ. હૉસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ડૉક્ટરોએ કહ્યું હતું કે, હર્ષદનાં જમણા ખભા પર ફ્રેક્ચર છે. તેમજ આ અંગે પત્ની વિરુદ્ધ વાસણા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

gujarat ahmedabad Crime News