અમારે ભારત આવવું છે, સરકાર મદદ કરો

19 March, 2020 12:23 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

અમારે ભારત આવવું છે, સરકાર મદદ કરો

પોલૅન્ડના ભારતીયોનો આજીજી કરતો વિ​ડિયો ગ્રૅબ.

કોરોના વાઇરસે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. અનેક દેશોમાં લૉકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું છે. આવા સમયે અનેક ભારતીયો પણ વિદેશમાં ફસાયા છે. પોલૅન્ડમાં સ્ટુડન્ટ અથવા નોકરીના વિઝા પર સ્થાયી થયેલા લોકોની હાલત હાલ કફોડી બની છે

પોલૅન્ડ ઍરપોર્ટ પર ફસાયેલા ભારતીયો દ્વારા એક વિડિયો મિડ-ડે ગુજરાતીના પ્રતિનિધિને મોકલવામાં આવ્યો હતો. વીર નામના યુવકે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય એમ્બેસી દ્વારા પોલૅન્ડમાં રહેતા ભારતીયોને કહેવામાં આવ્યું હતું કે ૧૬ અને ૧૭ માર્ચના ભારત જવા માટે ફ્લાઇટ બુકિંગ કરાવી શકાશે જેથી મોટી સંખ્યામાં ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓએ ઍરલાઇન્સનો સંપર્ક કરી ટિકિટ-બુકિંગ કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ઍરલાઇન્સ કંપનીએ એવું નિવેદન આપ્યું હતું કે ભારત સરકારે વિદેશથી આવતી તમામ ફ્લાઇટ રદ કરી નાખી છે જેથી ભારત જઈ શકાશે નહીં અને ગુજરાતીઓ પોલૅન્ડમાં અભ્યાસ કરી રહ્યા છે સાથે જ નોકરી પણ કરી રહ્યા છે. હાલ પોલૅન્ડમાં સ્થિતિ ચિંતાજનક છે. તમામ લોકોને ભારત પરત આવવું છે, પરંતુ ફ્લાઇટ નહીં હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિડિયોના માધ્યમથી તેમણે ભારત સરકાર, વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે તેમને ભારત લાવવાના પ્રયાસ કરવામાં આવે. કોરોના વાઇરસના કારણે અનેક લોકોએ ભારત આવવા માટે પોતાના ઘર ખાલી કરી નાખ્યાં છે. જોકે ફ્લાઇટ નહીં હોવાના કારણે હાલ તેમને હોટેલમાં રહેવાનો વારો આવ્યો છે. કેટલાક લોકોને વિઝા પણ રદ કરવામાં આવ્યા છે. ભારતીયો દ્વારા એમ્બેસીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

gujarat surat coronavirus poland covid19 international news national news