ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે કે નહીં આ નિર્ણય તો વાઇટ હાઉસ જ કરશે: રૂપાણી

22 February, 2020 07:54 AM IST  |  Gandhinagar

ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે કે નહીં આ નિર્ણય તો વાઇટ હાઉસ જ કરશે: રૂપાણી

વિજય રૂપાણી

૨૪ ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહેલા અમેરિકાનના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ આખરે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત ટાળીને અમદાવાદથી સીધા આગરા તાજમહલ જોવા જશે. પરંતુ હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ટ્રમ્પ ૨૪મીએ ઍરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ જશે. જોકે અગાઉ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે કે નહીં એ સંબંધી અંતિમ નિર્ણય તો વાઇટ હાઉસ જ કરશે.

સૂત્રોએ કહ્યું કે ટ્રમ્પનો ૨૪મીનો વિગતવાર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરાયો ત્યારે એમાં ગાંધી આશ્રમનો કોઈ ઉલ્લેખ નહોતો અને આગરા જશે એમ કહેવામાં આવ્યું હતું. એની ટીકાઓ પણ થઈ હતી કે તેમના માટે ગાંધી કરતાં તાજ વધારે મહત્વનો છે. જોકે વાઇટ હાઉસ દ્વારા નવેસરથી નક્કી કરવામાં આવ્યું કે ભારતને આઝાદી અપાવનાર અને ગુજરાતી એવા રાષ્ટ્રપિતા ગાંધીજીના આશ્રમની મુલાકાત લેવાની મહાનુભાવોની પરંપરા રહી છે. ઉપરાંત અમેરિકામાં ગુજરાતી મતદારો પણ તેનાથી નારાજ થઈ શકે એમ વિચારીને છેવટે હવે એમ નક્કી કરાયું છે કે ટ્રમ્પ અને તેમનાં પત્ની ૨૪મીએ અમદાવાદ પહોંચીને ગાંધી આશ્રમ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે તેમની સાથે રહેશે અને તેમને ગાઇડ પણ કરીને ગાંધી ચરખો કાંતવામાં મદદ કરે એમ છે. સૂત્રોએ કહ્યું કે કાર્યક્રમમાં નજીવો ફેરફાર છે, પરંતુ અગાઉ એમાં સમાવેશ કરાયેલો જ હોવાથી તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી નહીં પડે.

મંત્રી-ધારાસભ્યોને રવિવારે રાત્રે ગાંધીનગર પહોંચવા આદેશ, વૉલ્વો બસની સુવિધા અપાશે

પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નમસ્તે કાર્યક્રમ માટે રાજ્ય સરકારના મંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મંત્રીઓ સહિત ૧૦૦થી વધુ ઉચ્ચ અધિકારીઓને મોટેરા સ્ટેડિયમ લઈ જવા માટે ખાસ વૉલ્વો બસની સુવિધા ઊભી કરવામાં આવી છે. તમામને સચિવાલયથી સ્પેશ્યલ બસમાં સ્ટેડિયમ સુધી લઈ જવામાં આવશે. મંત્રીઓ અને ધારાસભ્યોને રવિવાર રાત્રે જ ગાંધીનગર પહોંચી જવા જણાવાયું છે.

રાજ્ય સરકારના મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓને સ્ટેડિયમ લઈ જવા માટે એસટી નિગમ તરફથી વૉલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવવાની છે. આ માટે ગાંધીનગરમાં ત્રણ સ્થળ નિર્ધારિત કરવામાં આવ્યાં છે. આ ત્રણેય સ્થળેથી એક સાથે વૉલ્વો બસ ઊપડશે. આમ કરવા પાછળ એવું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે કે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા તથા સ્ટેડિયમમાં એસપીજીના સિક્યૉરિટી ચેકિંગ દરમિયાન કોઈ તકલીફ ન પડે એ માટે બધાને એકસાથે જ બસ દ્વારા સ્ટેડિયમમાં લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

gujarat donald trump narendra modi white house ahmedabad